વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં રહેતા 59 વર્ષીય સિનિયર સિટીઝન સાથે સાયબર ઠગાઈ થઈ છે, જેમાં મોબાઇલની ડિસ્પ્લે અચાનક બંધ થઈ ગયા બાદ તેમાં એન્ડ્રોઇડ સિસ્ટમ અપડેટ જેવું લખાણ દેખાયું હતું. આશરે 3 કલાક સુધી મોબાઇલ કામ ન કરતો હતો. મોબાઇલ ચાલુ થયા બાદ તપાસ કરતાં SBI ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું જોવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કપૂરાઇ ચોકડી પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલી સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝને નોધાવેલી ફરિયાદ મુજબ તેઓ પ્રતાપનગર સ્થિત સુરેશ ફાર્મસીમાં નોકરી કરે છે. તેઓ પોતાના મોબાઇલમાં SBI યોનો એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તા.18 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યે તેઓ ઘરે મોબાઇલ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક મોબાઇલની ડિસ્પ્લે બંધ થઈ ગઈ હતી. થોડા સમય બાદ સ્ક્રીન પર અંગ્રેજીમાં એન્ડ્રોઇડ સિસ્ટમ અપડેટ જેવું લખાણ દેખાવા લાગ્યું હતું.
મોબાઇલ બંધ કરવાનો પ્રયાસ કરવા છતાં તે બંધ થયો ન હતો અને 3 કલાક સુધી કોઈ કામગીરી કરી શકાઈ નહોતી. બાદમાં મોબાઇલ સામાન્ય રીતે કાર્યરત થતાં તેમણે SBI2 ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરનો સંપર્ક કરી કાર્ડ બ્લોક કરાવ્યું હતું. યોનો એપ્લિકેશનમાં તપાસ કરતાં રૂ.1 લાખનું ટ્રાન્ઝેક્શન થયેલું હતું. સિનિયર સિટીઝને 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગો વિરુદ્ધ રૂ.1 લાખની સાયબર છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી છે.
એન્ડ્રોઇડ સિસ્ટમ અપડેટના નામે ઠગાઈ:વડોદરાના સિનિયર સિટીઝનનો મોબાઇલ 3 કલાક સુધી હેક કરીને SBI ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા
📅 Published: September 7, 2026 |
📂 Category: gujarati-news
