કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે મરીન કમાન્ડોએ ખાસ ચેકિંગ અને પેટ્રોલિંગ કર્યું હતું. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારી વધારવાના ભાગરૂપે આ ડ્રાઈવ યોજાઈ હતી. જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડોની ટીમોએ દરિયાઈ પટ્ટીમાં સઘન તપાસ કરી હતી. ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે. DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ જખૌ સેક્ટરની મરીન કમાન્ડો ટીમે જખૌ બંદરથી મોહાડી, નિમલી વાંઢ, કેરવાંઢ અને કોશા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું. સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના ગણાતા અલગ-અલગ વિસ્તારોમાં કમાન્ડોની ટીમો તહેનાત કરીને દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં અવરજવર અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે પણ સુરક્ષા અંગે વાતચીત કરવામાં આવી હતી. માછીમારોને સૂચના અપાઈ હતી કે જો તેમને દરિયામાં કોઈ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓ અથવા બોટ દેખાય, તો તરત જ સુરક્ષા તંત્રને જાણ કરે. દરિયાઈ માર્ગે થતી કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ પર નજર રાખવા અને આસપાસના વિસ્તારોમાં સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને એસ.પી. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ રાજ્યના જુદા જુદા દરિયાઈ વિસ્તારોમાં આ ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે. કચ્છનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. આવી સ્થિતિમાં મરીન કમાન્ડોનું સતત પેટ્રોલિંગ, સ્થાનિક માછીમારો સાથે તાલમેલ અને શંકાસ્પદ હિલચાલ સામે સતર્કતા દરિયાઈ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન પેટ્રોલિંગ કર્યું:જખૌ બંદરથી કોશા સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ
📅 Published: September 3, 2026 |
📂 Category: gujarati-news
