અમરોલીમાં રક્ષાબંધનના તહેવારે શરમજનક ઘટના:પાડોશી આધેડે 4 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા, બાળકીએ માતાને કહેતા આરોપીને પોલીસે પકડ્યો

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર અમરોલીમાંથી માનવતાને શર્મસાર કરતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પવિત્ર રક્ષાબંધનના તહેવારના દિવસે પાડોશમાં રહેતો 45 વર્ષીય આધેડ શ્રમિક પરિવારની માત્ર 4 વર્ષની માસૂમ દીકરીને રમાડવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બાળકીએ ઘરે આવીને માતા સમક્ષ પોતાની શારીરિક પીડા વર્ણવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતાં અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. માતા સમક્ષ બાળકીએ આપવીતી જણાવતાં પરિવાર સ્તબ્ધ બન્યો
અમરોલી પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ મુજબ, ગત 28 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સાંજે 6:00થી 8:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ હીન કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકી આરોપીના ઘરેથી પરત આવી ત્યારે તેણે માતા પાસે જઈને ગુપ્ત ભાગે અસહ્ય દુખાવો થતો હોવાનું જણાવ્યું હતું. માતાએ વહાલપૂર્વક પૂછપરછ કરતાં માસૂમે જણાવ્યું કે, પાડોશમાં રહેતા ગોલા અંકલે તેનાં કપડાં ઉતારીને અડપલાં કર્યાં હતાં. દીકરીની વાત સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને માતાએ જરાય વિલંબ કર્યા વિના અમરોલી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે તાબડતોબ રેડ પાડી આરોપીને ઝડપી લીધો
માસૂમ બાળકી સાથે થયેલા અત્યાચારની ગંભીરતા પારખીને અમરોલી પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં ક્રિએશન અંજની ઇન્ડસ્ટ્રીયલ વિભાગ-4 માં રહેતા આરોપી ગોલા ઉર્ફે ગોપી જાટીયા પ્રધાન (ઉંમર 45 વર્ષ) ને દબોચી લીધો હતો. બીજી તરફ ભોગ બનનાર બાળકીને તાત્કાલિક તબીબી સારવાર અને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. ઓડિશાનો શ્રમિક સુરતમાં એકલો રહેતો હતો
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, 45 વર્ષીય આરોપી ગોલા પ્રધાન મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતની છે અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહી લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરે છે. તેની પત્ની અને 2 બાળકો વતનમાં રહે છે, જ્યારે તે અહીં એકલો રહેતો હતો. પાડોશી શ્રમિક પરિવારે વર્ષોની ઓળખાણ અને ભરોસાના આધારે બાળકીને તેની સાથે જવા દીધી હતી, પરંતુ નરાધમે વિશ્વાસઘાત કરી આ જઘન્ય અપરાધ આચર્યો હતો. અમરોલી પોલીસે આરોપી સામે કડક પુરાવા એકત્ર કરી કાનૂની સકંજો કસવાની તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *