ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 70મી સ્થાયી સમિતિની બેઠકમાં સમગ્ર પાટનગર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રૂ. 54.43 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પો અને વહીવટી પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, ડ્રેનેજ નેટવર્ક, માર્ગ મરામત, શિક્ષણ અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત એકસાથે 35 વિષયો પર નિર્ણાયક મહોર લગાવવામાં આવશે, જેનાથી શહેરની નાગરિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. સરગાસણ અને રાયસણમાં સ્ટ્રીટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મોટો વધારો
શહેરના સરગાસણ, કેનાલ, સરદાર ચોક અને રાયસણ ખાતે ચાલી રહેલી સ્ટ્રીટ ડેવલપમેન્ટની કામગીરીમાં ગુણવત્તા અને ક્ષમતા વધારવા માટે એલ-1 ઇજારાદાર અન્વયે રૂ. 10.67 કરોડથી વધુના જથ્થા વધારાને મંજૂરી આપવાની ભલામણ સમિતિ સમક્ષ મુકાઈ છે. કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે ટેન્ડરની સમય મર્યાદા 30 એપ્રિલ 2027 સુધી એટલે કે વધુ 4 માસ લંબાવવાનો નિર્ણય લેવાશે. આ કામગીરી પૂર્ણ થવાથી સરગાસણ અને રાયસણ વિસ્તારના ટ્રાફિક વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો થશે. PDEU થી ગિફ્ટ સિટી રોડને ગ્લોબલ લુક અપાશે
ગાંધીનગરને આધુનિક અને ગ્લોબલ લુક આપવાના ભાગરૂપે PDEU થી ગિફ્ટ સિટી રોડના બ્યુટિફિકેશનની કામગીરી વધુ વેગવંતી બનશે. આ માર્ગ પર ફૂટપાથ, સાયકલ ટ્રેક, પાર્કિંગ, ફૂડ ઝોન, સ્ટ્રીટ ફર્નિચર અને અન્ય પબ્લિક એમિનિટીઝ વિકસાવવા માટેના પ્રોજેક્ટમાં રૂ. 3.44 કરોડથી વધુના વધારાને સ્થાયી સમિતિ મંજૂરી આપશે. આ સાથે જ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2026 સુધી એટલે કે વધુ 5 માસ અને 20 દિવસ માટે લંબાવવાની કમિશનરની ભલામણને આખરી ઓપ અપાશે. પાલજમાં ડ્રેનેજ નેટવર્ક અને સરગાસણમાં સ્ટાફ ક્વાર્ટરનું આયોજન
મનપાના ટી.પી.-25 અને 32 પાલજ વિસ્તારમાં સીવરેજ નેટવર્ક પાથરવા માટે અંદાજિત રૂ. 26.01 કરોડ સામે 25.05% નીચા ભાવથી ભરાયેલ રૂ. 19.49 કરોડનું ઓનલાઈન ટેન્ડર મંજૂર કરવામાં આવશે, જેનાથી પાલજ વિસ્તારની ગટર વ્યવસ્થા કાયમી ધોરણે મજબૂત બનશે. આ સાથે ટી.પી. 9 સરગાસણ ખાતે ક્લાસ-1, 2 અને 3ના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર બનાવવાની કામગીરીની સમયમર્યાદા 3 માસ વધારવા તેમજ રૂ. 2.85 કરોડથી વધુના એક્સેસ સેવિંગને લીલી ઝંડી અપાશે. આરોગ્ય, શિક્ષણ, રસ્તા મરામત અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર
નાગરિકોની સ્વાસ્થ્ય સુવિધા માટે સેક્ટર-7, 21, 22, 23 તેમજ ધોળાકુવા, બોરીજ અને ઈન્દ્રોડા ખાતે નિર્માણધીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કામોમાં રૂ. 7.14 કરોડથી વધુના જથ્થા વધારાને મંજૂરી મળશે. ભાટ ખાતે નવા સબ ઝોનલ ઓફિસ માટે રૂ. 2.94 કરોડ અને નભોઈ પ્રાથમિક શાળામાં નવા વર્ગખંડો બનાવવા રૂ. 75.94 લાખનું ટેન્ડર સ્વીકારાશે. ચોમાસા દરમિયાન રસ્તા મરામત માટે રૂ. 1 કરોડની મર્યાદા મંજૂર કરાશે. આ ઉપરાંત ઈ-વેસ્ટ નિકાલ માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ, 150 નંગ ટ્વિનબીન ડસ્ટબીનની ખરીદી અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભાટ-ઝુંડાલ સોસાયટીઓમાં પેવર બ્લોક તથા સ્ટ્રીટલાઈટના વિકાસ કામોને વેગ અપાશે
આવતીકાલે મનપાની 70મી સ્થાયી સમિતિ બેઠક:સરગાસણ, પાલજ અને ગિફ્ટ સિટી માર્ગના પ્રોજેક્ટ્સ પર મોહર વાગશે, 55.43 કરોડથી વધુના વિકાસકામોનો પિટારો ખુલશે
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
