અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ખાતે આવેલા તક્ષશિલા ગુરુકુળમાં ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અરવલ્લી જિલ્લા ફાયર વિભાગની ટીમે આગથી બચાવ, સલામતી અને રાહત-બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આગ લાગવાના વિવિધ કારણો, આગની ઘટનામાં રાખવાની તકેદારી, સલામતીના પગલાં તેમજ કટોકટીની પરિસ્થિતિમાં અસરકારક રીતે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ફાયર ટીમે આગ બુઝાવવા તથા રાહત અને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક સાધનોની જાણકારી આપી હતી. ઉપસ્થિતોને આ સાધનોના યોગ્ય અને સલામત ઉપયોગ અંગે પ્રત્યક્ષ નિદર્શન (ડેમોસ્ટ્રેશન) પણ કરાવવામાં આવ્યું હતું. આ નિદર્શન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આપત્તિના સમયે તાત્કાલિક અને સુરક્ષિત રીતે કામગીરી કરવાની વ્યવહારુ સમજ મળી હતી. આ કાર્યક્રમમાં તક્ષશિલા ગુરુકુળના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાએથી ડી.પી.ઓ. પણ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફાયર વિભાગે સૌને આગની ઘટના સમયે ગભરાયા વિના સતર્કતા અને સમજદારીપૂર્વક કામગીરી કરવા, પ્રાથમિક સુરક્ષા પગલાં લેવા તેમજ જરૂરી સમયે ફાયર વિભાગની મદદ મેળવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત-બચાવ કામગીરી અંગે જાગૃતિ વધારી, કટોકટીની પરિસ્થિતિમાં જાનમાલનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે.
અરવલ્લીના ડેમાઈમાં તક્ષશિલા ગુરુકુળ ખાતે ફાયર સેફ્ટી કાર્યક્રમ:ફાયર વિભાગે આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનનું નિદર્શન કર્યું
📅 Published: August 24, 2026 |
📂 Category: gujarati-news
