સાંધીએર : ઓલપાડ પોલીસે સાયણ ટાઉનમાં ભાડેના મકાનમાં રહેતા ઉત્તરપ્રદેશના શખ્સને રૂ.98,600 ની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપીઓલપાડ કોર્ટમાંથી 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ગાંજાના વેપલાના મુળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.
ગત બુધવાર,તા.30 ના રોજ ઓલપાડ પોલીસ ઇન્સ્પેકટર સી.આર.જાદવને મોડી સાંજે બાતમી મળી હતી કે,સાયણ ગામે મોટા હળપતિ વાસના જલારામ ફળીયામાં રહેતી ટીનુ મનહરભાઇ રાઠોડના મકાનમાં ભાડેથી રહેતો મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના ફ્તેહપુર જિલ્લાનો રામેશ્વર સિયમ્બર વિશ્વકર્મા(ઉ.વ.36)એ તેના મળતીયાઓ દ્વારા સુરતથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મંગાવ્યો છે અને તે ગાંજો છુપી રીતે સંગ્રહ કરી છુટકમાં વેચાણ કરી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસે રેડ કરતાં મકાનમાં છુપાવેલા 1.972 કિલોગ્રામ વજનનો ગાંજાના જથ્થો,જેની કિંમત 98,600 સાથે આરોપી ઝડપાઈ ગયો હતો.પોલીસે ગાંજાના જથ્થો કબજે લઈ આરોપીની અંગઝડતીથી મળેલ રોકડા રૂ.1,670,મોબાઈલ નંગ-01,જેની કિંમત રૂ.3,000 મળી કુલ રૂ.1,03,270 નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ એકટ મુજબની કલમ હેઠળ ગુનો નોંધી ઓલપાડ કોર્ટમાં 7 દિવસના પોલીસ રિમાન્ડ માટે રજુ કર્યો હતો.પરંતુ કોર્ટે આરોપીના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કરતાં પોલીસે આરોપીની પૂછપરછ દ્વારા ગાંજાના જથ્થાના વેપલાના મુળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
