'અમારા કરતા મડદા આરામથી ઊંઘે છે':CM હાઉસ અડીને આવેલા બોરીજ ગામના રહીશો પાયાની સુવિધાઓથી વંચિત, ગાંધીનગરના વોર્ડ 4માં દીવા તળે અંધારું!

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલમાં વોર્ડ-4માં એકતરફ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના નિવાસ્થાન છે. તો બીજી તરફ માત્ર 100 મીટરના અંતરે આવેલું બોરિજ ગામ સહિત અન્ય આસપાસ ગ્રામ્ય વિસ્તારોને પાયાની સુવિધાઓ આપવામાં વર્ષોથી માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનું ભાસ્કર ડિજિટલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સામે આવેલા બોરીજ ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. શુધ્ધ પીવાનું પીવાનું પાણી પૂરતા પ્રેશરે મળતું નથી, ગટરલાઇન, વીજળી અને પ્રોપર્ટી કાર્ડની સમસ્યાથી સ્થાનિકો પીડાય રહ્યાં છે. ત્યારે અમે અત્રેના વિસ્તારમાં પહોંચ્યા તો બોરીજ ગામ મનપાના નકશામાં તો છે પણ સુવિધાઓના નામે સ્થાનિકોને માત્ર લોલીપોપ જ આપવામાં આવી છે.આ વોર્ડમાં વોર્ડ-4 માં કુલ 21,148 મતદારો છે, જે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ મતદારોના 8.15 ટકા હિસ્સો ધરાવે છે. સ્થાનિક બકુલભાઈએ કહ્યું કે, અમને પાણી, ગટર, સંડાસ-પાણીની, નાવાની, લાઈટની ખૂબ ખૂબ તકલીફો પડે છે. અમને કોઈપણ વ્યક્તિને એમણે કોઈ આધાર આપ્યો નથી. અમારે મરવા માટે પ્રોપર્ટી કાર્ડ પણ આપ્યું નથી. ‘આવી સ્થિતિમાં બૈરી જતી રહી, છોકરા જતા રહ્યા, છોકરાની વહુઓ જતી રહી. આ મચ્છર, મકોડા , કીડીઓ કઈને કઈ કરડી જાય છે અમારે જવું ક્યાં? કોર્પોરેટરો પાંચ વર્ષે પાછા દર્શન આપતા નથી.’ ‘દીવો કરીને ઘરમાં અજવાળું કરીએ છે’
બોરીજ ગામના પુનમબેને કહ્યું કે, છેલ્લા પંદર વીસ વર્ષથી અહીંયા રહી છીએ, તોય હજુ અમને લાઇટ મળી નથી. લાઇટ લેવા જઈએ તો પ્રોપર્ટી કાર્ડ માંગે અને પ્રોપર્ટી કાર્ડ લેવા જઈએ તો ઘસીને ના પાડી દેવાય છે. અમારા બાળકો મચ્છરોના લીધે બીમાર પડી રહ્યા છે. અમુક લોકોને લાઇટ મળી ગઈ પણ અમને મળતી નથી. જેના લીધે દીવો કરીને ઘરમાં અજવાળું કરીએ છે. ‘અમે ખુલ્લામાં પવનના સહારે ઊંઘીએ છીએ, છોકરાઓને મચ્છર કરડે’
મીનાબેન ઈશ્વરભાઈ પટણીએ કહ્યું કે, 20 વર્ષથી બોરીજ ગામમાં રહીએ છીએ પણ અમારે સંડાસ કે પાણીની કોઈ સુવિધાઓ નથી. એ બધા કહે છે કે લાઈટ પાણી લેવું હોય તો પ્રોપર્ટી કાર્ડ લઈને આવો. પણ અમારી પાસે પ્રોપર્ટી કાર્ડ નથી લાઈટ કોઈ આપતું નથી. અમે ખુલ્લામાં પવનના સહારે ઊંઘીએ છીએ, છોકરાઓને મચ્છર કરડી ખાય છે. પૈસા ખર્ચીએ પણ અમને કોઈ લાઈટ આપતા નથી. થોડા ઘણા દસ વીસ હજાર અમે આપવા માંગીએ છે તોય કોઈ લાઈટ આપવા તૈયાર નથી. ‘સરકાર પાસે પચાસ વખત ધક્કા ખાય પણ કઈ કરતા નહીં’
જ્યોત્સનાબેને કહ્યું કે, 20 વર્ષથી અમને લાઈટની કોઈ સગવડ નથી. અમે જઈએ છે તો મીટર પણ નહીં આપતા. અમને પ્રોપર્ટી કાર્ડ લઈને આવો તો તમને સગવડ કરી આપીએ તેમ કહે છે. અમારે જવું તો કોની પાસે જાવું. અમારા આધાર માંગીએ તો અમારે સરકાર જોડે માંગીએ. સરકાર જોડે પચાસ વખત ધક્કા ખાય પણ કઈ કરતા નહીં. ‘કેટલાય વર્ષથી આમને આમ પડી રહ્યા છીએ’
સ્થાનિક કમુબેને કહ્યું કે, મકાનો તૂટી ગયા છે, એમાંય લાઇટ જ નથી. લાઇટ લેવા જઈએ તો પ્રોપર્ટી કાર્ડ માંગે. ગટરની વ્યવસ્થા નહીં, ખાર કૂવા કરીને કામ ચલાવીએ. અમારે અપંગ બેન છે એટલે ક્યાં બેસાડવી, રોજ ડબ્લામાં બેસાડીને નાખવા જાઉં છું. તો બીજી તરફ આશાબેને કહ્યું કે, લાઈટ નહી, કશું નથી. આ જાજરા, બાથરૂમે પોતે બનાયા ખાર કૂવા કરી કરીને. ત્યાં તો હવે લાઇન પણ કામ કરતી નથી. કોર્પોરેશનમાં મત આપીને તોય આવું છે, કેટલાય આવે ને કેટલાય જાય. કેટલાય વર્ષથી આમને આમ પડી રહ્યા છીએ. ‘આરસીસી રોડ, ગટર અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી’
આ અંગે આમ આદમી પાર્ટીના વોર્ડ 4 ઉમેદવાર અને પાર્ટીના શહેર શહેર પ્રમુખ લાલભાઈ વણઝારાએ કહ્યું કે, સીએમ હાઉસના રોડ જોઈ લો અને સીએમ હાઉસને પાછળ અડીને આવેલું 100 મીટરના અંતરે બોરીજ ગામ આવેલું છે. આજની તારીખમાં બોરીજ ગામમાં ઘણા રસ્તાઓ એવા છે કે નહીં ત્યાં આરસીસી રોડ, ગટર અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી. મારા ખ્યાલથી 50 વર્ષ પહેલાં જે સ્ટ્રીટલાઈટ છે એને એ લાઈટ છે એના સિવાય કોઈ થાંભલા પણ આજ સુધી બદલવામાં આયા નથી. ‘ગાંધીનગર મહાનગરપાલિકામાં 2011થી 2016 સુધી કોંગ્રેસના કોર્પોરેટર રહેલા છે અને 10 વર્ષ કોંગ્રેસના આપ્યા છે વોર્ડે અને 5 વર્ષ આ ભાજપ સરકારને આપ્યા છે. પણ આ વોર્ડનો કોઈ વિકાસ થયો નથી. પરંતુ હું કહીશ કે આ જે કોર્પોરેટરો છે .ભાજપ કે કોંગ્રેસે કામ નથી કર્યું એટલા માટે અમારે આ વખતે આમ આદમી પાર્ટીને ઉતરવું પડ્યું છે અને ચોક્કસથી જનતાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં અમે ખરા ઉતરવાના છીએ અને જે લોકોને પાયાની સુવિધા છે એ અમે પૂરી પાડીશું.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *