અમેરિકાની કોર્ટમાં ચીની કંપની હુઆવેઈ દોષિત:ટ્રેડ સિક્રેટ ચોરી અને બેંક છેતરપિંડીના આરોપો સાબિત; 2019થી ચાલી રહ્યો હતો કેસ

📅 Published: November 25, 2026 | 📂 Category: International

અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં જ્યુરીએ ચીની ટેક કંપની હુઆવેઈને ટ્રેડ સિક્રેટની ચોરીના કાવતરાં અને બેંક છેતરપિંડી સહિતના 10 કેસોમાં દોષી ઠેરવી છે. અમેરિકાએ 2019માં હુઆવેઈ પર આરોપ મૂક્યો હતો કે તેણે અમેરિકન અને અન્ય કંપનીઓની ટેકનોલોજી સંબંધિત જાણકારીઓ ચોરી કરી હતી. સાથે જ ઈરાન, ઉત્તર કોરિયા જેવા પ્રતિબંધિત દેશો સાથે વેપાર કરવા અને તેની ખોટી માહિતી અમેરિકન અધિકારીઓ તથા બેંકોને આપવાનો પણ આરોપ હતો. જોકે, કંપનીને અમેરિકન કંપનીઓની બૌદ્ધિક સંપત્તિ (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) ચોરવાના ગુનાહિત કાવતરાના સૌથી ગંભીર આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં કંપનીના વેપાર પર પહેલેથી જ પ્રતિબંધ લાગુ છે. હુઆવેઈએ આરોપોને કાવતરું ગણાવ્યું હુઆવેઈના વકીલોએ આરોપોને ખોટા ગણાવ્યા. તેમનું કહેવું હતું કે અમેરિકી તપાસ એજન્સીઓએ કંપનીના 2 લાખથી વધુ કર્મચારીઓમાંથી કેટલાક લોકોની ભૂલોને આધાર બનાવીને મોટી સાજિશની વાર્તા તૈયાર કરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે તેણે ટેક્નોલોજીના ઉપયોગ માટે અબજો ડોલર લાઇસન્સ ફી તરીકે ચૂકવ્યા છે. આમાંથી લગભગ 75% રકમ અમેરિકી કંપનીઓને આપવામાં આવી હતી. 2019થી ચાલી રહ્યો હતો મામલો હુઆવેઈ સ્માર્ટફોન અને ટેલિકોમ ઉપકરણો વેચવાની સાથે હવે ચિપ નિર્માણના ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે. ચીનમાં તે એનવિડિયા જેવી કંપનીઓની ચિપ્સના વિકલ્પ તરીકે ઉભરી રહી છે. અમેરિકાએ હુઆવેઈ વિરુદ્ધ 2019માં ફોજદારી આરોપો લગાવ્યા હતા. કંપનીની મુખ્ય નાણાકીય અધિકારી અને સ્થાપકની પુત્રી મેંગ વાનઝોઉ પર પણ ઈરાનમાં વેપારને લઈને HSBC બેંકને ગેરમાર્ગે દોરવાનો આરોપ હતો. તેમની 2018માં કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 2021માં ચીનની કસ્ટડીમાં રહેલા બે કેનેડિયન નાગરિકોની મુક્તિના કરાર હેઠળ તેમને ચીન પરત ફરવાની મંજૂરી મળી અને અમેરિકાએ તેમની વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લીધો. અમેરિકામાં વ્યવસાય પર પહેલેથી જ પ્રતિબંધ હુઆવેઇ ઘણા વર્ષોથી અમેરિકાની ટેલિકોમ કંપનીઓને પોતાના ઉપકરણો વેચી શકતી નથી. અમેરિકા અને તેના કેટલાક સહયોગી દેશોએ સુરક્ષાની ચિંતાઓને કારણે કંપની પર પ્રતિબંધો લગાવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *