સુરતના ઉધના વિસ્તારમાં જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર માર્ગ પર આવેલા 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. નજીકની બિલ્ડિંગમાં નડતરરૂપ બનતા આ વૃક્ષોને પાલિકા કે વન વિભાગની મંજૂરી વિના કાપી નાખવામાં આવ્યા હતા. આ મામલે ઉધના ઝોનના અધિકારીઓએ માત્ર રૂ. 90,000નો મામૂલી દંડ ફટકારીને કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નજીકની બિલ્ડિંગ માટે પરવાનગી વગર વૃક્ષો કપાયાનો આક્ષેપ
સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ, રસ્તાની નજીક આવેલી બિલ્ડિંગ માટે નડતરરૂપ બનતા 10થી 15 વર્ષ જુના 7 જેટલા ઘટાદાર વૃક્ષો પર પરવાનગી વિના જ કૂરતાપૂર્વક કુહાડી ચલાવી દેવામાં આવી હતી. પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચાડવા છતાં પાલિકાએ માત્ર દંડકીય કાર્યવાહી કરી સંતોષ માનતા લોકોમાં નારાજગી વ્યાપી છે. ડેપ્યુટી કમિશનરે કહ્યું-હું સમગ્ર મામલે તપાસ કરીશ
આટલી મોટી બેદરકારી છતાં માત્ર દંડની સામાન્ય કાર્યવાહી કેમ કરાઈ તે અંગે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરતા તેમણે બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવી, વૃક્ષો કોના કહેવાથી કપાયા તેની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ઉધનામાં 15 વર્ષ જૂના 7 વૃક્ષનું ગેરકાયદે છેદન:બિલ્ડિંગના નડતરરૂપ થતાં રાતોરાત કાપાયાનો આરોપ, પાલિકાએ રૂ.90 હજારનો દંડ ફટકારી સંતોષ માન્યો
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
