અલથાણમાં ફાયર સેફ્ટીના સાધનો ચોરાયા, CCTV:સુમન ભાર્ગવ આવાસના ચાર બિલ્ડિંગમાંથી કપલિંગ-નોઝલ ઉઠાવી તસ્કરો ફરાર, 72,000ની ચોરી

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન ભાર્ગવ આવાસમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે. ચોરીની આ સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાઇક પર આવી બિન્દાસ્ત બિલ્ડિંગમાં ફર્યા
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, બાઇક પર બે અજાણ્યા શખ્સો ખાસ ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરવાના ઈરાદે જ બિલ્ડિંગમાં પ્રવેશે છે. જેમાં લાલ અને સફેદ રંગનું ટી-શર્ટ પહેરેલો એક યુવક અને તેની સાથેનો અન્ય એક શખ્સ બિલ્ડિંગ પરિસરમાં અત્યંત બિન્દાસ્તપણે એવી રીતે હરે-ફરે છે જાણે તેઓ ત્યાં જ રહેતા હોય! આરોપીઓએ બિલ્ડિંગની રેકી કરી હોય તેમ જ્યાં સીસીટીવી કેમેરાનો એંગલ પહોંચતો નહોતો (બ્લાઇન્ડ સ્પોટ), તેવા વિસ્તારોમાં જઈને આસાનીથી ચોરીને અંજામ આપ્યો હતો. 4 બિલ્ડિંગમાંથી 72,000ના સાધનોની ચોરી
વી.આઈ.પી. રોડ પર આવેલા સુમન ભાર્ગવ આવાસના બિલ્ડિંગ નં. B, C, D અને E માં લાગેલી ફાયર સેફ્ટીની પાઇપ અને હોઝ બોક્સને ડુપ્લિકેટ ચાવી વડે અથવા કોઈ સાધન વડે તોડવામાં આવ્યા હતા. તસ્કરો હોઝ બોક્સમાંથી પિત્તળની ફાયર સેફ્ટી કપલિંગ નંગ-51 (કિંમત 51,000) તથા પિત્તળની ફાયર નોઝલ નંગ-14 (કિંમત 21,000) મળી કુલ 72,000ની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
આ સમગ્ર મામલે આવાસમાં રહેતા મુકેશભાઈ સોમાભાઈ પટેલે અલથાણ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) મુજબ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *