ઓઢવમાં કેસર પંજાબ ઢાબામાં ચાર શખ્સોએ આતંક મચાવ્યો:અંદરો-અંદર ઝઘડી રહેલા શખ્સોને હોટલ માલિકે છોડાવતાં તોડફોડ કરી, માર માર્યો, અન્ય લોકો જમવાનું મૂકી બહાર ભાગ્યા

📅 Published: November 2, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા એસ.પી. રિંગ રોડ પરની કેસર પંજાબ ઢાબા હોટેલમાં પાર્સલ લેવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ શખ્સો અંદરોઅંદર ઝઘડતા હોટેલ માલિકે તેઓને છોડાવ્યા હતા. જોકે, ચારેય શખ્સોએ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી તોડફોડ કરી હતી. જેથી ડરના માર્યા જમવા બેસેલા અન્ય લોકો પણ જમવાનું છોડીને ભાગ્યા હતા. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધીને ચારેયની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. અંદરો-અંદર બોલાચાલી અને ઝઘડો કરતા હતા
​ઓઢવમાં રહેતા પૂનમબેન પંચાલ રિંગરોડ પર કેસર પંજાબ ઢાબા નામની હોટેલનો ધંધો કરે છે. ગત 31 ઓક્ટોમ્બરે તે ઘરે હતા અને તેમનો પુત્ર આશિષ હોટેલ પર હતો. ત્યારે હોટેલ પર પાર્સલ લેવા આવેલા ચાર અજાણ્યા શખ્સો અંદરો-અંદર બોલાચાલી અને ઝઘડો કરતા હતા. જેથી આશીષે વચ્ચે પડીને છૂટા પાડવાનો પ્રયાસ કરતા આ શખ્સોએ તેમની સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ રાત્રે ફરીથી હોટેલ પર આવ્યા હતા અને આશીષને માર માર્યો હતો. આટલું જ નહીં હુમલાખોરોએ રોષે ભરાઈને હોટેલના ટેબલ અને ખુરશીઓ તોડી નાખી હતી. હોટેલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું
આ ઉપરાંત હોટેલમાં રાખેલા છોડના કુંડામાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી ત્યાં જમવા બેસેલા લોકો ભયના કારણે જમવાનું છોડીને ભાગ્યા હતા. બાદમાં તમામ શખ્સો નાસી ગયા હતા. આ અંગે ઓઢવ પીઆઈ પી.એન.ઝીંઝુવાડિયાએ જણાવ્યું કે, ચારેય શખ્સો સામે ગુનો નોંધીને તમામની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *