સુરતમાં વધુ એક રાજકીય પદાધિકારીના નબીરાનો બેફામ આતંક સામે આવ્યો છે. ઓલપાડ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ નીરિક્ષા અતુલ રાઠોડના પુત્ર યશ રાઠોડે દારૂના નશામાં ચૂર થઈને પૂરઝડપે કાર હંકારી રસ્તા પર ઊભેલા 10થી વધુ વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. સામાન્ય જનતાને કાયદો અને ન્યાય અપાવવાની જવાબદારી ધરાવતા હોદ્દેદારના પુત્રે જ નશાની હાલતમાં કાયદાના લીરેલીરા ઉડાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અકસ્માત સર્જી નાસવાનો પ્રયાસ કરી રહેલા આરોપીને સ્થાનિક રહીશોએ સ્થળ પર જ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. દિવાળીની ખરીદી વચ્ચે પાલનપુર પાટિયા પર બે કાર વચ્ચે રેસિંગ
આ સમગ્ર ઘટના સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી પુષ્પક સોસાયટી નજીક મોડી રાત્રે બની હતી. હાલ દિવાળીનો તહેવાર હોવાથી મુખ્ય માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ભરચક માર્ગ પર કાળા કાચવાળી શંકાસ્પદ સ્કોર્પિયો/બોલેરો અને અન્ય એક કાર વચ્ચે જોખમી રેસિંગ ચાલી રહી હતી. બેફામ ગતિએ દોડતી આ ગાડીઓએ જોતજોતામાં રસ્તા કિનારે ઊભેલા વાહનોને અડફેટે લેવાનું શરૂ કરતાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચશ્મદીદનો ખુલાસો: ‘80 થી 100ની સ્પીડે રેસિંગ કરતા હતા, બંને નશામાં હોવાનું લાગતું હતું’
ઘટના નજરે જોનાર પુષ્પક સોસાયટીના પ્રમુખ રણછોડભાઈ પ્રજાપતિએ ચોંકાવનારી વિગતો આપતાં જણાવ્યું હતું કે, “લગભગ 10:30 થી 11:00 વાગ્યાના રાત્રિના સમયે બે કાર—વ્હાઇટ કલરની વર્ના જેવી હતી અને બોલેરો બ્લેક કલરની, જેના કાચ ઉપર કાળા કલરની ફિલ્મ લાગેલી હતી. એ લોકો રેસિંગ કરતા હોય તેમ એકબીજાની પાછળ દોડતા હતા. આગળ સ્પીડબ્રેકર પર ટ્રકે બ્રેક મારતાં એક કાર પાછળ ઘૂસી ગઈ અને બીજી બોલેરો કલરની કારે લગભગ 10 થી 15 વ્હીકલને અડફેટે લીધાં. ગાડીઓની સ્પીડ લગભગ 80 થી 100ની હશે અને બંને જણા નશામાં હોય તેવું સ્પષ્ટ જણાતું હતું.” સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ 40 મીટર સુધી પાર્ક કરેલા વાહનો ફંગોળાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા. 40 કિમી દૂરથી સુરત આવી મિત્રના ઘરે દારૂ ઢીંચ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે ઓલપાડથી અંદાજે 40 કિલોમીટર દૂર સુરત પોતાના મિત્રને મળવા માટે આવ્યો હતો. સુરત આવીને મિત્રના ઘરે બંનેએ દારૂની મહેફિલ માણી હતી. દારૂના નશામાં ધૂત થયા બાદ બંને મિત્રો કાર લઈને રોડ પર નીકળી પડ્યા હતા અને પાલનપુર પાટિયા જેવા ગીચ વિસ્તારમાં રેસ લગાવી અન્ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. CCTV ફૂટેજ સામે આવ્યા, પોલીસે ગુનો નોંધી જેલભેગો કર્યો
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ યશ રાઠોડને પકડી પોલીસને સોંપ્યો હતો. આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે, જેમાં કાર વાહનોને ઉડાવતી સ્પષ્ટ નજરે પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી પ્રોહિબિશન તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી આરોપી યશ રાઠોડની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓલપાડ ન્યાય સમિતિ અધ્યક્ષના પુત્રએ દારૂના નશામાં 15 વાહનો ઉડાવ્યા:40 કિમી દૂરથી સુરત આવી મિત્ર સાથે દારૂ પીધો, પછી કાર રેસિંગ કરી; નજરે જોનારે-ચશ્મદીદે કહ્યું- '100ની સ્પીડ હતી'
📅 Published: October 29, 2026 |
📂 Category: gujarati-news
