અમેરિકા- મિડટર્મ ચૂંટણીનું અર્લી વોટિંગ, રિપબ્લિકન પાર્ટી પાછળ:અત્યાર સુધી 4 કરોડ લોકોએ મતદાન કર્યું; ટ્રમ્પે 30 રાજ્યોની મતદાર યાદી મંગાવી

📅 Published: October 30, 2026 | 📂 Category: International

અમેરિકામાં 3 નવેમ્બરે મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જ અર્લી વોટિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં આશરે 4 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે. રોયટર્સ અને ઇપ્સોસના સર્વે મુજબ, અર્લી વોટિંગમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ ચાલી રહી છે. વિપક્ષી ડેમોક્રેટ્સને 47% અને રિપબ્લિકન પાર્ટીને 36% મતદારોનું સમર્થન મળી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે અમેરિકાના 30 રાજ્યો પાસેથી મતદાર યાદી માગી છે. માનવામાં આવે છે કે ટ્રમ્પ આ ડેટા દ્વારા વિરોધી મતદારોની ઓળખ કરીને તેમના પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. અર્લી વોટિંગ શું હોય છે? અમેરિકામાં ચૂંટણીના નિર્ધારિત દિવસ પહેલાં જ મતદાન કરવાની સુવિધાને અર્લી વોટિંગ કહેવામાં આવે છે. મતદારો ચૂંટણીના દિવસની રાહ જોયા વિના નિર્ધારિત સમયગાળા દરમિયાન મતદાન કરી શકે છે. આ માટે મતદારો મતદાન કેન્દ્ર પર જઈને અથવા કેટલાક રાજ્યોમાં ટપાલ દ્વારા બેલેટ મોકલીને મત આપી શકે છે. તેનો હેતુ શક્ય તેટલા વધુ લોકોને મતદાન કરવાની તક આપવાનો છે. ટ્રમ્પ મતદારોની ખાનગી માહિતી માંગી રહ્યા છે ટ્રમ્પ સરકારે 30 રાજ્યો પાસેથી મતદારોની સંપૂર્ણ માહિતી માંગી છે. આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્રે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી છે. આ યાદીમાં મતદારોના સરનામાં, જન્મતારીખ અને સોશિયલ સિક્યોરિટી નંબર જેવી માહિતી સામેલ છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે તે આ માહિતી એટલા માટે ઇચ્છે છે, જેથી જાણી શકાય કે ક્યાંક બિન-અમેરિકી નાગરિકો તો મતદાન કરી રહ્યા નથી ને. જોકે, અત્યાર સુધીમાં નકલી મતદાન થયાનો કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ માહિતીનો ઉપયોગ ટ્રમ્પના વિરોધમાં મતદાન કરનારા લોકોની ઓળખ માટે થઈ શકે છે. આશંકા છે કે સરકાર ઇમિગ્રેશન એજન્સી ICE અને FBI દ્વારા આવા લોકો પર દબાણ લાવી શકે છે. મોંઘવારી અને રોજગારથી મતદારો નારાજ ટ્રમ્પ સરકાર સામે સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થાને લઈને લોકોમાં રહેલી નારાજગી છે. રોઇટર્સ-ઇપ્સોસના સર્વે અનુસાર- મોંઘવારી: 65% મતદારો ટ્રમ્પના આર્થિક નિર્ણયો સામે નારાજ છે. ઇમિગ્રેશન: 48% મતદારોનું માનવું છે કે કડક ઇમિગ્રેશન નીતિઓથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. રોજગાર: 45% મતદારોનું કહેવું છે કે નોકરીની તકો ઘટી રહી છે. ઓબામા અને કમલા હેરિસ પણ પ્રચારમાં જોડાયા ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. તેઓ અત્યાર સુધીમાં 50થી વધુ ચૂંટણી સભાઓ કરી ચૂક્યા છે. કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં ઓબામા ખૂબ લોકપ્રિય છે. ભારતીય મૂળની ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ ચૂંટણી સભાઓ વધારી દીધી છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતાં. હાર્યા પછી પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહેશે મિડટર્મ ચૂંટણીમાં જો રિપબ્લિકન પાર્ટી હારી જાય તો પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહેશે. તેમનો કાર્યકાળ 2028 સુધીનો છે. જોકે, સંસદમાં બહુમતી ન રહેતાં તેમના માટે પોતાની નીતિઓ લાગુ કરવી મુશ્કેલ બની જશે. ટેરિફ, વિઝા અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં પણ તેમને સંસદના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં કાર્યકાળના બાકીના બે વર્ષ તેઓ નબળા રાષ્ટ્રપતિ બનીને રહી શકે છે. અમેરિકન રાજકારણમાં આવી સ્થિતિને ‘લેમ ડક’ કહેવામાં આવે છે. જો ટ્રમ્પની પાર્ટી હારી જાય તો ડેમોક્રેટ્સ તેમની વિરુદ્ધ વધુ અવાજ ઉઠાવી શકે છે. વિપક્ષી નેતાઓ તેમના વિરુદ્ધ મહાભિયોગ લાવવાની વાત પહેલેથી જ કહી ચૂક્યા છે. જો સંસદમાં ડેમોક્રેટ્સને જરૂરી સંખ્યામાં બેઠકો મળે છે, તો ટ્રમ્પ માટે મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકામાં ભારતીય મૂળના કેટલા મતદારો? અમેરિકામાં આશરે 17 કરોડ મતદારો છે. તેમાં ભારતીય મૂળના આશરે 25થી 26 લાખ લોકો મતદાન કરવા માટે પાત્ર છે. કાર્નેગી એન્ડોમેન્ટના અહેવાલ મુજબ, કેલિફોર્નિયામાં સૌથી વધુ આશરે 4.16 લાખ ભારતીય મૂળના મતદારો છે. ત્યારબાદ ટેક્સાસ, ન્યૂજર્સી અને ન્યૂયોર્કનો ક્રમ આવે છે. 2024ના એક સર્વેમાં 60% ભારતીય મૂળના મતદારોએ કમલા હેરિસને અને 31%એ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કહી હતી. —————————–


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *