એચ.એ. કોલેજમાં આઝાદી પૂર્વે વક્તવ્ય યોજાયું:પ્રિન્સિપાલ સંજય વકીલે સ્વતંત્રતા સેનાનીઓનું યોગદાન વર્ણવ્યું

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આઝાદી દિનની પૂર્વ સંધ્યાએ એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે ભારતની આઝાદીના ૮૦ વર્ષના સમયગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે ભારતના લોકોની રાષ્ટ્ર પ્રત્યેની સંવેદના, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મને હંમેશા અગ્રેસર ગણાવ્યા હતા. ડૉ. વકીલે આઝાદીના લડવૈયાઓને યાદ કરતા કહ્યું કે લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદ કરવામાં અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા છે. તેમણે મહાત્મા ગાંધીનો સંકલ્પ, સરદાર પટેલની નિડરતા, પંડિત નેહરુની કટિબદ્ધતા, સુભાષચંદ્ર બોઝની નિષ્ઠા, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના જુસ્સા જેવા અનેક લડવૈયાઓના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને આઝાદ ભારતના નાગરિક તરીકે દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને વફાદારી સાથે પ્રમાણિકતાથી ફરજ બજાવવા હાકલ કરી હતી. ડૉ. વકીલે ભારતીય બંધારણ ઘડવામાં ડૉ. આંબેડકરના સિંહફાળા પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં આઝાદીના સંગ્રામમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્રિરંગા પ્રત્યે સંપૂર્ણ સન્માન વ્યક્ત કરાયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. એન.એસ.એસ. કોઓર્ડિનેટર પ્રા. એચ.બી. ચૌધરી અને પ્રા. ચેતન મેવાડાએ કાર્યક્રમનું સંચાલન અને આયોજન કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *