આંગણવાડીના બાળકોના ભોજનનો દર 67 ટકા વધ્યો:રોજ પ્રતિ બાળક ₹8.50 ખર્ચાશે, 16.17 લાખ બાળકોને વધુ પૌષ્ટિક ભોજન મળશે; મેનુમાં મગ-ચણા, દાળ, લીલાં શાકભાજી-ફળો

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારે આંગણવાડીઓમાં 3થી 6 વર્ષનાં બાળકોને આપવામાં આવતા ગરમ અને પૌષ્ટિક ભોજનને વધુ સારું બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હૉટ કુકડ મીલ માટે પ્રતિ બાળક પ્રતિદિન આપવામાં આવતી રકમ ₹ 5.10થી વધારી ₹8.50 કરવામાં આવી છે. એટલે કે ભોજનની ખરીદી માટેના દરમાં 67 ટકાનો વધારો થયો છે. આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીમાં આવતા 16.17 લાખથી વધુ બાળકોને લાભ મળશે. આ નિર્ણય પાછળ રાજ્ય સરકાર વાર્ષિક આશરે ₹ 80 કરોડનો વધારાનો ખર્ચ ઉઠાવશે. મગ, ચણા, દાળ અને ફળોવાળું મેનુ તૈયાર કરાશે
સરકારે માત્ર ભોજન માટેની રકમ જ વધારી નથી, પરંતુ બાળકોને મળતા ભોજનમાં પોષણ અને વિવિધતા વધારવા પણ આયોજન કર્યું છે. નવા સાપ્તાહિક મેનુમાં બાફેલા અથવા ફણગાવેલા મગ, તુવેરદાળ, મસાલા ચણા, મગ-ભાત, વેજિટેબલ પુલાવ, લીલાં શાકભાજીનાં મુઠિયાં, શાકભાજી-ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શીરો, સુખડી, દૂધીના ઢેબરાં, ગોળના પુડલા, ભાખરી, ઢોકળાં અને ઈડલી જેવી વાનગીઓ પણ આપવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવાનું આયોજન છે. મેનુમાં અલગ-અલગ દિવસ પ્રમાણે વિવિધ વાનગીઓ રાખવામાં આવશે, જેથી બાળકોને રોજ એકસરખું ભોજન ન મળે અને તેમને અલગ-અલગ પોષક તત્ત્વો મળી શકે. વધારાના ₹3.40નો ખર્ચ સરકાર ભોગવશે
અત્યાર સુધી પ્રતિ બાળક પ્રતિદિન ₹ 5.10ની જોગવાઈ હતી, જેનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર 50:50ના ધોરણે ઉઠાવતી હતી. હવે તેમાં ₹ 3.40નો વધારો કરી કુલ રકમ ₹ 8.50 કરવામાં આવી છે. આ વધારાની સંપૂર્ણ રકમ રાજ્ય સરકાર પોતાના ખર્ચે આપશે. તેના માટે વાર્ષિક આશરે ₹ 80 કરોડનો ખર્ચ થશે. કઈ સામગ્રી માટે કેટલી રકમ ફાળવાશે?
નવા દર મુજબ સ્થાનિક ખરીદી માટે અલગ-અલગ સામગ્રીની રકમ પણ નક્કી કરવામાં આવી છે. તેમાં તુવેરદાળ માટે ₹ 1.24, આખા ચણા માટે ₹ 0.85, આખા મગ માટે ₹ 1.30, ગોળ માટે ₹ 0.525, મોસમી લીલાં શાકભાજી માટે ₹ 0.83, ફળો માટે ₹ 2, સીંગદાણા અથવા તલ માટે ₹ 0.65, મસાલા માટે ₹ 0.60 અને સ્થાનિક પરિવહન માટે ₹ 0.50ની જોગવાઈ છે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને ભોજનની સામગ્રીની સ્થાનિક ખરીદી માટે વધુ નાણાકીય સહાય મળશે. સરકારનો હેતુ નાના બાળકોને વધુ પૌષ્ટિક અને વૈવિધ્યસભર ગરમ ભોજન પૂરું પાડવાનો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *