વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્કર વિજેતા નિર્દેશક એલેક્સ ગિબ્નીની લગભગ ચાર કલાક લાંબી ડોક્યુમેન્ટરીએ ઇલોન મસ્કની કહાનીને અલગ દૃષ્ટિકોણથી રજૂ કરી છે. ફિલ્મમાં મસ્કની પૂર્વ પત્ની, પૂર્વ ગર્લફ્રેન્ડ અને જૂના સહયોગીઓએ તેમના વર્તન, વિચાર અને સત્તા પ્રત્યેના વલણને લઈને ઘણા દાવા કર્યા છે. ડોક્યુમેન્ટરીની કહાની1990ના દાયકાથી શરૂ થાય છે, જ્યારે મસ્ક મહત્વાકાંક્ષી ઉદ્યોગપતિ તરીકે આગળ વધી રહ્યા હતા. તે સમયે તેમના લક્ષ્યો આબોહવા સંકટ સામે લડવું અને અવકાશ યાત્રાને સસ્તી બનાવવી જેવા વિચારો સાથે જોડાયેલા હતા. જોકે, ગિબ્નીનો દાવો છે કે સમય જતાં મસ્કની મહત્વાકાંક્ષા એવી સ્થિતિમાં પહોંચી ગઈ, જ્યાં તેમણે પોતાના લક્ષ્યોને નૈતિકતા અને કાયદાથી ઉપર રાખવાનું શરૂ કરી દીધું. ફિલ્મમાં મંગળ પર કોલોની બનાવવા અને ઓટોનોમસ કાર જેવા મસ્કના વચનો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગિબ્નીનો દાવો છે કે આ વચનો રોકાણકારોને આકર્ષવા અને મસ્કની છબી મજબૂત કરવાનું સાધન બની ગયા. ‘આટલી શક્તિ કોઈ એક વ્યક્તિ પાસે હોવી ખતરનાક’ ગિબ્ની કહે છે, “લોકો માની લે છે કે અત્યંત ધનિક વ્યક્તિ માથા ફરેલો ન હોઈ શકે. પરંતુ સાચી ચિંતા ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત ધનિક અને શક્તિશાળી હોવા ઉપરાંત અસામાન્ય વિચારસરણી પણ ધરાવતો હોય.” મસ્કના નજીકના ન્યુરોસાયન્ટિસ્ટ સેમ હેરિસ કહે છે, “જનતા દ્વારા ચૂંટાયા વગરના વ્યક્તિ પાસે આટલી શક્તિ હોવી ખતરનાક છે, કારણ કે તેની અસર રાજકારણ, અર્થતંત્ર અને વૈશ્વિક સમીકરણો પર પડે છે.” મશીનો માણસોને પાલતુ પ્રાણીઓની જેમ નિયંત્રિત કરશે ડોક્યુમેન્ટરીમાં મસ્કની પ્રથમ પત્ની જસ્ટિન વિલ્સનનો દાવો છે કે મસ્ક મહિલાઓને બાળકો પેદા કરનાર મશીન તરીકે જુએ છે. તેમના મતે, મસ્ક માને છે કે એક મહિલાની જગ્યા બીજી મહિલા સરળતાથી લઈ શકે છે. ફિલ્મમાં મસ્કના AI અને ભવિષ્યને લગતા વિચારોનો પણ ઉલ્લેખ છે. તેમના મતે, માણસો કોઈ કૃત્રિમ સિમ્યુલેશનમાં જીવી રહ્યા હોઈ શકે છે અને ભવિષ્યમાં મશીનો માણસોને પાલતુ પ્રાણીઓની જેમ નિયંત્રિત કરી શકે છે. ડોક્યુમેન્ટરી અનુસાર, મસ્કે કમ્પ્યુટર વૈજ્ઞાનિક જેફ્રી હિન્ટન સાથે પણ આવા વિચારો શેર કર્યા હતા.
‘આટલી શક્તિ કોઈ એક વ્યક્તિ પાસે હોવી ખતરનાક’:મસ્ક પર ડોક્યુમેન્ટરી, પૂર્વ પત્નીના આરોપ- મહિલાઓને બાળકો પેદા કરવાનું મશીન માને છે
📅 Published: September 10, 2026 |
📂 Category: International
