અમેરિકાના મોન્ટાનામાં પરિવારના 8 લોકોની હત્યા:મૃતકોમાં 4 બાળકો; આરોપીએ બધાને ગોળી મારી, પોતાને પણ ગોળી મારી

📅 Published: August 26, 2026 | 📂 Category: International

અમેરિકાના મોન્ટાનાના બિલિંગ્સ શહેરમાં રવિવારે સાંજે એક પરિવારના 8 લોકોની હત્યા કરી દેવામાં આવી. ઘટના ત્યારે બની જ્યારે પરિવારના લોકો એકસાથે ડિનર કરી રહ્યા હતા. આરોપીએ બધાને ગોળી માર્યા પછી ઘરમાં આગ લગાડી દીધી. પછી પોતાને પણ ગોળી મારી દીધી. આરોપી સિવાય મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારની ચાર પેઢીના હતા. તેમાં 4 બાળકો પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે ઘરમાંથી ગોળીબાર થયાની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની પાછળથી ગોળીઓના અવાજ આવી રહ્યા હતા. ઘરની બહાર એક વ્યક્તિ ઘાયલ મળ્યો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. તે જ આ ઘટનાનો શંકાસ્પદ માનવામાં આવી રહ્યો છે. પોલીસને બાળક બેભાન હોવાની માહિતી મળી હતી ઘટના દરમિયાન 911 પર પોલીસને ઘરમાં ગોળીબાર અને એક બાળક બેભાન હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી. થોડા સમય પછી વધુ એક ફાયર એન્જિન મોકલવાનું કહેવામાં આવ્યું. ડિસ્પેચરે પૂછ્યું કે શું બાળકને ગોળી વાગી છે. પોલીસે જણાવ્યું કે તેની પુષ્ટિ થઈ ન હતી. માત્ર એટલું જ ખબર હતી કે બાળક બેભાન છે અને તે શ્વાસ લઈ રહ્યું છે કે નહીં તે પણ સ્પષ્ટ નહોતું. પોલીસ પહોંચી ત્યારે ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો ઇમરજન્સી ટીમો રવિવારે સાંજે લગભગ 6:10 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી. પોલીસે ઘરની બહાર એક વ્યક્તિને જોયો. આ દરમિયાન ઘરની અંદરથી ગોળીબારનો અવાજ પણ આવી રહ્યો હતો. આગ ઝડપથી ફેલાઈ રહી હતી, તેથી ફાયરકર્મીઓ તરત જ ઘરની અંદર જઈ શક્યા નહીં. ફાયર ચીફ મેટ હોપેલે જણાવ્યું કે આગ ઝડપથી ફેલાઈ અને ઘરનો મોટો ભાગ બળી ગયો. આગ ઓલવવા માટે નાખવામાં આવેલું પાણી અને બળી ગયેલો કાટમાળ તપાસમાં મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. આના કારણે પોલીસને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં સમય લાગી રહ્યો છે. પડોશીએ ફટાકડા જેવો અવાજ સાંભળ્યો ઘરથી ત્રણ મકાન દૂર રહેતા ડેવિડ હિલરે જણાવ્યું કે રવિવારે સાંજે 6 વાગ્યા પછી તેમને ફટાકડા જેવો અવાજ સંભળાયો. બાદમાં એક પાડોશીએ ફોન કરીને વિસ્તારમાં ગોળીબારની જાણકારી આપી. હિલરે બહાર નીકળીને જોયું તો પોલીસકર્મીઓ હથિયારો સાથે ગાડીઓની આડમાં ઊભા હતા અને ઘરમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો. હત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ મૃતકોને ઓળખતો હતો, પરંતુ હત્યા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આગ કેવી રીતે લાગી, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કેસ સંબંધિત કેટલીક માહિતી સાર્વજનિક કરવામાં આવશે નહીં. અમેરિકામાં સામૂહિક ગોળીબારની તાજેતરની ઘટનાઓ… 22 ઓગસ્ટ: ઓરેગોનના ફોરેસ્ટ ગ્રોવમાં એક ઘરમાં 5 લોકોની હત્યા થઈ. મૃતકોમાં આરોપીની પાર્ટનર, તેની માતા અને દાદી સહિત પાંચ લોકો સામેલ હતા. શંકાસ્પદ બાદમાં વોશિંગ્ટનમાં મૃત મળ્યો. 14 ઑગસ્ટ: મિશિગનની મિસોકી કાઉન્ટીમાં થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત થયા. મૃતકોમાં શંકાસ્પદ શૂટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં 13 વર્ષની એક બાળકી પણ ઘાયલ થઈ હતી, જેને ચાર ગોળીઓ વાગી હતી. 15 ઑગસ્ટ: વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસ નજીક થયેલા ગોળીબારમાં 5 લોકો ઘાયલ થયા. પોલીસે 19 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *