અમરોલીમાં ઓનલાઈન ઓર્ડરના પાર્સલો ચોરતી ગેંગનો પર્દાફાશ:બે સાગરીતની ધરપકડ, કાપોદ્રાની ચોરીનો પણ ભેદ ઉકેલાયો

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાંથી લાખો રૂપિયાના ઓનલાઇન ઓર્ડરના પાર્સલોની ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 06/10/2026ના રોજ બપોરે આશરે 15:00 વાગ્યે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-2, પ્લોટ નંબર 31ના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક બર્ગમેન મોપેડ પર સવાર થઈને આવેલા અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. આ શખ્સો ત્યાંથી લેસપટ્ટા, લેડીઝ ડ્રેસ, કોસ્મેટિક સામાન તેમજ ચણીયા ચોલી મળીને કુલ 120 નંગ કિંમતી પાર્સલો, જેની કિંમત ₹ 2,00,355/- થતી હતી, તે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બે ઝડપાયા, એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો
તપાસ દરમિયાન મળેલી બાતમી અને ટેકનિકલ વર્કઆઉટના આધારે ગોડાદરા વિસ્તારમાંથી બે આરોપીઓ સુજલ રતન પાટીલ (ઉંમર 22 વર્ષ, રહે. લીંબાયત, સુરત; મૂળ ધુલે, મહારાષ્ટ્ર) અને દિવ્યેશ કિરણ પાટીલ (ઉંમર 20 વર્ષ, રહે. ગોડાદરા, સુરત; મૂળ જલગાંવ, મહારાષ્ટ્ર)ને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે આ ચોરીમાં સામેલ તેમનો અન્ય એક સાથીદાર શ્યામ ઉર્ફે સ્માઇલી રવીન્દ્ર (મહાલે) પાટીલ (રહે. પાંડેસરા, સુરત) હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે. કાપોદ્રામાં કરેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલા ડ્રેસ, લેસપટ્ટા અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું GJ 05 TW 8276 નંબરનું બર્ગમેન મોપેડ સહિત કુલ ₹ 1,22,358/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની કડક પૂછપરછમાં તેમનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમની પાસેથી મળી આવેલા ₹ 38,943/-ની કિંમતના લેડીઝ કુર્તી અને ટી-શર્ટના 85 નંગ પાર્સલો તેમણે 14 ઓક્ટોબરના રોજ કાપોદ્રા ચાર રસ્તા પાસે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાંથી ચોર્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય ચોરીનો ભેદ પણ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *