આવનારા ટ્યુશન એક્ટને લઈ સંચાલકોની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત:એક વિદ્યાર્થી હોય તો પણ ક્લાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાની માંગ, 'ડમી સ્કૂલો સામે પણ કડક કાર્યવાહી કરો'

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

શહેરના ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે આવનારા ટ્યુશન એક્ટને લઈ ટ્યુશન ક્લાસ સંચાલકોના એસોસિએશને સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી છે. ગુજરાતમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સાથે 30 હજારથી વધુ ટ્યુશન ક્લાસ સંચાલકો જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્યુશન ક્લાસ સંચાલકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં શિક્ષણ મંત્રી સાથે આવનારા ટ્યુશન એક્ટ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસોસિએશન દ્વારા વિવિધ સૂચનો અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેને લઈને સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું છે. ‘ટ્યુશન માટે દબાણની ફરિયાદો પર રોક લાગશે’
સંચાલકોની મુખ્ય માંગ છે કે, એક પણ વિદ્યાર્થીને ભણાવવામાં આવતો હોય તો પણ ટ્યુશન ક્લાસનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે. તેમના મતે, આ જોગવાઈથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટ્યુશન માટે દબાણ કરવાની કે બ્લેકમેલિંગની ફરિયાદો પર રોક લગાવી શકાશે. આ ઉપરાંત શાળા કે કોલેજની પ્રિમાઇસીસમાં ટ્યુશન ક્લાસીસ ચલાવવાની મંજૂરી ન આપવાની પણ માંગ કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે આ પ્રકારની જોગવાઈથી ડમી સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ અને ડે સ્કૂલના નામે ચાલતા વ્યવસાય પર નિયંત્રણ લાવી શકાશે અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ પર ફીનો વધતો ભાર પણ ઘટાડી શકાશે. ‘ડમી સ્કૂલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ’
સંચાલકોએ 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે કોઈપણ પ્રકારના ટ્યુશન માટે મંજૂરી ન આપવાની માંગ પણ કરી છે. સાથે જ શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં ન જાય તે માટે પણ કડક નિયમો બનાવવાની માંગ કરવામાં આવી છે. ડમી સ્કૂલો અંગે સંચાલકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કેટલીક મોટી ટ્યુશન સંસ્થાઓ સાથે સંકળાયેલી ડમી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં મોકલવામાં આવતા નથી અને ખોટી હાજરી પૂરવામાં આવતી હોવાની ફરિયાદો છે. આવી ડમી સ્કૂલો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *