દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યો અને ૧૦ હજારથી વધુ નગરજનો જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી સર્વ રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, સંજય સિંહ મહિડા, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, હર્ષદભાઈ પરમાર અને અગ્રણી સંજયભાઈ પટેલએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દેશભક્તિના આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં સહભાગી બનવા બદલ આણંદ જિલ્લાના નગરજનોને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી. આ તિરંગા યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ, વિદ્યાનગર શહીદ ચોક, ભાઈ કાકા સ્ટેચ્યુ થઈને વિદ્યાનગર રોડ પરથી પસાર થઈ આણંદ ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ પર દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આણંદ-વિદ્યાનગર રોડ સ્વાતંત્ર્ય પર્વની તિરંગા રેલીથી ભક્તિમય બન્યો હતો. વિદ્યાર્થીઓ વિશેષ વેશભૂષામાં તૈયાર થઈને આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર રાહુલ ગમારા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલ, પ્રાંત અધિકારી સન્ની પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે ગરવાલ અને સંગાડા, મામલતદાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા.
આણંદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ:નાયબ મુખ્યમંત્રી સહિત 10 હજારથી વધુ લોકો જોડાયા
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
