અમેરિકાના મિયામી એરપોર્ટ પર શનિવારે રાત્રે બે વિમાનો અથડાયા. પનામા સિટીથી આવેલું કોપા એરલાઇન્સનું મુસાફર વિમાન એરપોર્ટ પર આગળ વધી રહ્યું હતું, ત્યારે તેની વિંગ UPSના કાર્ગો વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ. અકસ્મતમાં મુસાફર વિમાનમાં સવાર 2 લોકો સામાન્ય રીતે ઘાયલ થયા. વિમાનમાં 166 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સહિત 172 લોકો હતા. તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ટક્કર સમયે બંને વિમાનો ટેક્સીવે પર ચાલી રહ્યા હતા અકસ્મત અમેરિકન સમય મુજબ રાત્રે લગભગ 9:15 વાગ્યે થયો. તે સમયે બંને વિમાનો એરપોર્ટના ટેક્સીવે પર ચાલી રહ્યા હતા. UPSનું કાર્ગો વિમાન કોલંબિયાના બોગોટો જવા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું. ટક્કર બાદ તરત જ કોપા એરલાઇન્સના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જણાવ્યું, ‘કોઈએ અમારા વિમાનને ટક્કર મારી છે.’ ત્યારબાદ કંટ્રોલ ટાવરે UPSના પાઇલટને પૂછ્યું કે શું તેમના વિમાનની બીજા વિમાન સાથે ટક્કર થઈ હતી. આ અંગે UPSના પાઇલટે જવાબ આપ્યો, ‘હા, અમે થોડું આગળ નીકળી ગયા હતા. ત્યારબાદ બીજા વિમાનની વિંગ અમારા વિમાન સાથે અથડાઈ.’ થોડા સમય બાદ કોપાના પાઇલટે જણાવ્યું કે તેમના વિમાનની ડાબી વિંગ પણ તૂટેલી લાગે છે. મુસાફરે કહ્યું- ટક્કરથી વિમાન અચાનક એક તરફ વળી ગયું કોપા એરલાઇન્સના મુસાફર સીઝર ફેરેરાએ CNNને જણાવ્યું કે વિમાન સામાન્ય ઝડપે એરપોર્ટ પર આગળ વધી રહ્યું હતું. ત્યારે અચાનક મુસાફરોના અવાજો તેજ થવા લાગ્યા. ત્યારબાદ લોકોની ચીસો સંભળાઈ અને બીજા વિમાન સાથે ટક્કર થવાનો ઝટકો અનુભવાયો. તેમણે જણાવ્યું કે ટક્કર થતાં જ વિમાન અચાનક એક તરફ ઝટકો ખાઈને વળી ગયું. કેટલાક મુસાફરો ગભરાઈ ગયા, પરંતુ ક્રૂ મેમ્બર્સે તરત જ બધાને પોતાની બેઠકો પર બેઠા રહેવા જણાવ્યું. કોપા એરલાઇન્સે જણાવ્યું કે વિમાનને ટર્મિનલ સુધી લાવવામાં આવ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા. બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બાકીના મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. કંપનીએ તપાસમાં અધિકારીઓને સહયોગ કરવાની વાત કહી છે. UPSએ પણ પોતાના વિમાનના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું કે તે દુર્ઘટનાનું કારણ જાણવા માટે અધિકારીઓ સાથે કામ કરશે. બે મહિના પહેલાં પણ આ જ એરપોર્ટ પર મોટો અકસ્માત થયો હતો મિયામી એરપોર્ટ પર આ ઘટના લગભગ બે મહિના પહેલાં થયેલા એક મોટા અકસ્માત બાદ બની છે. 6 સપ્ટેમ્બરે સાન જુઆન, પ્યુર્ટો રિકોથી આવેલું એમેઝોનનું કાર્ગો વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું હતું. વિમાને એરપોર્ટની સીમા તોડીને બે વાહનોને ટક્કર મારી હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનના પાઇલટે લેન્ડિંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિમાન રનવે પરથી આગળ નીકળી ગયું. અમેરિકામાં ફ્લાઇટ્સનું સંકટ પણ યથાવત આ અથડામણ એવા સમયે થઈ, જ્યારે અમેરિકામાં શુક્રવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે હજારો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા બાદ આ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલું ફ્લાઇટ ગ્રાઉન્ડ સ્ટોપ હોવાનું જણાવાયું છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ રેડિયો સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ દેશભરની ઉડાનો પર રોક લગાવી દીધી હતી. આ જ સિસ્ટમ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર પાઇલટ્સને સૂચનાઓ આપે છે. લગભગ 5 કલાક સુધી ચાલેલી આ અડચણને કારણે શુક્રવારથી 20 હજારથી વધુ ઉડાનો પ્રભાવિત થઈ છે. અધિકારીઓને આશંકા છે કે સરકારી કોન્ટ્રાક્ટર L3Harris દ્વારા લગાવવામાં આવેલા એક રાઉટરમાં ખામી સર્જાવાને કારણે આ સમસ્યા ઊભી થઈ. FAAના પ્રમુખ બ્રાયન બેડફોર્ડે જણાવ્યું કે એરલાઇન્સને આશા છે કે રવિવારના કામકાજના દિવસના અંત સુધીમાં ઉડાનોનું સમયપત્રક ફરી સામાન્ય થઈ જશે.
અમેરિકાના મિયામી એરપોર્ટ પર બે વિમાન અથડાયા:2 મુસાફરો ઘાયલ, 172 લોકો સવાર હતા; પેસેન્જર પ્લેનની વિન્ગ્સ કાર્ગો વિમાનના આગળના ભાગ સાથે અથડાઈ
📅 Published: November 15, 2026 |
📂 Category: International
