કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

📅 Published: October 12, 2026 | 📂 Category: Nari

ભલભલા યુવાન ખેલૈયાઓ થાકીને લોથપોથ થઇ ગયા, પણ એક પ્રૌઢ યુગલ થાક્યું ન હતું. એમનો થનગનાટ જોઈ ઓર્કેસ્ટ્રાના ગાયકો એક પછી એક ગરબા સતત મૂકતા રહ્યા હતા. જોનારા બધા સ્તબ્ધતાથી જોઇ ઝૂમી રહ્યા હતા. આ યુગલ પૈકી માધવને સૌ જાણતા હતા. એ આ ગરબા ગ્રૂપના આયોજકો પૈકીનો એક હતો. દર વર્ષે અનોખા પ્રકારે થતા આયોજન પાછળ એના આઇડિયા રહેતા. બધા એને માધવ અંકલ કહીને જ બોલાવતા. એ નવરાત્રી ગરબા આયોજન માટે જાણીતા હતા. એમના ત્રણેક મિત્ર આયોજકોમાં હતા, પરંતુ બધો ભાર માધવ પર જ હતો. એના ગરબા આયોજન ગ્રૂપનું નામ વૃંદાવન પણ એણે જ રાખ્યું હતું. પંદરેક વર્ષ થઇ ગયા છતાં અડીખમ હતું. નવરાત્રીની તમામ રાતે માધવ ટ્રેડિશનલ ભરવાડા ડ્રેસમાં સજ્જ થઇને ગરબે ઘૂમતો. આશ્ચર્યની વાત એ હતી કે એ કોઈ સાથે પેર બનાવતો નહીં. એ એકલો જ ઘૂમતો. એ એવી રીતે ઘૂમતો કે જાણે તેની સાથે કોઈ સાથીદાર હોય. આ આયોજનમાં સૌથી મોંઘાં ઇનામો રખાતાં. જોરદાર ગરબા રમાડવા એ જ ધ્યેય રહેતું. આજે અચાનક માધવ એક મહિલા સાથે જોડ બનાવતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. એ મહિલા પણ અસ્સલ ભરવાડા ડ્રેસમાં સજ્જ થઇને આવી હતી. માધવ અંકલ અને તે મહિલા જે રીતે ગરબે ઘૂમી રહ્યાં હતાં તે જ દર્શાવતા હતા કે બંને નીવડેલાં જૂનાં ખેલૈયા છે. હકીકત પણ એવી હતી. આખરે આયોજકોએ જ મધરાત વીતતા સરકારી નીતિ-નિયમોને આધીન ગરબા મ્યુઝિક બંધ કરતાં માધવ અંકલ અને પેલી મહિલા એકબીજાને વળગી મેદાન પર ઢળી પડ્યાં. બંને ખૂબ જ થાકી ગયાં હતાં છતાં ચહેરા પર આનંદ અને થનગનાટ જોવા મળતો હતો. માધવે તે મહિલાનો ગાલ ખેંચતાં કહ્યું, એય સુદેવી તું ક્યારે આવી? મને જણાવ્યું પણ નહીં? અહીં વર્ષોથી તારી રાહ 

જોતો હતો.  

હા માધવ, મને ખબર છે. મારે તો તને સરપ્રાઈઝ આપવી હતી. મને સો ટકા ખાતરી હતી કે તું આ ખેલૈયા મેદાનમાં જ હોવાનો. આ ઝાકમઝોળ જોઈ હું તો સ્તબ્ધ થઇ ગઇ હતી. મેં પાસ લઈ અંદર એન્ટ્રી કરી ગરબા ખેલનારાઓ પર દૃષ્ટિ કરી તો તું એકલો એકલો રમતો નજરે પડતાં જ દોડી આવી. તેં પણ કશું પૂછ્યા વિના જ જોડી જમાવી દીધી.  

સુદેવી, મને ખાતરી હતી કે ગમે ત્યારે તું અહીં ગરબે ઘૂમવા આવીશ જ અને તું આવી. મારો જન્મારો સફળ થયો.પણ હું તને ખૂબ મિસ કરું છું, માધવે કહ્યું. શું શું? સુદેવીએ બેઠા થતાં નિસાસો નાંખ્યો.  

માધવ સુદેવીને સ્ટેજ પર ખેંચી ગયો. ત્યાં મિત્રો અને ગાયકવૃંદ સાથે સુદેવીની ઓળખાણ કરાવી. આયોજક મિત્રો તો સુદેવીને જાણતા હતાં એટલે બહુ ખુશ થઇ ગયાં. આ આયોજન માધવે તેના ખાતર તેની યાદીમાં કર્યું હોવાનું પણ કહ્યું. ગરબા મહોત્સવ મેદાનમાં બધી કામગીરી પૂર્ણ થયા બાદ માધવ અને સુદેવી નજીકમાં જ આવેલા ગાર્ડન પાસેની નદીકિનારાની બેઠક પર જઈ બેઠાં. કોલેજમાં પ્રવેશ સાથે જ યોજાયેલી ગરબા સ્પર્ધામાં બંનેએ ભાગ લીધો હતો અને ગર્લ્સમાં સુદેવી અને બોય્ઝમાં માધવ પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ યુગલ રાસગરબામાં તે બંનેએ જોડી બનાવી અને પ્રથમ ઇનામ જીતી લીધું હતું. ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા એવી બંધાઈ ગઈ કે સાથે ને સાથે જ ફરતાં. નવરાત્રીના થોડા મહિના અગાઉથી જ ગરબા પ્રેક્ટિસ ચાલુ કરી દેતાં. માધવ રોજ પોતાની બાઈક પર સુદેવીને લઈ આવતો અને મૂકી આવતો. નવરાત્રીમાં તેઓની કોલેજ નજીક જ એક પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થતું. તેમાં તેઓ જતાં અને ઇનામો જીતવા માંડ્યાં. તેઓ બંને સિંગલમાં અને પેરમાં ઇનામો જીતતાં. ગિફ્ટ્સનો ઢગલો થતો. એક સમય એવો આવ્યો કે ઘણા ખેલૈયા પ્લોટમાં આવતા જ નહીં, કારણ કે બધા જાણતા હતા કે માધવ અને સુદેવીની સામે ટકવું શક્ય જ ન હતું. તે બનેને પણ ખબર નહોતી પડતી કે તે બંનેમાં આટલો બધો ઉત્સાહ, શક્તિ ક્યાંથી આવતાં હતાં. ત્રણેક વર્ષ બાદ નવરાત્રીના છેલ્લા દિવસે ગરબા પૂરા થયા બાદ બંને તેઓની ખાસ બેઠક પર જઇ બેઠાં ત્યારે સુદેવીએ માધવનો હાથ પોતાના હાથમાં લેતાં રૂંધાતા અવાજે કહ્યું હતું કે, માધવ, હવે આપણે મળી શકીશું નહીં. મારી સગાઈ નક્કી થઇ ગઇ છે અને હું ધારું તોય તે અટકાવી શકું એમ નથી. મારા પપ્પાના મુંબઈમાં રહેતા ખાસ મિત્ર મનસુખલાલના પુત્ર રોશન સાથે મારી સગાઈ થવાની છે. મનસુખલાલના ઉપકાર તળે મારા પિતા એટલા બધા દબાયેલા છે કે તેઓ ના પાડી શકે એમ નથી. મારા પિતાએ કાપડના ધંધામાં મોટી ખોટ ખાધી અને દેવાદારોનું ખૂબ જ દબાણ વધ્યું, ત્યારે મનસુખલાલ અંકલે પોતે જ સુરત આવી બધું જ દેવું પોતે ભરપાઈ કરી દીધું હતું. બંને કોલેજકાળથી મિત્રો હતા. તેમણે ક્યારેય તેની ઉઘરાણી કરી નહીં અને મારા પિતાને એટલું કહ્યું કે તારે જો મારું ઋણ ચૂકવવું જ હોય તો મારા સી.એ. થયેલા પુત્ર રોશન સાથે તારી પુત્રી સુદેવીનાં લગ્ન કરાવી આપ! મારાં પિતા અને મમ્મી એટલાં ખુશ થઇ ગયાં કે કોઈ મોટો જેકપોટ લાગ્યો હોય. બસ, હવે એકાદ માસમાં સગાઈ અને લગ્ન ગોઠવાવાનાં છે.  

તારી સાથે ભાગીને લગ્ન કરવાનો અને તે યોગ્ય ન લાગતાં મને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તેથી મારા પિતાની મુશ્કેલીઓ ઔર વધી જાય એટલે મેં કમને પણ હા પાડી દીધી છે, એટલું કહેતાં જ એ ધ્રૂસકે ચઢી અને માધવને વળગી પડી. માધવે એને માંડ માંડ છાની રાખી. એને પ્રેમની દુહાઇ આપી. પ્રેમ તો આત્મીય મિલન હોવાનું સમજાવ્યું. ક્યારેક ઇશ્વર મિલાપ કરાવશે જ એવી આશા સાથે બંને છૂટાં પડ્યાં બાદ આજે મળી રહ્યાં હતાં. સુદેવીને દાંપત્યજીવન કેમ ચાલે છે? એમ પૂછતાં સુદેવીએ પોતાનો હાથ માધવના ગળે ભેરવતાં કહ્યું, માધવ, હવે હું સાસરે જવાની નથી. તું રાખીશ તો તારી સાથે રહીશ અને નહીં તો પિયરમાં જ રહીશ, પરંતુ સાસરે નહીં જાઉં! રોશન તો સાવ મવાલી જેવો નીકળ્યો છે. અહીં કેટલીક યુવતીઓ સાથે રિલેશન રાખતો હતો અને પછી ધંધા માટે યુએસએ જઈને ત્યાં જ કોઈ ગોરી યુવતી સાથે મેરેજ કરીને રહેવા માંડ્યો છે. એણે જ મને સામેથી ફોન કરી બધી વાત કરી અને કહ્યું કે હવે તું છૂટી. તારે જે કરવું હોય તે કરજે, પણ હું ત્યાં નથી આવવાનો કે તને નથી લઈ જવાનો. સસરા મનસુખલાલ અંકલે મને અઢળક સંપત્તિની માલિક બનાવી કહ્યું છે કે તારે જે કરવું હોય તે કર. અમે તારી સાથે જ છીએ. બીજા મેરેજ કરી લે એવું ઈચ્છીએ છીએ.  

તેમણે આ વાત કરતાં જ નવરાત્રી આવતાં હું તારી આશાએ અહીં આવી અને તું મળી ગયો. આપણે કુમકુમનાં પગલાંથી શરૂ કરી છેલ્લે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો સુધીના ગરબામાં રસતરબોળ થઇ ગયાં. ખૂબ મજા આવી. બોલ, તું હવે મને લઇ જવાનો છે કે…  

જવાબમાં માધવે તેને આલિંગનમાં લેતાં કહ્યું, હવે તું મારી રાધા અને હું તારો કાન.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *