સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ યોજાશે. તેમાં દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનો સંદેશ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નક્સલમુક્ત ભારતના સંકલ્પને પણ રજૂ કરાશે. પરેડમાં નક્સલવિરોધી કામગીરીમાં નિષ્ણાત રાજ્યોનાં સુરક્ષા દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો ભાગ લેશે. છત્તીસગઢની STF અને DRG, ઝારખંડની જગુઆર, ઓડિશાની SOG, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ગ્રેહાઉન્ડ્સ, કર્ણાટકની ANF, કેરળની થંડરબોલ્ટ, મહારાષ્ટ્રની C-60 અને CRPFની CoBRA કમાન્ડો બટાલિયન તેમાં જોડાશે. આ ઉપરાંત BSF, ITBP, SSB, CISF અને CRPFના મહિલા તથા પુરુષ જવાનોની ટુકડીઓ અને NCCના પ્રતિભાગીઓ પણ પરેડમાં ભાગ લેશે. 20 માર્ચિંગ ટુકડીઓમાં 3,480 પ્રતિભાગીઓ હશે. પરેડના વિવિધ ભાગોમાં કુલ 4,956 પ્રતિભાગીઓ જોડાશે. પરેડ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટ્યપ્રસ્તુતિ, ટેબ્લો, શાળા બેન્ડ અને અન્ય કાર્યક્રમોમાં કુલ 7,734 કલાકારો-પ્રતિભાગીઓ ભાગ લેશે. તેમાં 5,000 સાંસ્કૃતિક કલાકારો અને NSDની નાટ્યપ્રસ્તુતિના 2,000 પ્રતિભાગીઓ સામેલ છે. બેન્ડ ટુકડીઓના 810 પ્રતિભાગીઓ, ડોગ સ્ક્વોડના 42 સભ્યો અને SSB તથા CRPFના સંયુક્ત ડેરડેવિલ શોના 152 પ્રતિભાગીઓ પણ પરેડમાં જોડાશે. સરદાર પટેલે દેશનાં રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. પરેડમાં સુરક્ષા દળોના શૌર્ય, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠા સાથે નક્સલવાદથી મુક્તિ, શાંતિ અને વિકાસનો સંદેશ અપાશે. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણી કેવડિયા એકતા નગર ખાતે કરવામાં આવશે. એક અલોૌકિક એવી ઘટના બનવા ત્યાં જઈ રહી છે કે જે દેશની શૌર્ય અને દેશની અખંડિતતા માટે પરેડ થઈ રહી છે. તે પરેડ માટે અનેક લોકો ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો પણ ખૂબ જ ઉત્સુક છે. આ પરેડ જોવા માટે દરેકના મનમાં કંઈક ને કંઈક ઉત્સુકતાની સાથે સાથે હર્ષની લાગણી પણ તેઓ અનુભવી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાંથી ‘વંદે માતરમ’ ગીતની થીમ ઉપર પરફોર્મ કરવાના છે, તે આર્ટિસ્ટો પણ આવી રહ્યા છે. હાલ પરેડની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહિલા આગેવાન શિવાનીબેન મહેતાએ જણાવ્યું કે, 31ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે એકતાનગર ખાતે થઈ રહી છે. જેને જોવાની સૌને ઉત્સુકતા ઘણી છે અને અમે પણ રજીસ્ટ્રેશન કરી દીધું છે. આ પરેડમાં ભાગ લેવા આવનાર કલાકારો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અહીંયા રાજપીપળા તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેને જોવા પણ હાલ ઘણા લોકો આવી રહ્યા છે. પાસ લેવાની રજીસ્ટ્રેશન કરવાં પડાપડી થઈ રહી છે.
એકતાનગરની પરેડમાં નક્સલમુક્ત ભારતનો સંદેશ અપાશે:સરદાર પટેલની 151મી જન્મજયંતિએ 4,956 જવાનો અને 7,734 કલાકારો-પ્રતિભાગીઓ જોડાશે
📅 Published: October 29, 2026 |
📂 Category: gujarati-news
