અરવલ્લી જિલ્લામાં બાળકો અને માતાઓના પોષણને મજબૂત કરવા માટે ‘દૂધ સંજીવની યોજના’નો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ યોજના જિલ્લાના આદિજાતિ તાલુકાઓમાં પહેલેથી જ ચાલુ છે.હવે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬થી નોન-ટ્રાયબલ વિસ્તારના મોડાસા, માલપુર, ધનસુરા અને બાયડ ઘટકના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પણ આ યોજનાનો લાભ મળશે. યોજનાના વિસ્તાર અંતર્ગત, ચારેય ઘટકના આંગણવાડી કેન્દ્રોમાં તાલુકા પ્રમુખ, તાલુકા ડેલિકેટ, મહિલા મોરચા મંત્રી, સરપંચ અને ગામના આગેવાનોના હાથે ‘દૂધ સંજીવની યોજના’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે બાળકોને દૂધનું વિતરણ પણ કરવામાં આવ્યું.નવા ચાર ઘટકો ઉમેરાતા, આંગણવાડી કેન્દ્રોના ૬ માસથી ૬ વર્ષ સુધીના ૩૮,૭૦૦થી વધુ બાળકો અને ૫,૧૦૦થી વધુ સગર્ભા તથા ધાત્રી માતાઓને લાભ મળશે. આ વિસ્તાર સાથે, સમગ્ર અરવલ્લી જિલ્લામાં કુલ ૬૪,૦૦૦થી વધુ બાળકો અને ૮,૬૦૦થી વધુ સગર્ભા તથા ધાત્રી માતાઓ આ યોજનાનો લાભ મેળવશે. આ યોજના હેઠળ, ૬ માસથી ૬ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) દરરોજ ૧૦૦ મિલી વિટામિન ‘એ’ અને ‘ડી’થી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. જ્યારે સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને શુક્રવાર) દરરોજ ૨૦૦ મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવશે. દૂધના નિયમિત સેવનથી બાળકોના પોષણ સ્તરમાં સુધારો થશે. તેનાથી તેમનો સ્વસ્થ અને સર્વાંગી વિકાસ ઝડપી બનશે. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને પણ મજબૂતી મળશે. ‘સ્વસ્થ બાળક… સુખી પરિવાર… સમૃદ્ધ ભારત’ના સંકલ્પ સાથે, દૂધ સંજીવની યોજનાના વિસ્તારથી જિલ્લાના વધુ બાળકો અને માતાઓ સુધી પોષણનો લાભ પહોંચાડવામાં આવશે.
અરવલ્લીના 4 ઘટકમાં દૂધ સંજીવની યોજના શરૂ:64 હજારથી વધુ બાળકો અને 8,600 માતાઓને મળશે પોષણનો લાભ
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
