આવતીકાલે ડે. સીએમ હર્ષ સંઘવી રાજકોટમાં:રાજકોટ જિલ્લામાં ખેડૂતોને જમીન દસ્તાવેજો પરત અને 300થી વધુ શરણાર્થીઓને નાગરિકતા અપાશે ; બિલ્ડર એસો.ની મેયર-કમિશનર સહિતના સાથે બેઠક

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. સંઘવીના હસ્તે આવતીકાલે શાપરમાં નવનિર્મિત વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે રાજકોટ ગ્રામ્યના તમામ પોલીસ સ્ટેશનોને ISO 9001: 2015 પ્રમાણપત્ર એનાયત કરાશે, જે મેળવનાર રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ છે. કાર્યક્રમ દરમિયાન ગુનાખોરીમાં ફસાયેલા ખેડૂતોની અંદાજે 500થી વધુ વિઘા જમીનના કરોડો રૂપિયાની કિંમતના દસ્તાવેજો કિસનોને પરત આપશે. સાથે જ લોકોને આત્મહત્યાથી રોકતી પ્રેરણા નવા જીવનની પહેલના અહેવાલનું વિમોચન કરશે. ઉપરાંત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર ખાસ કાર્યક્રમમાં રાજકોટના 259, મોરબીના 53, સુરેન્દ્રનગરના 1 અને કચ્છ જિલ્લાના 6 અરજદારો સહિત કુલ 319 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરશે. પાડોશી દેશોમાંથી આવીને વર્ષોથી શરણાર્થી તરીકે જીવન જીવતા આ પરિવારોને નાગરિકતા મળવાથી હવે તેઓને સન્માનજનક અને સુરક્ષિત જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થશે. આ કાયદાકીય જોગવાઈ હેઠળ નાગરિકતા પ્રાપ્ત થતાં આ લોકોને શિક્ષણ, આરોગ્ય, મિલકત ખરીદવા અધિકાર, રેશનકાર્ડ, સરકારી યોજનાઓ તેમજ મતદાનનો અધિકાર પણ મળશે. મનપા પાસે પરામર્શ માટે પેન્ડિંગ રહેલી ટીપી સ્કીમનો તાકીદે નીવેડો લાવો: રાજકોટ બિલ્ડર એસો.ની માગ રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે બેઠક યોજીને ટીપી શાખાને લગતા વિવિધ મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશનના હોદ્દેદારોએ મનપા સમક્ષ રજૂઆત કરી હતી કે બોર્ડ પાસે પરામર્શ માટે પેન્ડિંગ પડેલી ટીપી સ્કીમોનો ત્વરિત નીકાલ લાવવો જોઈએ. બેઠકમાં બિલ્ડિંગ પ્લાનિંગમાં 3.25 મીટરથી વધુ હાઇટ પર લેવાતી હાઇટ ડિપોઝીટ વધારીને 4.25 મીટર કરવા તેમજ લેબર કોલોની માટેના પ્રવર્તમાન રૂ. 6.05 પ્રતિદિન ભાડાને બદલે માસિક અથવા વ્યાજબી ભાડું નક્કી કરવા માગ કરાઇ હતી. આ ઉપરાંત, Paid FSI ના ચાર્જ ભરવા માટે વ્યાજ વગર બે વર્ષના હપ્તા કરી આપવા અને અન્ય મહાપાલિકાઓની જેમ પ્લાન પાસ વખતે લેવાતી પાર્કિંગ ડિપોઝીટ રદ કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મનપાના સત્તાધીશોએ આ તમામ પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી છે. લગ્નસરાની સીઝન પહેલાં જ રાજકોટ મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ હાઉસફૂલ રાજકોટ મહાનગરપાલિકાના ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા સસ્તા અને સગવડતાવાળા 19 કોમ્યુનિટી હોલના 21 યુનિટ માર્ચ 2027 સુધીમાં કુલ 531 બુકિંગ સાથે સંપૂર્ણપણે હાઉસફૂલ થઈ ગયા છે. આગામી તા. 20 નવેમ્બરે દેવ દિવાળી સાથે ચાતુર્માસ (કમુરતા) પૂરા થઈ રહ્યા છે, પરંતુ જાન્યુઆરી 2027ના અંત સુધી લગ્નના મુહૂર્તો ન હોવા છતાં નાગરિકોએ અગાઉથી જ આયોજન કરી લીધું છે. મહાપાલિકા દ્વારા અગાઉ ત્રણ મહિના અગાઉ થતા બુકિંગના નિયમમાં ફેરફાર કરીને છ મહિના અગાઉ બુકિંગ કરવાની સગવડ શરૂ કરવામાં આવી છે. જેના કારણે લગ્ન, સગાઈ અને વાસ્તુ જેવા શુભ માંગલિક પ્રસંગો માટે લોકોએ મોટા પ્રમાણમાં નોંધણી કરાવી છે. અભયભાઇ ભારદ્વાજ હોલ, પંડિત દિન દયાળ હોલ, રણછોડદાસજી હોલ, વિનોદભાઇ શેઠ હોલ તેમજ મોહનભાઇ સરવૈયા હોલ સહિતના તમામ 19 કોમ્યુનિટી હોલના 21 યુનિટમાં માર્ચ મહિના સુધી સઘન બુકિંગ નોંધાયા છે, જેનાથી આગામી લગ્નસરાની સીઝન માટે વેપારીઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *