ઉપરકોટના ઘૂસી ગયેલ દીપડો પકડાયો:ગયા રવિવારે કિલ્લામાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાતાં વહીવટી તંત્રે લીધો રાહતનો શ્વાસ, પાંચ દિવસ બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે સુરક્ષિત જાહેર કરાયો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

​જૂનાગઢના પ્રખ્યાત અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં ગયા રવિવારની સાંજે અચાનક દીપડો ઘૂસી આવ્યો હોવાની આશંકા સામે આવી હતી. કિલ્લા પરિસરમાં વન્યજીવની હાજરી જણાતાં જ પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખો કિલ્લો ખાલી કરાવવામાં આવ્યો હતો. પ્રવાસીઓની સલામતી સર્વોપરી હોવાથી કોઈપણ પ્રકાર જોખમ ન લેવાય તે હેતુથી છેલ્લા પાંચ દિવસથી ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. ​આ સમગ્ર મામલે સવાણી હેરિટેજના ટુરિઝમ હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે ગયા રવિવારની સાંજે જ્યારે ઉપરકોટ કિલ્લામાં દીપડો હોવાની આશંકા વ્યક્ત થઈ, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં ભરી કિલ્લો ખાલી કરાવાયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમો સતત ૨૪ કલાક કિલ્લા પરિસરમાં નજર રાખી રહી હતી. વન વિભાગની ટીમો દ્વારા દીપડાને ટ્રેસ કરવા, તેને શોધી કાઢવા અને સુરક્ષિત રીતે પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા. ​શરૂઆતની પહેલી બે રાતો દરમિયાન કિલ્લામાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં દીપડાની મૂવમેન્ટ સ્પષ્ટપણે દેખાઈ હતી. પરંતુ તે પછીની બે રાતોમાં સીસીટીવીમાં તેની કોઈ હલચલ જોવા મળી નહોતી. વન વિભાગ અને તંત્રને એવો અંદાજ હતો કે કદાચ દીપડો કિલ્લાની બહાર નીકળી ગયો હોઈ શકે, પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી પ્રવાસીઓ માટે કિલ્લો ખોલવો જોખમી હતો, તેથી કિલ્લો બંધ જ રખાયો હતો. આજના દિવસે વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડો પૂરાઈ જતાં તેને કિલ્લામાંથી બહાર લઈ જવામાં આવ્યો છે અને હવે કિલ્લો સંપૂર્ણ સુરક્ષિત બની ગયો છે. આ દિવસો દરમિયાન બંધ દરવાજાને કારણે જે ટુરિસ્ટોને અગવડ પડી કે દુઃખ થયું તે બદલ ક્ષમાયાચના વ્યક્ત કરી તેમણે હવે રાબેતા મુજબ કિલ્લો ખુલ્લો મુકાતાં તમામ પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે. ​બનાવની શરૂઆતથી જ જૂનાગઢ વન વિભાગના ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર ટીમ અને વેટરનરી ટીમ દ્વારા દિવસ-રાત કિલ્લા પરિસરમાં પગપાળા સઘન તપાસ અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. દીપડાને ઝડપી લેવા માટે 5 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, સાથોસાથ સમગ્ર વિસ્તારમાં 24×7 પેટ્રોલિંગ, ટ્રેપ કેમેરાથી દેખરેખ અને થર્મલ ડ્રોન વડે સઘન સ્કેનિંગ હાથ ધરાયું હતું. વન વિભાગની આ સતત મહેનતને કારણે જ આખરે દીપડો પકડાઈ ગયો છે અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટળી ગયો છે. હવે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત છે અને તેઓ ફરીથી અહીં ભ્રમણ કરી શકશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *