ઇનરવ્હીલ ક્લબની બહેનોનો ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવાનો સંકલ્પ:‘Together We Can End Violence’ના સંદેશ સાથે મહિલાઓને સહયોગ આપવાની પ્રતિજ્ઞા લીધી

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

ઘરેલુ હિંસા સામે અવાજ ઉઠાવવા અને પીડિત મહિલાઓને સહયોગ આપવા ઇનરવ્હીલ ક્લબની બહેનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી. ‘Together We Can End Violence’ના સંદેશ સાથે મહિલાઓને માનસિક રીતે મજબૂત બનાવવા અને સન્માનભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કરવાની પહેલ કરવામાં આવી. આ પહેલમાં મહિલાઓની સુરક્ષા, સ્વતંત્રતા અને આત્મસન્માન પર ભાર મૂકાયો. ક્લબની બહેનોએ સંકલ્પ કર્યો કે ઘરેલુ હિંસા કે માનસિક ત્રાસનો ભોગ બનેલી મહિલાને એકલી નહીં છોડે અને તેને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા હિંમત તથા સહકાર આપશે. ઘરેલુ હિંસામાં શારીરિક મારપીટ ઉપરાંત માનસિક ત્રાસ, અપમાન, ધમકી, આર્થિક નિયંત્રણ અને સતત અન્યાયનો પણ સમાવેશ થાય છે. પરિવારની પ્રતિષ્ઠા, બાળકોના ભવિષ્ય અને સામાજિક દબાણને કારણે ઘણી મહિલાઓ અન્યાય સહન કરતી રહે છે. તેમને પોતાની વાત કહેવા માટે યોગ્ય વાતાવરણ અને સહકાર મળે તે જરૂરી છે. ક્લબની બહેનોએ કહ્યું કે મહિલાઓને સહાનુભૂતિની સાથે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂર પડે ત્યારે સાથ મળવો જોઈએ. દરેક મહિલાને ભયમુક્ત વાતાવરણમાં જીવવાનો, પોતાના નિર્ણયો લેવાનો અને સન્માન સાથે જીવન પસાર કરવાનો અધિકાર છે. આ પ્રસંગે સ્વાતિ શાહ, ઉષા સેજપાલ, બીના ચૌધરી, અલકા હલાણી, જ્યોત્સના નથવાણી અને જિજ્ઞાબેન પંડ્યા સહિત ઇનરવ્હીલ ક્લબની બહેનોએ ભાગ લીધો. તેમણે મહિલાઓના અધિકારો, સુરક્ષા અને સશક્તિકરણ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પહેલ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે ઘરેલુ હિંસા માત્ર એક પરિવારની અંગત બાબત નથી, પરંતુ સમગ્ર સમાજને અસર કરતી સમસ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *