બેચરાજીના ઇન્દિરાનગરમાં રહેતા અને ઘરકામ કરતાં 65 વર્ષીય જડીબેન ધારાભાઈ વિરાભાઈ સાથે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં અજાણ્યા બે સ્ત્રી અને બે પુરુષોએ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ નજરબંધી કે કોઈ માયાવી પ્રયોગ કરી કાનમાંથી સોનાના વેડલા અને પોખાણી સેરવી લીધા હતા. આ મામલે ભોગ બનનાર વૃદ્ધાએ બેચરાજી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. દયામણી વાતોમાં આવીને વૃદ્ધાએ 50 રૂપિયા આપ્યા
ગત 11 નવેમ્બર 2026ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે જડીબેન પોતાના ઘરેથી નીકળીને ઉપલી બજારમાં આવેલી હરેશ ટ્રેડર્સમાંથી કરિયાણાનો સામાન ખરીદીને પરત ફરી રહ્યા હતા. સવારના નવેક વાગ્યે જ્યારે તેઓ ઉપલી બજારમાં સોનીની અને ફરસાણની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે સ્ત્રીઓ અને બે પુરુષો તેમની પાસે આવ્યા હતા.તે પૈકીની એક મહિલાએ ગુજરાતી ભાષામાં વાતચીત શરૂ કરી જણાવ્યું કે આ માણસ મૂંગો છે અને તેની પાસે ભાડાના પૈસા નથી. આ દયામણી વાતોમાં આવીને જડીબેને પોતાની પાસે રહેલા પૈસામાંથી પચાસ રૂપિયા આપ્યા હતા. સફેદ કલરનો હાથરૂમાલ નાખ્યો ને વૃદ્ધા અર્ધબેભાનની સ્થિતિમાં
રૂપિયા આપતી વખતે જ બેમાંથી એક સ્ત્રીએ વૃદ્ધાના ખભા ઉપર સફેદ કલરનો હાથરૂમાલ નાખ્યો હતો, જેના કારણે થોડી જ વારમાં જડીબેન અર્ધબેભાન જેવી સ્થિતિમાં સરી પડ્યા હતા અને ગઠિયાઓની વાતોમાં સંપૂર્ણપણે ફસાઈ ગયા હતા. આ પછી બદમાશો જેવું કહેતા હતા તેવું જ વૃદ્ધા યંત્રવત કરવા લાગ્યા હતા. બંને વૃદ્ધાને બહુચર માતાજીના મંદિર તરફ જવાના રસ્તે લઈ ગયા
આરોપીઓ તેમને પોતાની સાથે ચાલવા કહેતા તેઓ તેમની પાછળ પાછળ ચાલતા ગયા અને ઉપલી બજારમાં ડોડીવાડા વાળા સાવરણીની દુકાન આગળ રોડ પર પહોંચ્યા હતા. ત્યાં આશરે 15 થી 20 મિનિટ ઊભા રહ્યા બાદ, દુકાનમાં અન્ય લોકો આવતા ત્યાં બેસેલા માણસે તેમને જવાનું કહેતા ગઠિયાઓ તેમને પાછા વાળીને ઉપલી બજાર થઈ સોની બજાર, બસ સ્ટેશનની બાજુમાંથી બહુચર માતાજીના મંદિર તરફ જવાના રસ્તે લઈ ગયા હતા. ‘માજી તમે અહીં બેસો અમે નાસ્તો કરીને પાછા આવીએ છીએ’
ત્યારબાદ તળાવના કિનારે આવેલા માતાજીના મંદિર જવાના રસ્તા પાસે પહોંચીને આ અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને કાનમાં પહેરેલા સોનાના દાગીના કાઢીને આપી દેવા કહ્યું હતું. મોહજાળમાં ફસાયેલા વૃદ્ધાએ પોતાના કાને પહેરેલા આશરે 3 તોલા 2 રતી વજનના 6 સોનાના વેડલા અને 1 તોલો 3 રતી વજનની 2 પોખાણી એમ કુલ 4 તોલા 5 રતિ વજનના દાગીના કાઢીને સુપરત કરી દીધા હતા.દાગીના લીધા બાદ બદમાશો તેમને રામરોટી થઈ રમેશભાઈ કમાભાઈ પરમારના કોટા પાસેથી ગરનાળા પાસે લઈ ગયા હતા અને ત્યાં ચાની હોટલે બેસાડીને એવું કહ્યું હતું કે, “માજી તમે અહીં બેસો અમે નાસ્તો કરીને પાછા આવીએ છીએ.” 5.60 લાખના વેડલા અને પોખાણી લઈ રફૂચક્કર થનાર સામે ફરિયાદ
આ રીતે ભોગ બનનાર વૃદ્ધાને ત્યાં બેસાડીને અજાણ્યા શખ્સો લાંબો સમય સુધી પરત આવ્યા ન હતા. લાંબો સમય વીત્યા બાદ અશરે દોઢેક કલાક પછી જ્યારે જડીબેનને હોશ આવ્યો અને સભાનતા આવી ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેમના કાનમાં પહેરેલા અંદાજે રૂ. 5,60,000ની કિંમતના સોનાના દાગીના ગાયબ છે. આ બનાવ અંગે પરિવારના સભ્યો શૈલેષભાઈ અને પૌત્ર કાનજીભાઈ દ્વારા અજાણ્યા ઇસમો અને દાગીનાની ભારે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો નહીં લાગતા અંતે પોલીસ મનોહર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા બે મહિલા અને બે પુરુષો વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ માધ્યમો દ્વારા ભેજાબાજ ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
ઇન્દિરાનગરના વૃદ્ધાને અર્ધબેભાન કરી ગઠિયાઓ સોનાના દાગીના સેરવી લીધા:5.60 લાખના વેડલા અને પોખાણી લઈ રફુચક્કર, ‘માજી બેસો અમે નાસ્તો કરીને પાછા આવીએ’
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
