પાકિસ્તાનમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) અને સરકાર વચ્ચે આજે ફરી વાતચીત થશે. બેઠકમાં 4 ઑક્ટોબરે યોજાનારા PTIના ઇસ્લામાબાદ માર્ચને મુલતવી રાખવા અને રાજકીય તણાવ ઘટાડવા અંગે ચર્ચા થશે. શુક્રવારે બંને પક્ષો વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સહમતિ બની શકી નહોતી. PAK સંસદના સ્પીકર અયાઝ સાદિકના ચેમ્બરમાં બપોરે 2 વાગ્યે યોજાનારી બેઠકમાં સરકાર, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને PTIના પ્રતિનિધિઓ સામેલ થશે. PTIએ માંગ કરી છે કે ઇમરાન ખાન સાથે તાત્કાલિક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવે. તેમને એવી હોસ્પિટલમાં લઈ જવામાં આવે, જ્યાં તેમના ખાનગી ડૉક્ટર તેમની તપાસ કરી શકે. પાર્ટીએ ઇમરાનની બહેનો અને પ્રદર્શન પહેલાં ધરપકડ કરાયેલા અન્ય લોકોને મુક્ત કરવાની માંગ પણ કરી છે. આ ઉપરાંત, ઇમરાનની પત્ની બુશરા બીબીની તબીબી તપાસ કરાવવાની અને તેમની સામે ચાલી રહેલા કેસોની કોઈપણ દખલ વિના સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે. 4 ઓક્ટોબરથી ઇસ્લામાબાદ માર્ચ કાઢવાની તૈયારી PTIએ અગાઉ 27 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદ સુધી લોંગ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. બાદમાં તેને એક અઠવાડિયા માટે મુલતવી રાખીને 4 ઓક્ટોબર કરવામાં આવ્યો. ઝુલ્ફિકાર બુખારીના જણાવ્યા અનુસાર, માર્ચ ખૈબર પખ્તૂનખ્વાના લક્કી મરવતમાં ગાંધી ચોકથી શરૂ થશે. તેનું પ્રથમ મુકામ કરક અને બીજું 5 ઓક્ટોબરે કોહાટમાં હશે. ત્યારબાદ માર્ચ પેશાવર જિલ્લામાં પ્રવેશ કરશે. માર્ચને ધ્યાનમાં રાખીને સરકારે ઇસ્લામાબાદમાં સુરક્ષા વધારી દીધી છે. રાજધાનીમાં જતા રસ્તાઓ પર શિપિંગ કન્ટેનરો મૂકવામાં આવ્યા છે અને વધારાના પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારની બેઠકમાં વાતચીત દ્વારા ઉકેલ લાવવા અંગે ચર્ચા થઈ સરકાર અને PTI વચ્ચે શુક્રવારે યોજાયેલી પ્રથમ બેઠકમાં દેશની રાજકીય સ્થિતિ અને મતભેદો દૂર કરવા અંગે ચર્ચા થઈ. ત્રણેય પક્ષોએ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો. બેઠકમાં સરકાર તરફથી વડાપ્રધાનના રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહના નેતૃત્વમાં 6 સભ્યોની ટીમ સામેલ થઈ. આમાં ગૃહમંત્રી મોહસિન નકવી પણ હતા. PTI તરફથી પાર્ટીના અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાન અને પૂર્વ સ્પીકર અસદ કૈસર સહિત અનેક નેતાઓ પહોંચ્યા. બીજી તરફ, PPP તરફથી સૈયદ નદીમ કમર, શેરી રહમાન અને એજાઝ જખરાની સામેલ થયા. સ્પીકરે કહ્યું- સંસદમાં જ મુદ્દાઓનું સમાધાન શક્ય નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાઝ સાદિક બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. દેશના મુદ્દાઓ અને મતભેદોને ઉકેલવા માટે સંસદ જ યોગ્ય મંચ છે. બેઠક પહેલાં સરકારના પ્રતિનિધિ રાણા સનાઉલ્લાહે કહ્યું કે વિરોધ-પ્રદર્શનથી સમસ્યાઓ હલ થતી નથી. વાતચીતથી જ ઉકેલ મળી શકે છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાન સામે ચાલી રહેલા કેસો પર નિર્ણય સરકાર નહીં, અદાલતો કરશે. બીજી તરફ, PTI અધ્યક્ષ ગોહર અલી ખાને વાતચીત સફળ થવાની આશા વ્યક્ત કરી. ઑગસ્ટ 2023થી જેલમાં છે ઇમરાન 73 વર્ષના ઇમરાન ખાન ઑગસ્ટ 2023થી જેલમાં છે. તોશાખાના કેસમાં 3 વર્ષની સજા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પર સાયફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિત અનેક કેસ નોંધાયા હતા. બાદમાં સાયફર અને ઇદ્દત નિકાહ કેસોમાં તેમને અદાલતમાંથી રાહત મળી હતી. તોશાખાના કેસમાં પણ તેમની એક સજા પર રોક લગાવવામાં આવી હતી. તેમ છતાં અન્ય કેસોના કારણે તેઓ હજુ જેલમાં છે. ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTIનું કહેવું છે કે 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ તેમની વિરુદ્ધ રાજકીય કારણોસર કેસ નોંધવામાં આવ્યા હતા. તેમનો આરોપ છે કે તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખવા માટે આવું કરવામાં આવ્યું હતું. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારી કાઢે છે. તેમનું કહેવું છે કે આ મામલાઓ કાનૂની પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે.
ઇમરાનની પાર્ટી અને પાકિસ્તાન સરકાર વચ્ચે આજે વાતચીત:ઇસ્લામાબાદ માર્ચ ટાળવા અંગે ચર્ચા; PTIની માગ- ઇમરાનને મળવા દેવામાં આવે, હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે
📅 Published: October 3, 2026 |
📂 Category: International
