કાફેમાંથી કર્મચારી જ ₹80 હજાર ચોરી રફુચક્કર, CCTV:ચોરી કર્યાં બાદ ચલણી નોટો પણ ગણી, ઉમરા વિસ્તારમાં બની ઘટના

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના પોશ ગણાતા ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં‘Cafe de meet’માં કામ કરતા એક કર્મચારીએ જ કાફેના ગલ્લામાંથી ₹80,000 રોકડની ચોરી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી છે. કાફે સંચાલકોએ જેના પર ભરોસો મૂકીને રોજિંદો વહીવટ સોંપ્યો હતો, તે જ કર્મચારીએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર કરતૂત કાફેના CCTVમાં કેદ થઈ હતી. જેમાં આરોપી બિન્ધાસ્તપણે રૂપિયાની નોટ ગણતો સ્પષ્ટપણે નજરે પડે છે. પ્રિન્સ માર્ચ મહિનામાં કાફેમાં નોકરીએ લાગ્યો હતો
આ કાફેમાં માર્ચ,2026થી પ્રિન્સ કુમાર સુરેશ સિંહ (મૂળ રહે: ભોજપુર, બિહાર) નોકરી કરી રહ્યો હતો. માલિકનો વિશ્વાસ કેળવી લીધા બાદ તેણે તક મળતાં જ હાથફેરો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 14 ઓગસ્ટના રોજ મોડી રાત્રે આશરે 2:10 વાગ્યાની આસપાસ જ્યારે કાફે બંધ હતું અને ચારેય તરફ સન્નાટો હતો, ત્યારે આરોપી પ્રિન્સ કુમારે કાફેના કાઉન્ટર પર જઈ ગલ્લામાંથી રોકડા ₹80,000 કાઢી લીધા હતા અને શાંતિથી નોટ ગણીને પલાયન થઈ ગયો હતો. ગલ્લામાં 80 હજાર કાઢીને નોટ ગણતો CCTVમાં કેદ
સવારે જ્યારે સંચાલકો કાફે પર પહોંચ્યા અને હિસાબ-કિતાબમાં ગલ્લામાંથી મોટી રકમ ગાયબ જણાઈ ત્યારે ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. કાફે સ્ટાફમાંથી પ્રિન્સ કુમાર ગેરહાજર જણાતાં શંકા વધુ ઘેરી બની હતી. તાત્કાલિક CCTV ફૂટેજ તપાસવામાં આવતા પ્રિન્સ કુમારની સમગ્ર કરતૂત સામે આવી ગઈ હતી. આરોપી કર્મચારી રાતોરાત રોકડ રકમ સમેટીને ફરાર થઈ ગયો હોવાનું સ્પષ્ટ થતાં કાફે સંચાલકો તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ
આ મામલે કાફે સંચાલકો દ્વારા ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. CCTV ફૂટેજના મજબૂત પુરાવાના આધારે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી વતન બિહાર ભાગી જાય તે પહેલાં તેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *