આપણે કાળાં મરીનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરીએ છીએ. ઘણી વખત પેટમાં ગેસ થયો હોય ત્યારે સોડામાં કાળાં મરીનો ભૂકો તથા સંચળ નાંખીને પીવામાં આવે છે. તેનાથી પેટમાં રાહત થાય છે. ઘણી વખત દહીં સાથે, સંચળ અને કાળાં મરીનો ભુક્કો નાખી ઉપયોગમાં લેવામાં આવે છે. કાળા મરી આપણા પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે.
ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે મરી ગરમ પડે છે, તેથી તેઓ બિલકુલ ઉપયોગ કરતા નથી, પરંતુ તેવું નથી. કાળાં મરીનો થોડા પ્રમાણમાં ઉપયોગ સમજપૂર્વક કરવાથી તેના ફાયદાઓ મેળવી શકાય છે. આયુર્વેદની દૃષ્ટિએ મરી તીખા, સ્વાદમાં જીભ પર ચચરે તેવા, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે તેવા કહ્યા છે. તે વાયુને હરનાર, મળ સાફ લાવનાર છે. તે ગરમ હોવાથી થોડા પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી છે. લીંબુ સાથે તે ખાવાથી ભૂખ લગાડે છે, પાચનશક્તિ સુધારે છે, ચરબીને ઓગાળે છે. તે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ ધરાવે છે. તે શરીરનો કચરો બહાર કાઢે છે. આંતરડાના જંતુઓનો નાશ કરે છે. તે કૃમિનાશક છે. ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે.
દાંત માટે ખૂબ જ સારા છે. એક કે બે મરી ચાવીને ખાવાથી દાંત મજબૂત થાય છે. દાંતનો દુખાવો થતો નથી. મરીનો ભુક્કો મધ સાથે લેવાથી તે કફને તોડે છે, તેથી કફવાળાને ઉપયોગી થાય છે. તે કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે. ચામડીના રોગમાં તે ઉપયોગી છે. દાદર ખુજલી વગેરેમાં ઘી સાથે મરીનો ભુક્કો મિક્સ કરી પેસ્ટ બનાવી લગાડવાથી ફાયદો થાય છે. વાળ માટે તે ખૂબ જ સારા છે. વાળમાં ખોડો દૂર કરે છે. ૧૦ ગ્રામ મરી અને ૧૦૦ ગ્રામ કોપરેલ તેલ સાથે ઉકાળીને માથામાં માલિશ કરવાથી ફાયદો થાય છે. તે ઉપરાંત વાળનો વિકાસ કરે છે. વાળનો ગ્રોથ વધારે છે. જે લોકોને મરીની એલર્જી હોય તેણે ઉપયોગ ન કરવો. મરી હૃદય માટે પણ ફાયદાકારક છે. તેનો સમપ્રમાણ ઉપયોગ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ આવેલાં છે. તે ગળાના અવાજ માટે ઉપયોગી થાય છે. મેદસ્વિતા ધરાવતા લોકોને મરીના ઉપયોગથી ચરબી ઓછી થાય છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે. શરીર સ્ફૂર્તિલું બને છે. મોંની દુર્ગંધને તે દૂર કરે છે.
પિત્ત પ્રકૃતિવાળાએ તેનો ઉપયોગ ન કરવો. જે લોકોને એસિડિટીની તકલીફ હોય તેઓએ તેનો ઉપયોગ ટાળવો, કારણ કે મરી ગરમ પ્રકૃતિ ધરાવે છે. મરીનો ઉપયોગ સમજીને કરવાથી તે આપણી તંદુરસ્તીને ફાયદો કરે છે.
