આજે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલના વરદાયિની મંદિરે પલ્લી:મધ્યરાત્રીએ 27 ચોક ફરીને મંદિર પહોંચશે, માર્ગો ઉપર ઘીની નદીઓ વહેશે, લાખો ભક્તો ઉમટશે

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ખાતે જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ આજે આસો સુદ નોમના પાવન અવસરે પરંપરાગત પલ્લી મહોત્સવનું અતિ ભવ્ય આયોજન કરાયું છે. આ નિમિત્તે દેશ-વિદેશમાંથી 10 લાખથી વધુ ભાવિક ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડવાની શક્યતા છે. મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ માતાજીની પરવાનગી મેળવીને પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લીનું ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણ. આ ધાર્મિક યાત્રા દરમિયાન ભક્તો પલ્લી પર કરોડોના શુદ્ધ ઘીનો અભિષેક કરશે. જેનાથી રૂપાલ ગામની ગલીઓ અને માર્ગો પર રીતસર ઘીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળશે. પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે
પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાનાં લાકડાંમાંથી પલ્લી બનાવી હતી. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીંજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. એમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કુંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.
પલ્લી સાથે ત્રણ દંતકથા જોડાયેલી છે
પાંડવકાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયિની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથા જોડાયેલી છે. વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી​​​​​ ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયિની માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી પ્રાર્થના કરી હતી. આથી શ્રી વરદાયિની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનું એક અમોઘ દિવ્ય અસ્ત્ર આપ્યું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રીરામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. પાંડવકાળની વાત કરવામા આવે તો જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકાથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. ત્યારથી અહીં માતાજીની પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. માનતા પૂરી થાય એટલે ભક્તો ઘીનો અભિષેક કરે છે
પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યાં હોય, તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે, એટલે એના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથાં ટેકવાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *