કાપડ ઇન્ડસ્ટ્રીમાં હડતાળનું સંકટ:હોજીવાલામાં કારખાનાં બંધ કરાવતા તત્વોને પોલીસે ભગાડ્યા

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

દિવાળી પર્વના પીક પ્રોડક્શન ટાણે સુરતના ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી હબમાં શ્રમિકોના આંદોલનને પગલે ઉદ્યોગ જગતમાં ભારે અજંપો ફેલાયો છે. સોમવારે સવારે સચિન નજીક હોજીવાલા એસ્ટેટમાં કારખાના બળજબરીથી બંધ કરાવવા પહોંચેલા અસામાજિક તત્વોને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ભગાડી મૂક્યા હતા. બીજી તરફ, અમરોલી સહિતના વિસ્તારોમાં 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તહેનાત કરી સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ વાયરલ કરનારા 24 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અગ્રણી ઉદ્યોગકાર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું કે, વિસ્તાર પ્રમાણે 25-50 ઉદ્યોગકારો અને તેટલા જ કારીગરોની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવે તો જ સાચી હકીકત સામે આવશે. સમસ્યા નિવારવા પોલીસ કારીગરો સાથે સંવાદ પણ કરી રહી છે
સવારે સચિન સ્થિત હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે કેટલાક અસામાજિક તત્વો અને શ્રમિકોના જૂથો કારખાનાઓ બળજબરીપૂર્વક બંધ કરાવવાના ઈરાદે પહોંચ્યા હતા. માહિતી મળતાં જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમો તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનારાઓને સખતાઈથી ભગાડી મૂકી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉદ્યોગકારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શખ્સો યુનિટ બંધ કરાવવા દબાણ કરે તો જાતે ઘર્ષણમાં ઉતર્યા વિના સીધો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. એસઓજી, પીસીબી, હેડ ક્વાર્ટરના જવાનો મેદાનમાં
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે SOG, પીસીબી, પોલીસ હેડક્વાર્ટર અને સ્થાનિક પોલીસ મથક મળીને કુલ 200થી વધુ સશસ્ત્ર પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. આ ઉપરાંત વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કામદારોને ઉશ્કેરતા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનારા 24 જેટલા અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આદ્યોગિક વિસ્તારમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે : કમિશનર
છેલ્લા 3થી 4 દિવસથી ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી યુનિટો ધરાવતા તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ યુનિટ સંચાલકો અને કારીગરો સાથે સતત જીવંત સંપર્કમાં રહે. ખાસ કરીને લસકાણા, સારોલી, ગોડાદરા, ઉધના, પાંડેસરા, ખટોદરા, કતારગામ અને અમરોલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ તમામ પોઈન્ટ્સ પર ટાઈમ-ટુ-ટાઈમ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના કડક નિર્દેશ આપી દેવાયા છે. > વાબાંગ ઝમીર, ઈન્ચાર્જ પોલીસ કમિશનર, સુરત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *