પેરીસના વર્લ્ડ ફેમસ એફિલ ટાવરને સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો, કારણ કે ત્યાંના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને કામ બંધ કરી દીધું હતું. આ વિરોધ શનિવારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા એક હિન્દુ ધાર્મિક પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ શરૂ થયો હતો. કર્મચારી યુનિયનનો આરોપ છે કે આ ધાર્મિક જૂથના પ્રવાસ દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી દેવામાં આવી હતી અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ભેદભાવપૂર્ણ વલણ અને નિર્દેશો સામે ટાવરના કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ કામગીરી રોકી દેતા પ્રવાસીઓ માટે એફિલ ટાવરને અસ્થાયી રૂપે બંધ કરવાની નોબત આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ પેરિસના આ પ્રખ્યાત સ્થળનું સંચાલન કરતી કંપની SETEએ જણાવ્યું કે તેને ખાસ પરિસ્થિતિઓને કારણે બંધ કરવામાં આવ્યું હતું. આ વિરોધ BAPS હિન્દુ મૂવમેન્ટ સાથે જોડાયેલા લગભગ 100 લોકોની મુલાકાત બાદ થયો હતો, જેમણે વીકએન્ડ પર ફ્રાન્સમાં એક નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. યુનિયનના પ્રતિનિધિ ડાયને ડેવોઇને જણાવ્યું કે શનિવારે આ જૂથની મુલાકાત દરમિયાન ડેલિગેશન પસાર થઈ રહ્યું હતું ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી દેવામાં આવી હતી. એફિલ ટાવરના કર્મચારીઓએ સૂચનાઓની નિંદા કરી એફિલ ટાવરના કર્મચારીઓએ તે વ્યવસાયિક સૂચનાઓની નિંદા કરી, જેના કારણે મહિલા કર્મચારીઓને તેમના લિંગના આધારે હટાવી દેવામાં આવ્યા અને તેમની જગ્યાએ અન્ય લોકોને મૂકવામાં આવ્યા અને તેમની અવગણના કરવામાં આવી. SETEએ સ્વીકાર્યું કે હિન્દુ ડેલિગેશને વિનંતી કરી હતી કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથે વાતચીત ઓછી થાય, પરંતુ સાથે જ એ પણ કહ્યું કે આ શરતો માનવી જોઈતી ન હતી. કોઈપણ તકલીફ કે અગવડતા માટે માફી- BAPS સોમવારે સાંજે એક નિવેદનમાં, પેરિસમાં BAPS હિન્દુ મંદિરે જણાવ્યું કે તેમણે આ સ્થિતિને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને કોઈપણ તકલીફ કે અગવડતા માટે માફી માંગી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા ડેલિગેશનના મોટા કદને ધ્યાનમાં રાખીને, આ મુલાકાત એફિલ ટાવરની ટીમ સાથે મળીને સામાન્ય ખુલવાના સમયની બરાબર શરૂઆતમાં નક્કી કરવામાં આવી હતી, જેથી અન્ય લોકોને કોઈ પરેશાની કે અગવડ ન થાય. અમારી જાણકારી મુજબ, કોઈપણ સમયે કોઈને પણ એફિલ ટાવરમાં જતાં રોકવામાં આવ્યા ન હતા. સાથે જ, એ પણ કહેવામાં આવ્યું કે તેઓ પરસ્પર સન્માન અને સેવાના સાર્વત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. પેરિસના મેયર ઈમેન્યુઅલ ગ્રેગોઇરે ‘X’ પર જણાવ્યું કે તેમને એફિલ ટાવરના કર્મચારીઓ વચ્ચે થયેલા હોબાળા વિશે જાણ છે અને તેમણે આવી શરતો સ્વીકારવાને અસ્વીકાર્ય ગણાવી હતી.
એફિલ ટાવરના દરવાજા પ્રવાસીઓ માટે બંધ!:BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપ; વિવાદ વધતા માંગવી પડી માફી
📅 Published: September 8, 2026 |
📂 Category: International
