એરપોર્ટ રોડ પર વાડીમાંથી પાણીની પાઇપલાઇન અને ફુવારાની ચોરી:કેશોદના એરપોર્ટ રોડ પર વાડીમાં અજાણ્યા તસ્કરો 28,900 રૂપિયાની પાઇપલાઇન અને ફુવારા ચોરી ફરાર, સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી.

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

​કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કેશોદના એરપોર્ટ રોડ પર આવેલી એક વાડીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હોવાની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલી ખેતરવાડીમાંથી અજાણ્યા ચોર ઇસમો મગફળીના પાકને પાણી પાવા માટે પાથરેલી પ્લાસ્ટિકની લાઇન અને ફુવારાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ બનાવ અંગે વાડી માલિકે કેશોદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​કેશોદના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય મિલાપભાઈ રામભાઈ કરમટાના ખેતરમાં આ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોર ઇસમે વાડીની ફરતે આવેલી કંટાળા વનસ્પતિની વાડમાં છીંડું પાડી અંદર પ્રવેશવાનો રસ્તો બનાવ્યો હતો. ત્યારબાદ ખેતરમાં મગફળીના પાકને પાણી પાવા માટે પાથરેલી પ્લાસ્ટિકની લાઇનના 25 નંગ જેની કિંમત 15,000 રૂપિયા, લોખંડ અને પીતળના 9 નંગ ફુવારા જેની કિંમત 13,500 રૂપિયા તથા એક પ્લાસ્ટિકનો ફુવારો જેની કિંમત 400 રૂપિયા મળી કુલ 28,900 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ​તસ્કરો આ તમામ ચોરીનો માલસામાન મિની ટ્રેક્ટરમાં ભરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ખેતરમાંથી સિંચાઈના સાધનોની ચોરી થતા ખેડૂતમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ કેશોદ ટાઉન પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરીમાં સામેલ અજાણ્યા ઈસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *