અમેરિકામાં ભારતીયો પર તવાઈ:ટ્રમ્પના શાસનમાં 6,111 ભારતીયોની રેકોર્ડબ્રેક ધરપકડ, 2,349ને દેશનિકાલ; ગ્રીન કાર્ડ હોવા છતાં 60 વર્ષીય મહિલાને જેલમાં પૂરાયા!

📅 Published: November 22, 2026 | 📂 Category: International

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહીનો અસર ભારતીયો પર પડી રહ્યો છે. અમેરિકન કમ્યુનિટી મીડિયાના અહેવાલ અનુસાર, જાન્યુઆરી 2025થી ઑગસ્ટ 2026 વચ્ચે આઈસ (યુ.એસ. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)એ 6111 ભારતીયોની ધરપકડ કરી છે. અમેરિકામાં ભારતીયોની ધરપકડનો આ એક રેકોર્ડ છે. જ્યારે 5235 લોકોને ડિપોર્ટેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા અને 2349 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા. સંસ્થા સ્ટોપ એએપીઆઈ હેટનું કહેવું છે કે નવેમ્બરની મિડટર્મ ચૂંટણી પહેલાં આઈસ એજન્સીએ દરોડાની કાર્યવાહી તેજ કરી હતી. જોકે હજુ સુધી ધરપકડના નવા આંકડા સામે આવ્યા નથી. સંસ્થાએ દાવો કર્યો કે એશિયા-પ્રશાંત સમૂહમાં ભારતીયોની ધરપકડ, અટકાયત અને દેશનિકાલ સૌથી વધુ થયા. આઈસે દક્ષિણના રાજ્યોમાં હિસ્પેનિક અને અશ્વેત મૂળના લોકો સામે કાર્યવાહી કરી.
ગ્રીન કાર્ડ મળેલું હોવા છતાં એક અઠવાડિયા સુધી અટકાયતમાં રાખવામાં આવ્યાં કેલિફોર્નિયાની 60 વર્ષની ભારતીય મૂળની રેસ્ટોરાં સંચાલક બબલી (બદલાયેલું નામ)ને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. તેમને ગ્રીન કાર્ડની અરજી સંબંધિત બાયોમેટ્રિક્સ પ્રક્રિયા માટે ઇમિગ્રેશન ઑફિસમાં બોલાવવામાં આવ્યાં હતાં. બબલી 1994થી અમેરિકામાં રહે છે. તેમનું ગ્રીન કાર્ડ પણ મંજૂર થઈ ચૂક્યું છે. પરિવારજનોનો આરોપ છે કે ભારતીય હોવાને કારણે તેમને પરેશાન કરવામાં આવ્યાં અને એક અઠવાડિયા બાદ અટકાયતમાંથી છોડવામાં આવ્યાં. કેલિફોર્નિયામાં ICEએ 850થી વધુ ભારતીયોની ધરપકડ કરી છે. AAPI અનુસાર, ડેમોક્રેટિક રાજ્ય કેલિફોર્નિયાના ફ્રેસ્નો, બેકર્સફિલ્ડ, સ્ટોકટન અને સાન બર્નાર્ડિનોમાં સૌથી વધુ કાર્યવાહી થઈ છે. 2025માં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની સંખ્યા 16 વર્ષમાં સૌથી વધુ ઇમિગ્રેશન એજન્સી (આઈસ)ના એક અધિકારી અનુસાર, ગેરકાયદેસર પ્રવાસીઓ સામે ધરપકડ અને ડિપોર્ટેશન બંનેની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષના અંત સુધીમાં ડિપોર્ટ કરવામાં આવનારા ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યા વિક્રમજનક રહેવાની છે. ગયા વર્ષે એટલે કે 2025માં ડિપોર્ટ કરાયેલા ત્રણ હજારથી વધુ ભારતીયોમાં તમામ એવા હતા, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવ્યા હતા. આઈસે જૂનમાં જ 801 ભારતીયોને રિમૂવલ ઓર્ડર (વાપસીનો આદેશ) જારી કર્યા હતા. જોકે, આ રિમૂવલ ઓર્ડરથી તાત્કાલિક ડિપોર્ટેશન થતું નથી. તેની સામે કોર્ટમાં અપીલ કરી શકાય છે અથવા સંબંધિત વ્યક્તિ પોતાની ઇચ્છાથી અમેરિકા છોડી શકે છે. 2025માં ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની સંખ્યા 16 વર્ષમાં સૌથી વધુ હતી. હ્યુમન રાઇટ્સ ફર્સ્ટ સંગઠન અનુસાર, ભારતીયોને ઓમાન એરવેઝ દ્વારા ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ટેક્સાસના હાર્લિંગનથી 20 કલાકની ફ્લાઇટ દ્વારા તેમને નવી દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. આ વર્ષે ડિપોર્ટેશન ફ્લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે અમેરિકાએ સૈન્ય વિમાન હર્ક્યુલિસ દ્વારા ડિપોર્ટેશન કર્યું હતું. ટ્રાફિક લાઇટ પાર કરવા અથવા સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ કાર્યવાહી માન્ય વિઝા પર આવેલા પ્રોફેશનલ્સ પર કોઈપણ ઉલ્લંઘનનો આરોપ લગાવીને તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના કોઈ શહેરમાં ટ્રાફિક લાઇટ પાર કરવા બદલ પણ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવાના કિસ્સા સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા જેવા કે એક્સ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ટ્રમ્પ સરકારની ટીકા કરવા બદલ દોષી માનીને ડિપોર્ટ કરવામાં આવ્યા. ટેક્સાસમાં એચ-1બી વિઝા ધારકની નોકરી જતી રહી, જ્યારે તેને 60 દિવસ સુધી અમેરિકામાં રહીને નવી નોકરી શોધવાનો અધિકાર હતો. આ દરમિયાન, એક રેસ્ટોરાંમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતી વખતે આઈસે દરોડો પાડ્યો. વિઝા ધારકને પકડી લેવામાં આવ્યો. આઈસે તેને વિઝા ઉલ્લંઘનનો દોષી માનીને ભારત ડિપોર્ટ કરી દીધો. 2025માં 3,567 ભારતીયોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા 2025માં અમેરિકાએ 3,567 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા હતા. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જૂન 2026માં આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 2026માં જૂન સુધીમાં 1076 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. 5 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાએ પહેલીવાર સૈન્ય વિમાન દ્વારા 104 ભારતીયોને અમૃતસર મોકલ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવવામાં આવી હતી. તેની તસવીરો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ થયો હતો. સંસદમાં પણ હોબાળો થયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *