પૂર્વ ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ માર્ટિનને 22 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં મોટી રાહત મળી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-1ની અદાલતે કબુતરબાજીના કેસમાં તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2004થી પેન્ડિંગ રહેલા આ ચર્ચાસ્પદ ફોજદારી કેસનો હવે અંત આવ્યો છે. દિલ્હીના IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જેકોબ માર્ટિન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 468, 471 અને 120બી ઉપરાંત પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધાયો હતો. કેસમાં કથિત રીતે મુસાફરીની વ્યવસ્થા તથા બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ સંબંધિત આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન અદાલતે રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની વિસ્તૃત તપાસ કરી હતી. કોર્ટના અવલોકન મુજબ, પ્રોસિક્યુશન જેકબ માર્ટિન વિરુદ્ધના આરોપોને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. અદાલતને એવો કોઈ વિશ્વસનીય પુરાવો મળ્યો નહોતો કે જેકોબ માર્ટિનનો કથિત નાણાકીય વ્યવહારો, અજવા સ્પોર્ટ્સ ક્લબના સંચાલન અથવા બનાવટી ઇમિગ્રેશન સ્ટેમ્પની વ્યવસ્થા સાથે સીધો સંબંધ હતો. કેસ દરમિયાન રજૂ થયેલા કેટલાક જાહેર સાક્ષીઓ પણ પ્રોસિક્યુશનના દાવાઓને સમર્થન આપી શક્યા નહોતા. કેટલાક સાક્ષીઓ પોતાના અગાઉના નિવેદનોથી ફરી ગયા હતા, જ્યારે લાંબા સમયના અંતરને કારણે કેટલાક સાક્ષીઓ જેકબ માર્ટિનને ઓળખવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રોસિક્યુશન આરોપોને શંકાથી પર સાબિત કરી શક્યું નથી. પરિણામે, જેકબ માર્ટિનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ચુકાદા સાથે 22 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી કાનૂની કસોટીનો અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં નિર્દોષ છૂટકારો મળતા જેકબ માર્ટિનને મોટી કાનૂની રાહત મળી છે. શું હતો કેસ વર્ષ 2004માં જેકોબ માર્ટિન કબુતરબાજીનો કેસ થયો હતો. તેમણે કેટલાક લોકોને વિદેશ મોકલ્યા હતા. દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પોલીસે એક મુસાફરને નકલી પાસપોર્ટ સાથે પકડ્યો હતો. પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સે ખુલાસો કર્યો કે, જેકોબ માર્ટિને અન્ય એજન્ટોની સાથે મળીને વડોદરાની ‘અજવા સ્પોર્ટ્સ ક્લબ’ નામે એક નકલી ક્રિકેટ ટીમ બનાવી હતી. ક્રિકેટ રમવાના બહાને અથવા ખેલાડીઓ તરીકે ખોટી ઓળખ આપીને યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જેકોબ માર્ટિનની ધરપકડ કરી હતી. બાદમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. આ કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા છે.
કબુતરબાજીના કેસમાં પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ માર્ટિન નિર્દોષ જાહેર:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ-1નો ચૂકાદો, 22 વર્ષની કાનૂની લડાઈનો અંત આવ્યો
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
