દશેરાના પર્વ પર ગુજરાતીઓ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જતા હોય છે. કમાઈ લેવાની લાલચમાં કેટલાક વેપારીઓ ફાફડા માટે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. અમદાવાદ, સુરત, વડોદરામાં ફાફડા માટે કેવા તેલનો ઉપયોગ થાય છે?, તેલમાં TPCનું પ્રમાણ શું છે? અને જો વાંરવાર એકના એક તેલનો તળવા માટે ઉપયોગ થાય તો તેનાથી લોકોના આરોગ્યને કેટલું નુકસાન થઈ શકે? તે જાણવા ભાસ્કરે ફાફડાની દુકાનોમાં રિયાલિટી ચેક કરી આરોગ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી. અમદાવાદના વસ્ત્રાપુર ગાંઠિયાના તેલમાં TPCનું પ્રણામ 25 કરતા વધુ મળ્યું
દિવ્ય ભાસ્કરે અમદાવાદ શહેરની ફાફડા-જલેબીની દુકાનો પર રિયાલિટી ચેક કર્યું હતું.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી વસ્ત્રાપુર ગાંઠિયા નામની દુકાનમાં તપાસ કરી હતી. જ્યાં અલગ અલગ તેલમાં ફાફડા તળવામાં આવતા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા જે તેલમાં ફાફડા તળવામાં આવતા હતા તે તેલનું TPC નોંધવામાં આવ્યું હતું. જો કે તે તેલનું TPC 15 સુધી નોંધાયું હતું, એટલે કે ખાવા યોગ્ય હતું. પરંતુ જ્યારે તેના બાજુમાં અન્ય એક પાત્રમાં તેલ રાખવામાં આવ્યું હતું તેમાં TPC ચેક કરતા ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા હતા. તેલમાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ 32 નોંધાયું હતું, એટલે કે તેલ ખાવા યોગ્ય નહતું. તેમજ વારંવાર ઉપયોગ થવાથી તેલ કાળુ પણ પડી ગયું હતું. ખાદ્ય સુરક્ષાના નિયમો પ્રમાણે વપરાતા તેલમાં TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ ન હોવું જોઈએ. જોકે, વસ્ત્રાપુર ગાંઠિયાની દુકાનમાં TPC નું પ્રમાણ 32 નોંધાતાં તેલની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વેપારી બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, કાળું પડી ગયું છે તે તેલનો અમે ઉપયોગ કરતા નથી તેને સાઈડમાં કાઢીને મૂકવામાં આવ્યું હતું. ગરમ હોવાથી ડબ્બામાં ભરવામાં આવ્યું નહતું ગરમ ન હોત તો ડબ્બામાં ભરીને મૂકી દીધું હોત. તેલ બળી ગયું હોવાથી તેને સાઈડમાં કાઢીને મૂકવામાં આવ્યું હતું. તેલ જ્યારે કાળું પડી જાય છે કે ખરાબ થઈ જાય છે તો અમે તેને સાઈડમાં કાઢી દઈએ છીએ. તેમજ દિવ્ય ભાસ્કર દ્વારા નહેરુનગર વિસ્તારમાં આવેલી જૂના શેર બજાર ફરસાણની દુકાનમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. દશેરાના તહેવાર હોવાથી અગાઉથી જ ફાફડા અને જલેબીના સ્ટોક તૈયાર કરવામાં આવ્યો હતો. જે તેલમાં ફાફડા તળવામાં આવતા તેનું TPC ચેક કરવામાં આવતા તે 5 પોઈન્ટ નોંધાયું હતું. એટલે કે ખાદ્ય તેલમાં 5 ટકા TPC લેવલ હોય તો તે શુદ્ધ અને માનવ વપરાશ માટે સુરક્ષિત ગણી શકાય છે. જેથી જૂના શેર બજાર ફરસાણની દુકાનમાં તેલની ગુણવત્તાને લઈને કોઈપણ પ્રકારની બેરદારી સામે આવી નહતી. તેલનો પણ વારંવાર ઉપયોગ કરવામાં ન આવતો હોવાનું સામે આવ્યું હતું. વડોદરાના વેપારીઓએ દિવસમાં બે વખત તેલ બદલવાનો દાવો
વડોદરામાં રિયાલિટી ચેક કરાયું. ફરસાણના વેપારીઓના કહેવા મુજબ “તેઓ દિવસમાં બે વખત તેલ બદલે છે અને વપરાયેલું તેલ FSSAI દ્વારા સર્ટિફાઇડ એજન્સીઓને જ સોંપવામાં આવે છે, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં નહીં પરંતુ ઔદ્યોગિક કાર્યોમાં કરવામાં આવે છે” જોકે કેટલાક લોકો એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરતા હોય છે. ફરસાણ તૈયાર કરવા માટે વપરાતા તેલનો વારંવાર ઉપયોગ કરવા અંગે TG ગઠિયાના સંચાલક તીસીલ મનવરે જણાવ્યું હતું કે, અમે દિવસમાં બે વખત તેલ બદલીએ છીએ. જૂનું અથવા વપરાયેલું ખરાબ તેલ ફેંકી દેવામાં આવતું નથી કે કોઈને પણ આપવામાં આવતું નથી. હવે તેના માટે નિયમો વધુ કડક બન્યા છે. વપરાયેલું તેલ FSSAI દ્વારા સર્ટિફાઇડ એજન્સીઓને જ સોંપવામાં આવે છે. આ એજન્સીઓ દુકાને ડ્રમ મૂકી જાય છે અને તે ભરાઈ ગયા બાદ તેલ લઈ જાય છે. આ સર્ટિફાઇડ એજન્સીઓ આ તેલનો ઉપયોગ ખોરાકમાં કરવાને બદલે અન્ય ઔદ્યોગિક કાર્યોમાં કરે છે. ’25થી વધુ TPC ધરાવતા તેલની લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે’
વડોદરા મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર જિતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, વારંવાર તળવા માટે વપરાતા તેલમાં TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ કાયદા મુજબ 25થી વધારે ન હોવું જોઈએ. ઘણા વેપારીઓ તળેલા તેલમાં નવું તેલ ઉમેરતા રહે છે, જેનાથી TPC વૅલ્યુ વધી જાય છે. જો તપાસ દરમિયાન TPC વૅલ્યુ 25 કે તેથી વધુ માલૂમ પડે, તો તેવા તેલનો નાશ કરાવવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વારંવાર તળેલા તેલ અને 25થી વધુ TPC ધરાવતા તેલના ઉપયોગથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડે છે. આવું તેલ વાપરવાથી હાર્ટ અટેક, કોલેસ્ટ્રોલ વધવો અને સ્વાસ્થ્યને લગતી અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની સેક્શન ૫૫ અને અન્ય જોગવાઈઓ હેઠળ આવા કિસ્સાઓમાં ડાયરેક્ટ એડજ્યુડિકેટિંગ ઓફિસર (RC) ની કોર્ટમાં કાયદેસરનો કેસ દાખલ કરવામાં આવે છે. સુરતમાં રિયાલિટી ચેક દરમિયાન વેપારીએ તેલ બદલતા હોવાનું ધ્યાન પર આવ્યું
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી શહેરભરના ફાફડા અને જલેબીના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નિયમ મુજબ ખાદ્યતેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25થી વધુ ન હોવું જોઈએ, કારણ કે 25થી વધુ TPC ધરાવતું બળેલું તેલ હૃદયરોગ, હાઈ કોલેસ્ટ્રોલ અને પાચન સંબંધિત ગંભીર બીમારીઓને નોતરે છે. જોકે, પાલિકાની તપાસ દરમિયાન રાહતના સમાચાર એ મળ્યા છે કે મોટાભાગના સ્ટોલ પર તેલ નિયત માપદંડો મુજબનું જ મળી આવ્યું છે અને ક્યાંય પણ 25થી વધુ TPC કે અખાદ્ય તેલનો જથ્થો પકડાયો નથી. દિવ્ય ભાસ્કરની ટીમે પણ વિવિધ વિસ્તારોમાં જઈને સ્ટોલનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેકિંગ કર્યું હતું. સ્થળ પર કરાયેલા નિરીક્ષણમાં તેલની ગુણવત્તામાં કોઈ મોટી ક્ષતિ જણાઈ નહોતી. તહેવારને ધ્યાને રાખી મોટાભાગના વેપારીઓ નિયમિતપણે તેલ બદલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. FSSAIના નિયમ મુજબ વાસી કે વપરાયેલું તેલ અન્ય ખોરાકમાં વાપરવાને બદલે માત્ર સર્ટિફાઇડ એજન્સીઓને ઔદ્યોગિક વપરાશ માટે જ આપવાનું હોય છે.
એકના એક તેલમાં તળેલા ફાફડા ખાવ તો શું થાય?:તેલમાં 25થી વધુ TPCનું પ્રમાણ તબિયત બગાડી શકે, ભાસ્કરે અમદાવાદ, વડોદરા અને સુરતમાં કર્યું રિયાલિટી ચેક
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
