વ્હાઈટ હાઉસે બહાર પાડેલા રિપોર્ટમાં ગુજરાતનું નામ ચડી ગયું છે. આરોપ છે કે ચીનથી માલ ડાયરેક્ટ અમેરિકા નથી જતો. ગુજરાતમાં તેનું રિ-પેકિંગ અને રિ-લેબલિંગ થાય છે ને પછી અમેરિકા પહોંચે છે. આ લિસ્ટમાં પુણે ને ચેન્નાઈના નામો પણ છે. આખરે અમેરિકાએ ગુજરાત પર આળ કેમ મૂક્યું, ત્રીજા રૂટ તરીકે ગુજરાતનો ઉપયોગ કેમ? જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં… સવાલ-1 : અમેરિકાના રિપોર્ટમાં ગુજરાતનું નામ કેમ? જવાબ : અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસમાંથી એક રિપોર્ટ જાહેર થાય છે. તેમાં 40 દેશો સામે આંગળી ચિંધવામાં આવી છે. આ 40 દેશોમાં ભારતનું નામ છે અને તેમાં ય ભારતના બે રાજ્યો અને એક શહેર છે. શહેરનું નામ છે પુણે અને બે રાજ્યોમાં એક છે ચેન્નાઈ અને બીજું છે ગુજરાત. અમેરિકાએ આ ત્રણેયને ‘અગલી સિસ્ટર્સ સિટીઝ’ ગણાવ્યાં. અગલી સિસ્ટર સિટીઝ એટલે નુકસાન કરનારા એકસરખા શહેરો. ભલે, ગુજરાત અને ચેન્નાઈ રાજ્યો છે છતાં તેના માટે સિટીઝ શબ્દ વપરાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસમાંથી રિપોર્ટ બહાર પડ્યો તેમાં ગુજરાતનું નામ કેમ? તે સમજતાં પહેલાં આખો મામલો આ રીતે સમજો… વ્હાઈટ હાઉસે જે રિપોર્ટ બહાર પાડ્યો તેનું નામ છે- ‘ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ’. ટ્રાન્સશિપમેન્ટ એટલે એક શિપમાંથી માલ ઉતારી તેનું રિ-પેકિંગ કરીને, લેબલ બદલીને બીજી શિપમાં મૂકવાની પ્રોસેસ. ચીન એકલો એવો દેશ છે જેના પર અમેરિકાએ 100% ટેરિફ લગાવી દીધો છે. એટલે ચીન એવું કરે છે કે તેનો માલ અલગ અલગ દેશોમાં મોકલે. આ દેશો ચીની માલ ઉતારે. તેનું પેકિંગ બદલી નાખે. તેના પરથી ‘મેઈડ ઈન ચાઈના’ના લેબલ ઉતારીને પોતાના દેશના લેબલ ચીપકાવી દે. પછી માલ અમેરિકામાં પહોંચે. એટલે ચીનનો માલ અમેરિકામાં ઓછા ટેરિફ સાથે ઘૂસી જાય. આ આખી મોડેસ ઓપરેન્ડી ઘણા ઉદાહરણો સાથે વ્હાઈટ હાઉસના રિપોર્ટમાં લખેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ સલાહકાર છે પીટર નવારો. તેણે ‘ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ’ રિપોર્ટ તૈયાર કર્યો છે. નવારોના રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીને અમેરિકી ટેરિફથી બચવા માટે 2018થી જ ત્રીજા દેશો મારફત ગેરકાયદે રીતે માલ મોકલવાનું નેટવર્ક ઊભું કર્યું છે. દર વર્ષે થર્ડ પાર્ટી કંટ્રી મારફત અમેરિકી માર્કેટમાં ખોટી રીતે ઘૂસાડનારા ચીની સામાનની કિંમત 40 અબજ ડોલરથી લઈને 303 અબજ ડોલર સુધીની હોઈ શકે છે. ટ્રમ્પના સલાહકારે ત્રણ કેટેગરીમાં દેશો વહેંચ્યા અમેરિકાનું કહેવું છે કે આનો મતલબ એ નથી કે આ દેશની સરકારોએ જાણીજોઈને ચોરી કરાવે છે પણ આ દેશોનો ઉપયોગ ચીન સૌથી વધારે કરે છે. હવે ગુજરાતની વાત… પીટર નવારોએ ભારતના ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટનું નામ પણ લખ્યું છે. તેણે રિપોર્ટમાં પુણે, ચેન્નાઈ, ગુજરાત મેન્યુફેક્ચરિંગ બેલ્ટનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ભારતનો આ મેન્યુફેક્ચરિંગ બેલ્ટ ચીનના પંપ અને કોમ્પ્રેસરને પોતાને ત્યાં ઉતારે છે. પછી ભારતીય બનાવીને અમેરિકા મોકલી દે છે. ગુજરાતની ફેક્ટરીઓમાંથી નીકળતા ચાઈનીઝ પંપ અમેરિકા આવે છે તે હકીકતે અમેરિકામાં બનતા પંપનો હક્ક છીનવે છે. પુણે, ગુજરાત અને ચેન્નઈથી પંપ અને કોમ્પ્રેસર અમેરિકા પહોંચી જાય છે. તેના કારણે અમેરિકાના પંપ અને કોમ્પ્રેસર પ્રોડક્શન કરતા શહેરો સિનસિનાટી, ડેટન અને કોલંબસમાં ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય ચેઇન પર અસર થાય છે. ગુજરાતનું નામ અમેરિકાના રિપોર્ટમાં આવ્યું. આની પાછળનું કારણ ગુજરાતની બદલાયેલી ઔદ્યોગિક તાસીર અને તસવીર છે. સવાલ-2 : ગુજરાતમાં લઘુ ઉદ્યોગ કલ્ચર ખતમ થઈ ગયું તેની અસર છે? જવાબ : અમેરિકાના રિપોર્ટમાં ગુજરાતનું નામ આવ્યું તેની સટિક વાત ગુજરાત સરકારના પૂર્વમંત્રી અને ઈન્ટરનેશનલ બાબતોના એક્સપર્ટ ડો. જયનારાયણ વ્યાસ કરે છે. ડો. વ્યાસ કહે છે, ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે ઔદ્યોગિક રાજ્યમાં આઠમા ક્રમે હતું. પછી આઠમા ક્રમેથી પહેલા ક્રમે આવ્યું તે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કારણે. લઘુ ઉદ્યોગો એટલે આજે 100 કરોડના લઘુ ઉદ્યોગ છે તે નહીં. એ વખતે સાડા સાત લાખ રૂપિયાનું મશીનરીમાં રોકાણ હોય અથવા દસ લાખનું રોકાણ એન્સ્યુલર યુનિટમાં હોય તે લઘુ ઉદ્યોગ ગણાતા. ડો. જયનારાયણ વ્યાસ કહે છે, એ વખતના ગુજરાતમાં 3 લાખ 78 હજારના કેપિટલથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની શરૂઆત થઈ. 30 હજાર રૂપિયાથી નિરમાની શરૂઆત થઈ. લગભગ એટલી જ રકમથી રસનાની શરૂઆત થયેલી. 1 લાખ કરતાં ઓછી રકમથી ટોરેન્ટની શરૂઆત થઈ. 1 લાખ કરતાં ઓછી રકમથી કેડીલાની શરૂઆત થઈ. 50 હજાર રૂપિયા કરતાં ઓછી રકમથી પારસ ફાર્માસ્યુટિકલની શરૂઆત થઈ. એટલે ગુજરાત એ સ્મોલ સ્કેલ અને માઈક્રો ઈન્ડસ્ટ્રીનું હબ હતું. એ મોદીએ આવ્યા પછી મારી નાખ્યું. તે પણ મોટા ઉદ્યોગો ઊભા કરવાની ખોજના કારણે. આપણા કલ્ચરનો સત્યાનાશ બોલી ગયો. ડો. વ્યાસ આગળ કહે છે, બદનસીબે તેનો (મોદીનો) પહેલો ઓબ્જેક્ટિવ સર્વ થયો નહીં. કારણ કે 1985માં મારા હાથમાં એક કામ આવ્યું હતું. 15 હજાર કરોડના ખર્ચે વાડીનાર કે જામનગરમાં રિફાઈનરી માટે જમીન અને અન્ય ફેસેલિટી ઊભી કરવાની હતી. પણ એ પછી 5 હજાર કરોડથી વધારેનું કોઈ યુનિટ ગુજરાતમાં આવ્યું નથી. પછી તો હજીરામાં પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ માટે દોઢ લાખ કરોડના રોકાણની વાતો થઈ હતી. ગુજરાત પાસે નાના ઉદ્યોગોનું આગવું કલ્ચર હતું. ચીની માલને રિ-પેકિંગ કરવાનું કામ ગુજરાત કરતું હોય તો મને નવાઈ નહીં લાગે. આમાં ચીનને ફાયદો થાય છે. ચીન સાથેની આપણી વેપાર ખાધ 150 અબજ ડોલરની છે. ભારત ચીન પાસેથી એવી એવી વસ્તુઓ લે છે કે ચીન આપે નહીં તો અહીંયા પ્રોડક્શન બંધ પડી જાય. ચીન પાસેથી ભારત 6 અબજ ડોલરના ફાર્માસ્યુટિકલ એક્ટિવ ઈન્ગ્રિડિયન્સ લે છે. જો આ ચીન આપે નહીં તો છ મહિનામાં અહીંયા વિટામીન્સ અને એન્ટિબાયોટિક્સમાં ભયંકર શોર્ટેજ ઊભી થાય. ડો. જયનારાયણ વ્યાસનું કહેવું છે કે, અમેરિકાના રિપોર્ટમાં ગુજરાતનું નામ આવે એટલે સેન્ટિમેન્ટ થવાની જરૂર નથી. રિપોર્ટ આવવાથી અમેરિકા કાંઈ બગાડી લેવાનું નથી. એમને ગરજ હશે તો માલ લેશે. સરવાળે એમની બજારમાં માલ સસ્તો પડતો હશે તો વેચાશે. પુણે, ચેન્નાઈ અને ગુજરાતને અમેરિકાએ ‘અગલી સિસ્ટર્સ સિટીઝ’ કહ્યા છે. ડો. જયનારાયણ વ્યાસ કહે છે, અમેરિકન્સ આર રેન્ક રાસકલ્સ. (રેન્ક રાસકલ્સનો સીધો અર્થ થાય છે બદમાશ). એ લોકો ગમે તેને કોઈપણ લેબલ લગાવી દે છે. ભારત દુનિયાનો ત્રીજા નંબરનો કપાસ પેદા કરતો દેશ છે. ચીનને ન વેચે તો કોને વેચે? આપણે 10-12 અબજ ડોલરનો માલ ચીનને વેચીએ છીએ. સામે 160- 170 અબજ ડોલરનો માલ ભારતને વેચે છે. અહીંયા આપણે ચીની માલનો બહિષ્કાર કરીએ છીએ. એ બહિષ્કાર શેનો? બલૂન, કંદીલ, ઈલેક્ટ્રોનિક રમકડાં.. આ બધાનો.. જે ચાર રસ્તે 50 રૂપિયામાં મળે છે. ચાર રસ્તે જે છોકરો રમકડું વેચે છે તેને 10 રૂપિયા મળે છે. એને જે માણસ આપતો હશે, તેને 10 રૂપિયા મળે છે. જે માણસ હોલસેલર છે તેને 10 રૂપિયા મળે છે. ચીન જો 10 રૂપિયાનો માલ ભારતમાં 50 રૂપિયામાં વેચે છે તો આપણે વિકસિત રાષ્ટ્ર છીએ, કે મજબૂત અર્થવ્યવસ્થા છીએ તે કહેવામાં શરમ આવવી જોઈએ. સવાલ-3 : ત્રીજા રસ્તા તરીકે ગુજરાતનો ઉપયોગ કેમ? જવાબ : ચીનથી માલ ગુજરાત આવે. તેનું રિ-પેકિંગ, રિ-લેબલિંગ કરીને અમેરિકા મોકલાય છે. એવો આરોપ અમેરિકાનો છે. ટૂંકમાં ત્રીજા રૂટ તરીકે ચીન ગુજરાતનો ઉપયોગ કરે છે. આ તો થઈ માલ નિકાસની વાત. માલ આયાત કરવા માટે પણ ગુજરાતની કુલડીમાં ગોળ ભંગાય છે. આંચકારૂપ વાત એ છે કે આવો ઉપયોગ પાકિસ્તાન કરે છે. થોડા દિવસો પહેલાંની, 5 ઓગસ્ટની જ વાત છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કંડલા બંદરે એક શિપમેન્ટની તપાસ કરી. શિપમાં લોખંડના મોટા-મોટા 13 કન્ટેનર હતા. તેમાં ખજૂર ભરેલાં હતાં. કન્ટેનર ઉપર લેબલ લગાવેલા હતાં. તેમાં લખેલું હતું કે આ ખજૂર દુબઈના છે અને ત્યાંથી ઈન્ડિયા (ગુજરાત) મોકલવામાં આવ્યા છે. DRIએ બારીકાઈથી વેરિફિકેશન કર્યું. વેરિફિકેશનમાં ખબર પડી કે, ખજૂર ભરેલા 13 કન્ટેનર આવ્યા છે તો દુબઈથી જ પણ મોકલ્યાં છે પાકિસ્તાને. પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રકારનો વેપાર થતો નથી. એટલે પાકિસ્તાને એ જ તુક્કો અજમાવ્યો જે ચીન અજમાવે છે. પાકિસ્તાને ખજૂરના કન્ટેનર પહેલાં દુબઈ મોકલ્યા ને ત્યાં પેકિંગ ને લેબલ બદલાઈ ગયાં. પછી આ ખજૂર દુબઈથી કંડલા બંદરે લાવવામાં આવ્યા. DRIને આની ચોક્કસ માહિતી મળી હતી કે પર્ટિક્યુલર આ શિપમાં 13 કન્ટેનર છે. તેમાં ખજૂર છે અને તે પાકિસ્તાને મોકલ્યાં છે. DRIએ તપાસ કરી તો ખબર પડી કે, અહીંના વેપારીઓ પાકિસ્તાનથી ખજૂર મગાવે તો સસ્તું ને સારું પડે છે. પણ પાકિસ્તાન સાથે વેપાર ઠપ હોવાથી ખજૂર કે બીજી કોઈ વસ્તુ પાકિસ્તાનથી ભારત આવતી નથી. અહીંના વેપારીઓએ પાકિસ્તાનના હોલસેલર્સને ઓર્ડર આપ્યો. ત્યાંથી ખજૂરનો માલ સીધો ભારત આવી શકે નહીં એટલે પહેલાં દુબઈ ગયો ને ત્યાંથી કંડલા પહોંચ્યો. 13 કન્ટેનરમાં 364 મેટ્રિક ટન ખજૂર હતાં. આ ખજૂરની કિંમત 3 કરોડ રૂપિયા થાય. આ તો એક કિસ્સો થયો. જુલાઈની 28 તારીખે પાકિસ્તાનથી એક કન્ટેનર તમિલનાડુના તુતીકોરીન પોર્ટ પર આવ્યું હતું. તેમાં દોઢ કરોડ રૂપિયાનું ગુગળ હતું. તુતીકોરીન બંદર તમિલનાડુમાં છે. એ જ તમિલનાડુ, જેની રાજધાની ચેન્નાઈનો ઉલ્લેખ અમેરિકાએ તેના રિપોર્ટમાં કર્યો છે. એટલે ગુજરાત અને તમિલનાડુનો પણ ત્રીજા રૂટ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતની જિયોગ્રાફીની વાત કરીએ તો 1600 કિલોમીટર લાંબા દરિયાના કારણે બીજા દેશોની શિપને અવરજવર કરવામાં મોકળાશ રહે છે. ગુજરાતથી મિડલ ઈસ્ટના દેશોનું અંતર નજીક થાય છે. ગુજરાત વેપારનું મોટું હબ છે એટલે બીજા દેશોનો માલ ખપી જાય છે. અહીંયાના પોર્ટ આધુનિક ફેસેલિટીવાળા છે એટલે રિ-પેકેજિંગ, રિ-લેબલિંગમાં સરળતા રહે તેવું છે. મુંદ્રા, કંડલા, હજીરા, દહેજ જેવા 42 બંદર ગુજરાતમાં ધમધમે છે. આ જ કારણોથી ગુજરાત ત્રીજા રૂટનું સોફ્ટ સ્ટેટ બની ગયું છે. સવાલ-4 : હવે અમેરિકા શું કરશે? જવાબ : એક દેશે મોકલેલો માલ બીજા દેશમાં પહોંચે. ત્યાં રંગરૂપ બદલવામાં આવે ને નવા લેબલ ચિપકાવી ત્રીજા દેશમાં મોકલવામાં આવે. આને કહેવાય- શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક. અમેરિકાએ આવી ગતિવિધિઓ પર વોચ રાખવા અને તેના પર ટેરિફ લગાવવા AI ટેકનોલોજીના ઉપયોગનું અલાન કર્યું છે. અમેરિકાએ AIની જે સિસ્ટમ ડેવલપ કરી છે તેને નામ આપ્યું છે- ડિટેક્ટિવ બોર્ડર. આ સિસ્ટમ જહાજોના શિપમેન્ટ અને તેના રૂટને શોધી કાઢશે. પ્રોડક્ટ ક્લાસિફિકેશન અને કંપનીના માલિકની તપાસ પણ કરશે. કોઈ કંપની આમ કરતાં પકડાઈ તો અમેરિકા તેના પર ભારે ટેરિફ લગાવશે અને વધારાનો દંડ વસુલ કરશે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અમેરિકા સાથેના સંબંધોમાં સંવેદનશીલ વળાંક પરથી પસાર થઈ રહ્યું છે. અમેરિકી રિપોર્ટથી અમેરિકા- ભારતની ટ્રેડ ડિલ પર ગ્રહણ લાગી શકે તેમ છે.
અમેરિકાનો ધડાકો, ગુજરાત જોખમી કેટેગરીમાં:ચાઇનીઝ માલને નવા વાઘા, વ્હાઈટ હાઉસનો ચોંકાવનારો રિપોર્ટ, ત્રીજા રૂટ માટે પાકિસ્તાનનો પણ ડોળો
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
