ઇશ્ક વો બલા હૈ, જિસને ઇસકો છુઆ વો જલા હૈ

📅 Published: September 28, 2026 | 📂 Category: Nari

નદીકિનારે આવેલા બંગલાની બહારના વરંડામાં સૂતેલો હર્ષદેવ મધરાતે તમરાના અવાજ સાથે ક્યારેક ક્યારેક સંભળાતી ચીબરીની ચીસો, નદીનાં ખળખળ વહેતાં નીર, આકાશમાં ચંદ્રને વારંવાર ઢાંકી અંધકારને ગાઢ કરતાં કાળાં ભમ્મર વાદળો, ઠંડો વહેતો પવન, વૃક્ષો પર પંખીઓની ફફડતી પાંખો, ભેંકાર કે આહ્લાદક અને સમજાય નહીં એવા વાતાવરણ વચ્ચે ખૂબ જ વ્યથિત હૃદયે આજે તેણે માર્કેટમાં જાણીતા વેપારી મિત્રોની ગુસપુસને ફરી ફરી યાદ કરવા મજબૂર કર્યો હતો. એક મિત્ર બીજા વેપારી મિત્રને કહી રહ્યો હતો કે હર્ષને મજા છે. હિરોઈન જેવી ભાભી વિધવા થયા પછી એની જોરદાર સરભરા કરતી હશે એટલે તો પોતે પરણવાનું નામ લેતો નથી. બીજો કહે, આટલું ભણેલા-ગણેલા, પૈસાદાર અને હીરો ટાઈપ માણસને છોકરીઓ ન મળે એ શક્ય જ નથી. તો ત્રીજો બોલ્યો કે એ પોતે જ કહેતો હતો કે ભાઈ ગયા પછી ભાભીની જવાબદારી હોવાથી પરણવાનું મન નથી થતું. આ વાતોનો દોર સાંભળતો પોતે જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ વર્તન કરી નજીક જતાં બધા જ ચૂપ થઇ ગયા. એક બોલ્યો, લો હર્ષદેવ આવી ગયો. તમે કંઈ ઓર્ડર આપવાની વાત કરતા હતા તો એને રૂબરૂ જ કહી દો, મારે એને કહેવા જવાનો ધક્કો મટ્યો. બીજો બોલ્યો, હા હા હર્ષદેવભાઈ, આપણા આ મિત્રને તમારે ત્યાંથી લાખેક રૂપિયાની સાડીઓ ખરીદવી છે. પૈસા એકાદ મહિના પછી મળી જશે. તમને એડવાન્સ ચેક આપી રાખશે, પણ જરા સમજીને ભાવ લગાવજો.

       વાહ! મારા બેટાઓ, કેવા વાત બદલીને ડાહ્યાડમરા થઇને વાત કરે છે! એમ વિચારી પોતે હા પાડી અને સાંજે તેને માલ પહોંચાડી પણ દીધો હતો. ધંધો થયો હતો, પણ કોઈ ખુશી એટલે ન હતી કે તેઓ તેના વિશે એલફેલ વિચારી રહ્યા હતા. આમ સીધી રીતે જોઈએ તો કોઈ પણ એવું જ વિચારે! એ કાદંબરી ભાભી વિશે કંઈ જ ખરાબ વિચારતો ન હતો અને તેમને કંઈ દુઃખ ન થાય, તેમની આમન્યા જળવાય તેનો ખાસ ખ્યાલ રાખતો, પરંતુ લોકો વાતો કરે એને કઈ રીતે રોકી શકાય? આવડા મોટા બંગલામાં યુવાન ભાભી અને કાચો કુંવારો દિયર એકલાં જ રહેતાં હોય એટલે લોકો ગમે તેમ વિચારી જ નાખેને? આનો એક ઉપાય એ ખરો કે પોતે મેરેજ કરી લે, પરંતુ પછી ભાભીનો ખ્યાલ રાખી નહીં શકાય. તે જેને પરણે તે યુવતી પણ તેનાં ભાભીની તકેદારી રાખવાના પ્રયાસો જોઈ ગમે તેમ વિચારી નાખે અને પત્ની હોવાના નાતે બોલે પણ ખરી. તેની જો ભાભીને જાણ થાય તો તેમની શું હાલત થાય? કંઈ સમજ નથી પડતી શું કરવું? તેણે મન મક્કમ કરીને ઊંઘ ન આવતી હોવાથી ભાભી જાગતાં હોય તો તેમને જ કહી કોઈ રસ્તો કાઢવા-વિચારવા નિર્ણય કર્યો. એ બંગલામાં અંદર ગયો તો ભાભી તો દીવાનખાનામાં જ ચૂપચાપ બેઠેલાં હતાં. તેમને આમ બેઠેલા જોઈ એ ચોંકી ઊઠ્યો. એણે ઝડપથી તેમની પાસે જઈ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, શું થયું ભાભી? આમ કેમ એકલાં અહીં બેઠાં છો?  

હા હર્ષદેવ, તારા ભાઈની બહુ જ યાદ આવે છે. ઊંઘ પણ આવતી નથી. એ જ દેખાયા કરે છે. મને તો તેઓ પુલ પરથી નદીમાં કઈ રીતે પડી ગયા એ જ સમજાતું નથી? એમણે આપઘાત તો નહીં કર્યો હોયને? એ પુલની પાળી પર બેસી મોજથી વાતો કરતા હતા અને અચાનક વાવંટોળ ફૂંકાયો અને પછી એ કઈ રીતે નદીમાં ફેંકાયા એની મને સમજ નથી પડતી કહી કાદંબરી ધ્રૂસકે ચઢી. હર્ષદેવે અચકાતાં અચકાતાં તેમની પીઠ પર હાથ પસવારતાં કહ્યું, ભાભી, આપણે કુદરત સામે લાચાર છીએ. તમે રડો એ મને જરાય ન ગમે. થોડીવારમાં ભાભીએ સ્વસ્થ થઇ કહ્યું, હર્ષદેવ, તમે હવે મેરેજ કરી લો. લોકો આપણા વિશે ગમે તેમ વિચારે છે. એવી જ વાતો કરે છે કે બેય રંગરેલિયા મનાવે છે. ભાભી દિયરને પરણવા નથી દેતી. એ કહે છે કે, હું છું પછી પરણવાની શું જરૂર?   

ઓહ માય ગોડ! ભાભી, આજે માર્કેટમાં વેપારીઓ આજે જ મારી આવી વાતો કરતા હતા. હવે હું પરણી જાઉંને તો પણ લોકો તો ગમે તેમ જ માનશે. તો પછી આપણે જ પરણી જઈએ તો? લોકો બોલતા તો બંધ થાય. કાદંબરીએ એકદમ ધડાકો કર્યો. હકીકતમાં એ આવું તો ક્યારની વિચારી રહી હતી. મોકો શોધતી હતી જે આજે મળી ગયો. એના આ શબ્દો સાંભળતાં હર્ષદેવ બોલ્યો, તમે ખુશ રહેતા હો તો હું તો તમે કહો એમ કરવા તૈયાર છું. તો પછી આપણે સગાંવહાલાંને જાણ કરીને રીતસર લગ્ન જ કરી લઈએ. બસ તમે જ મારા ભરથાર કહી કાદંબરીએ હર્ષદેવને આગોશમાં લઈ લીધો. હર્ષદેવ કંઈ સમજ ન પડતાં તેને તેડીને બેડરૂમમાં લઈ ગયો. કાદંબરીએ તેને આલિંગનમાં લઈ ધીરેથી કહ્યું, હર્ષદેવ, આપણે કોલેજમાં સાથે હતાં. તને મેં જ્યારથી જોયો હતો ત્યારથી મારું મન તારામાં મોહી ગયું હતું. તારો ભાઈ રતનરાજ તો ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. મને લાગ્યું કે રતનરાજ પરણે નહીં ત્યાં સુધી તું કંઈ મારા હાથમાં આવશે નહીં. રતનરાજને મેં થોડા જ દિવસમાં મારી પાછળ પાગલની જેમ ઘૂમતો કરી દીધો. પછી કોલેજ પૂરી કરતાં જ એણે મને મેરેજ કરવા પ્રપોઝ કર્યું અને મેં ખુશીથી તેની સાથે મેરેજની હા પાડી દીધી. મેરેજ બાદ થોડા સમયમાં જ તમારી મમ્મી અવસાન પામ્યાં. બહેન હતી તે તો પરણી ગઈ હતી. આપણે ત્રણેય આનંદથી રહેતાં હતાં, પરંતુ મારા મનમાં તું જ રમતો હોવાથી તને કઈ રીતે મેળવવો તેનો આઈડિયા વિચારી હું જ રતનરાજને પુલ પર લઈ ગઈ અને તે પાળી પર બેઠો એવી જ હું તેનો ટેકો લેવા તેના પર ઢળી અને તેને આંચકો લાગતાં એ નદીમાં પડી ગયો. ડૂબી જતાં તેનું મૃત્યુ થયું. મારા નસીબમાં તું હતો કે મેં તને મેળવ્યો. એ જે હોય તે આજે મને મારો મનનો માણીગર મળી ગયો છે એમ કહી એણે ગાઢ આલિંગન આપતાં હર્ષદેવે પણ સામે તેને ભીંસમાં લીધી અને તેના ગળા પર પોતાનો મજબૂત પંજો લગાવી કહ્યું, નાલાયક, તેં મને મેળવવા મારા ભાઈની હત્યા કરી નાખી? હું તને શું સમજતો હતો અને તું શું નીકળી? હવે તું પણ આ દુનિયામાં ન જોઈએ. થોડી જ મિનિટોમાં કાદંબરી તરફડીને કાયમ માટે શાંત થઇ ગઇ. એ જ રાતે હર્ષદેવે કાદંબરીને ઊંચકીને રતનરાજને તેણે જ્યાંથી નદીમાં હડસેલ્યો હતો તે જ જગ્યાએથી ફેંકી પોતે પણ તેની પાછળ મોતનો ભૂસકો માર્યો.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *