દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીએ એકલાએ જ વિમાનને ક્રેશ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અહેવાલો અનુસાર, અત્યાર સુધી તેના કોઈ સંગઠન કે સરકાર સાથે જોડાયેલા હોવાની માહિતી મળી નથી. ઇટાલીના અખબાર કોરિએરે ડેલા સેરાના અહેવાલ મુજબ, હમામીની યોજના કેપ્ટન સ્મિતની હત્યા કરીને વિમાનને તેલ અવિવમાં આવેલી કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની હતી. તેણે કોકપિટમાં નમાજ પઢવાનું બહાનું બનાવીને કેપ્ટન પર કુહાડીથી હુમલો કર્યો હતો. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તેની પ્રથમ યોજના નિષ્ફળ થવા લાગી, ત્યારે તેણે વિમાનને રણમાં તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ઓટોપાઇલટ બંધ કરી દીધો, જેના કારણે વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું. તપાસકર્તાઓને શંકા છે કે હમામીએ વિમાનના બંને એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા બાદ કોકપિટમાં પહોંચ્યો મુસાફર રિપોર્ટ મુજબ, હમામીએ નજામ દરમિયાન ઇમરજન્સી માટે રાખેલી ક્રેશ એક્સ એટલે કે કુહાડી કાઢી અને પાછળથી કેપ્ટન સ્મિત પર વાર કરવા લાગ્યો. શરૂઆતમાં સ્મિતને લાગ્યું કે વિમાનનો કોઈ ભાગ તેમના માથા સાથે અથડાયો છે, પરંતુ સતત વાર થતાં તેમને સમજાયું કે તેમના પર હુમલો થઈ રહ્યો છે. હુમલામાં કેપ્ટન સ્મિતના માથા પર ગંભીર ઈજા થઈ અને તેમના હાથ પર પણ ઊંડી ઈજા થઈ. ઘણું લોહી વહી રહ્યું હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ હમામીએ દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ સ્મિતે તેની સાથે ઝપાઝપી કરતાં ફરીથી દરવાજો ખોલ્યો. કોકપિટમાંથી અવાજો સાંભળીને તાલી બર્કોવિચ નામની એક મહિલાએ લોકોને તેની જાણકારી આપી. ત્યારબાદ અનેક મુસાફરો અને ફરજ પર ન હોય તેવા બે પાઇલટ કોકપિટમાં પહોંચ્યા. તેમણે કેપ્ટન સ્મિતને ગંભીર હાલતમાં જોયા અને કો-પાઇલટ હમામીને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. વિમાનની ઝડપ 970 કિમી પ્રતિ કલાકથી વધુ પહોંચી રિપોર્ટ મુજબ, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિમાન ઝડપથી જમીન તરફ નીચે આવી રહ્યું હતું. તેની ઝડપ 970 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ પહોંચી ગઈ હતી. આ દરમિયાન વિમાનનું પાછળનું રડાર નુકસાનગ્રસ્ત થઈ ગયું અને કો-પાઇલટ હમામીએ કંટ્રોલને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વ્યવસાયે પ્લમ્બર યાનિવ હયૂને કંટ્રોલ સ્ટિક પોતાની તરફ ખેંચી, જેના કારણે વિમાનનું ઝડપથી નીચે જવું અટકી ગયું. ત્યારબાદ બે ફરજ પર ન હોય તેવા પાઇલટોએ કોકપિટનો કંટ્રોલ સંભાળ્યો અને વિમાનને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો. ફ્લાઇટ FZ1073માં 174 લોકો સવાર હતા. હુમલા દરમિયાન વિમાને ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા અને તે લગભગ 34 હજાર ફૂટની ઊંચાઈથી 17 હજાર ફૂટથી પણ વધુ નીચે આવી ગયું હતું. બાદમાં મુસાફરો અને ક્રૂની મદદથી વિમાનનો કંટ્રોલ સંભાળવામાં આવ્યો. સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ સાઉદી અરેબિયાના એર ટ્રાફિક કન્ટ્રોલરોએ વિમાનને પાછું વાળવા કહ્યું. ત્યારબાદ ફ્લાઇટને તાબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા. પાઇલટોએ વિમાનને સુરક્ષિત રીતે ઉતાર્યું. લેન્ડિંગ બાદ ઘાયલ કેપ્ટન સ્મિતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે હમામ અલ-હમામીને સાઉદી અધિકારીઓને સોંપવામાં આવ્યા. ઇમરજન્સી લાઇટ ચાલુ થવાથી એન્જિનની તપાસ ઘટનાના કેટલાક વીડિયોમાં વિમાનની ઇમરજન્સી લાઇટ્સ ચાલુ જોવા મળી હતી. રિપોર્ટ મુજબ, તેના કારણે વિમાનની મુખ્ય વીજળી સપ્લાય બંધ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. આવી સ્થિતિમાં વિમાન બેટરી પાવર પર આવી શકે છે. તપાસકર્તાઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે કો-પાઇલટ હમામીએ એન્જિન સુધી ઇંધણ પહોંચાડતા સ્વિચને ‘રન’ પરથી ‘કટઓફ’ પર કર્યો હતો કે નહીં. બાદમાં બંને ઓફ-ડ્યુટી પાઇલટોએ વિમાનને સામાન્ય સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો. અહેવાલ મુજબ, વિમાનના એન્જિનને ફરી શરૂ કરવાની સ્થિતિ બની ગઈ હતી. અનેક દેશોની એજન્સીઓ કરી રહી છે તપાસ યુએઈ, ઇઝરાયલ અને સાઉદી અરેબિયાની એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. યુએઈએ કહ્યું છે કે તપાસમાં કો-પાઇલટે આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ સંગઠન અથવા સરકાર સાથે તેના સંબંધોની જાણ થઈ નથી. જોકે ઓમાની કો-પાઇલટ હમામ અલ-હમામીએ ગુનો કબૂલી લીધો છે. તેણે તપાસકર્તાઓ સમક્ષ ખુલાસો કર્યો કે તે વિમાનને ક્રેશ કરાવવા માંગતો હતો. તેને મૃત્યુનો કોઈ ડર નથી. ઓસ્ટ્રેલિયા અને ઓમાન સાથે જોડાયેલા રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, હામામીને તેના કટ્ટરપંથી વિચારોને કારણે અગાઉ ઓમાનમાં ઉડાન ભરતા રોકવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ પણ ઓસ્ટ્રેલિયા સાથેના તેના સંબંધોની તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, હામામી 2015થી 2017 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થી હતો. તેને 2014માં સ્ટુડન્ટ વિઝા મળ્યો હતો, જે 2019માં રદ કરવામાં આવ્યો હતો. ABC અનુસાર, વિઝા ચારિત્ર્ય સંબંધિત કારણોસર નહીં, પરંતુ અભ્યાસક્રમમાં પ્રવેશ પૂર્ણ થવાને કારણે રદ કરવામાં આવ્યો હતો.
ઓમાની પાઇલટે એકલાએ રચ્યું હતું પ્લેન ક્રેશ કરવાનું કાવતરું:9/11ની જેમ વિમાનને બિલ્ડિંગ સાથે અથડાવવાનું હતું, એન્જિન બંધ કરવાની પણ શંકા; રિપોર્ટમાં દાવો
📅 Published: October 5, 2026 |
📂 Category: International
