ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની સામે આવેલી જય સોમનાથ ટી-સ્ટોલના પર માવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં બે શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, હુમલાખોરોએ વેપારી પર છરીથી હુમલો કરી તેમની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા, આ અંગે દુકાનદારે બે શખ્સો સામે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના, રૂવા ગામ ખાતે રહેતા અને એસ.ટી. બસ સ્ટેન્ડમાં ‘જય સોમનાથ ટી-સ્ટોલ’ ચલાવતા ભૌતીકભારથી દીલીપભારથી ગૌસ્વામી ઉ.વ.44 ગતરોજ વહેલી સવારે આશરે સાડા છ વાગ્યે પોતાની દુકાને હાજર હતા અને સાફ-સફાઈ કરી રહ્યા હતા., તે દરમિયાન બે યુવકો દુકાને આવ્યા હતા જે પૈકી સફેદ ટી-શર્ટ પહેરેલા એક યુવકે માવો માંગતા વેપારીએ તેને માવો આપ્યો હતો., યુવકો માવો લઈને બાજુની દુકાને સેન્ડવીચ લેવા ગયા ત્યારે વેપારીએ માવાના પૈસા માંગતા તેઓએ ગુસ્સામાં “આપુ” તેમ કહ્યું હતું. થોડીવાર પછી જ્યારે વેપારી દુકાનની બહાર કચરો વાળી રહ્યા હતા, ત્યારે આ બંને યુવકો બાજુની દુકાનવાળા સાથે બોલાચાલી કરી રહ્યા હતા. વેપારીએ પોતાના માવાના પૈસા માંગતા આરોપીઓએ ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી, બોલાચાલી દરમિયાન સફેદ ટી-શર્ટ પહેરેલા શખ્સે છરી કાઢી વેપારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, વેપારી બચીને રોડ તરફ ભાગવા જતા લથડીને પડી ગયા હતા, આ દરમિયાન હુમલાખોરે પોતાના શારીરિક આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલો કરનાર શખ્સે પોતાનું નામ ટીટો રાઠોડ જશવંત હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેની સાથે રહેલા લાંબા વાળવાળા બીજા શખ્સે વેપારીના ખિસ્સામાંથી ‘રોલા’ કંપનીનો લાઈટ ગ્રીન કલરનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને શર્ટના ખિસ્સામાંથી ત્રણેક હજાર રૂપિયા બળજબરીથી લૂંટી લીધા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ ભાગી છૂટવા માટે બાઇક શરૂ કરાવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. હુમલામાં વેપારીને મોઢાના ભાગે, ડાબી આંખ પાસે, ડાબા ખભા પર, બાવડા પર અને ડાબા હાથની પહેલી આંગળી પર ગંભીર ઈજાઓ કરી હતી, સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડાબા હાથની આંગળીની નસ કપાઈ ગઈ હોવાથી વધુ સારવાર અર્થે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલુ છે, ત્યારે બાદ નીલમબાગ પોલીસ મથકે બંને હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી…
એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પાન-માવા વેચનાર વેપારી પર જીવલેણ હુમલો:માવાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ છરીના ઘા ઝીંકી, રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
