આંગણવાડી કર્મચારીઓનું ઉગ્ર આંદોલનનું એલાન:ગાંધીનગરમાં રાજ્ય લેવલની કારોબારી બેઠકમાં નિર્ણય, ચાર વર્ષથી અટકેલા વેતનવધારા અને શોષણ સામે લડત આપશે

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા રાજ્યભરની આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો અને શોષણ સામે આક્રમક લડત લડવા માટેનું રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આજે અડાલજ ખાતે ત્રિમૂર્તિ મંદિર ખાતે દાદાભગવાન ટાઉનશિપના ડોરમેટ્રી હોલમાં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘની રાજ્ય લેવલની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં છેલ્લા ચાર વર્ષથી ટલ્લે ચડેલા વેતનવધારા, બિનજરૂરી કામના ભારણ તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરોના થઈ રહેલા શોષણ સામે હક્કોના રક્ષણ માટે ઉગ્ર લડતની રણનીતિ ઘડવામાં આવી છે. સંઘના આગેવાનોનો સરકાર સામે આક્રોશ
અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવિ અને મહામંત્રી સીતાબેન ચૌહાણ દ્વારા જણાવાયું છે કે, વર્ષ 2022માં અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા સોળ દિવસની સંપૂર્ણ તાળાબંધીની હડતાળ કરવામાં આવી હતી, જેના પરિણામે વેતન વધારો થયો હતો. ત્યારબાદ વારંવાર માંગણીઓ કરવા છતાં સરકાર દ્વારા કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્ટ કેસના બહાના દરાતા હોવાનો આરોપ
એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટના હુકમનો સમયમર્યાદામાં અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, તેવા બહાના આગળ ધરીને વેતન વધારા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્રની આળસ અને ઉદાસીનતાના કારણે અનુભવી અને લાયકાત ધરાવતી કાર્યકરો તથા તેડાગરોને નામ નિયુક્તિમાં જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો
વયમર્યાદાના બિનતાર્કીક અને અન્યાયપૂર્ણ પરિપત્રને આધારે તેમને મળવાપાત્ર લાભોથી વંચિત રાખીને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો રોષ પણ સંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે પણ કર્મચારીઓ દ્વારા કોઈ ન્યાયિક માંગણી કરવામાં આવે છે. ત્યારે તે પૂરી કરવાના બદલે તેમના પર નવી કામગીરીનો બોજ નાખી દેવામાં આવે છે. છ-છ મહિના સુધી બિલની રકમ ચૂકવવામાં આવતી નથી અને સામે મેનુ પ્રમાણે નાસ્તો ન હોવાની નોટિસો ફટકારવામાં આવે છે. આગામી સમયમાં તાળાબંધીની ચેતવણી
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકાર માત્ર યોજનાઓનો અમલ કરાવવામાં જ વ્યસ્ત છે અને આ પીડિત મહિલા કામદારો મજબૂરીવશ તમામ યાતનાઓ મૂંગા મોઢે સહન કરીને કામ કરી રહી છે. આ તમામ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરીને સંઘની વિચારધારાને બાધ ન આવે તે રીતે ભવિષ્યના આંદોલનની વ્યુરચના આ બેઠકમાં નક્કી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરવાની ચીમકી પણ સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *