ઉદ્યોગપતિ પાસેથી 20 લાખની ખંડણી અને દાદાગીરીનો મામલો ગરમાયો:ભાવનગરમાં લુખ્ખાગીરી સામે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની SPને કડક રજૂઆત

📅 Published: October 26, 2026 | 📂 Category: gujarati-news

નવાગામ સ્થિત ‘કાસ્ટોરા ફોમટેક’ કંપનીના ભાગીદાર ઋત્વિક પટેલ દ્વારા અસામાજિક તત્વો સામે ખંડણી અને ધમકીની ફરિયાદ નોંધાવાતાં જ ભાવનગરનું વાતાવરણ ગરમાયું છે વેપારીઓ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ SPને રજૂઆત કરીને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તો બીજી તરફ આ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. 20 લાખની ખંડણી માગવામાં આવી હતી
અમદાવાદના વતની અને ભાવનગરમાં વ્યવસાય કરતા ઋત્વિક પટેલે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા 7-8 મહિનાથી સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા અને 20 લાખની ખંડણી માંગવામાં આવી રહી હતી. 10,000 આપ્યા છતાં દબાણ વધતું ગયું હતું. તાજેતરમાં કંપની ગેઈટ પાસે રોડનું કામ ચાલુ હતું ત્યારે JCB બંધ કરાવી, મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી કંપની બંધ કરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વધુમાં વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ રહી હતી ત્યારે આરોપી મેણસુરભાઈનો પુત્ર, બળદેવ સોલંકી અને અન્ય એક શખસ દારૂ પીધેલી હાલતમાં પોલીસ મથકમાં ઘૂસી આવ્યા હતા. તેમણે લેડીઝની હાજરીમાં ગાળાગાળી કરી પોલીસ અને વેપારીઓને ધમકાવ્યા હતા. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની એન્ટ્રી
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તેજસ શેઠની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ભાવનગર એસ.પી.ને મળવા પહોંચ્યા હતા. તેજસ શેઠે જણાવ્યું હતું કે, ભાવનગરમાં ઈન્ડસ્ટ્રીઓ ઓછી છે અને જો આવી દાદાગીરી ચાલશે તો નવા ઉદ્યોગો આવશે નહીં. વેપારીઓએ હિંમત રાખીને આગળ આવી આવી ફરિયાદો કરવી પડશે જેથી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. એસ.પી. આ મામલે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. કોંગ્રેસ નેતા બળદેવ સોલંકી સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં સમગ્ર મામલાએ રાજકીય રંગ પકડ્યો છે. કોંગ્રેસે આને રાજકીય કિન્નાખોરી ગણાવી પોલીસ સામે મોરચો ખોલ્યો છે અને કંપનીના જવાબદાર વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. બીજી તરફ, આ મામલે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે જો વેપારીઓને 8 મહિનાથી ત્રાસ હતો તો અગાઉ ફરિયાદ કેમ ન કરાઈ? શું બળદેવ સોલંકીનું નામ આવ્યા બાદ જ આ મુદ્દો આટલો ચગાવવામાં આવ્યો? હાલ તો સામસામે આક્ષેપો અને રાજકીય નિવેદનબાજીથી ભાવનગરમાં ચર્ચા જાગી છે અને પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *