ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–2026’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસરે 31 ઓક્ટોબર, 2026ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. પરેડના મુખ્ય આકર્ષણો અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન
આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને અત્યંત વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવી રહી છે. આ પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે 10,000 જવાનો ભાગ લેશે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના આશરે 4,700 કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ભારતીય વાયુસેના દ્વારા શાનદાર ફ્લાયપાસ્ટ અને વિવિધ બેન્ડ દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને વિવિધતામાં એકતાના રંગોનું પ્રદર્શન થશે. પરેડ દરમિયાન વડાપ્રધાન દેશવાસીઓને સંબોધિત પણ કરશે. આમજનતા માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન અને પરેડ રૂટ
આ ભવ્ય રાષ્ટ્રીય પર્વમાં નાગરિકો પણ સહભાગી બની શકે તે માટે એક વિશેષ વેબસાઈટ www.rashtriyaektadiwas.com લોન્ચ કરવામાં આવી છે. નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી દસ્તાવેજો અપલોડ કરી શકશે, ત્યારબાદ ઈ-મેઈલ પર એન્ટ્રી પાસ મોકલવામાં આવશે. પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે થશે. પ્રસ્તાવિત પરેડનો પ્રારંભ નર્મદા માતાની પ્રતિમાથી થઈને SRP કોલોની નજીકના રેપ્લિકા ગાર્ડન પાસે પૂર્ણ થશે. પ્રવાસીઓ માટે ‘ડોમ સિટી’માં રહેણાક વ્યવસ્થા
રાષ્ટ્રીય એકતા દિવસ–2026 અને 1 નવેમ્બર 2026 થી 15 નવેમ્બર 2026 દરમિયાન આયોજિત ‘ભારત પર્વ–2026’માં આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા એકતા નગર ખાતે વિશેષ ‘ડોમ સિટી’ વિકસાવવામાં આવશે. આ રહેણાક સુવિધા 29 ઓક્ટોબર, 2026થી 15 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે, જ્યાં પ્રવાસીઓ રહેણાક માટે અગાઉથી બુકિંગ કરી શકશે. નાગરિકોને ઉત્સાહભેર જોડાવા અપીલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ વર્ષ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ છે. સરદાર સાહેબની 151મી જન્મજયંતીની ઉજવણીમાં જનભાગીદારી વધારવા ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેમણે તમામ નાગરિકોને વેબસાઈટ પર નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરાશે:લોખંડી પુરુષની 151મી જન્મજયંતીએ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે
📅 Published: October 7, 2026 |
📂 Category: gujarati-news
