મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે આરોગ્ય અને ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. મનપા કમિશનર રાજકુમાર બેનીવાલ તથા ડેઝીગ્નેટેડ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 દિવસ દરમિયાન શહેરના તમામ ઝોનમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સંયુક્ત તપાસ દરમિયાન શહેરભરમાંથી કુલ 720 જેટલી હોટેલ-રેસ્ટોરન્ટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ગંભીર ક્ષતિઓ જણાતાં 294 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ ₹10,30,500નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 550 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો
નાયબ આરોગ્ય અધિકારીઓ, સેનિટેશન સ્ટાફ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની બનેલી ટીમોએ રેસ્ટોરન્ટ પરિસરની સ્વચ્છતા, કિચન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈમાં વપરાતા પાણી અને રો-મટીરીયલની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી હતી. આ સાથે કિચનમાં કામ કરતા કર્મચારીઓની શારીરિક સ્વચ્છતા, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ કચરા અને ડ્રેનેજના નિકાલની વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્ય પદાર્થોના 232 જેટલા નમૂના લેવાયા હતા અને આરોગ્ય માટે જોખમી એવા 549.90 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો. વરાછામાં સૌથી વધુ 124 કિલો જથ્થો નષ્ટ, લિંબાયતમાં ₹2.84 લાખ દંડ
ઝોનવાઇઝ કામગીરીમાં વરાછા ઝોન (A અને B)માં 164 તપાસ કરી સૌથી વધુ 124.6 કિલો જથ્થો નષ્ટ કરી ₹1.86 લાખનો દંડ કરાયો હતો. જ્યારે લિંબાયતમાં 41 નોટિસ આપી સૌથી વધુ ₹2.84 લાખ દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત ઉધના ઝોનમાં 177 તપાસ સાથે 109.7 કિલો, કતારગામમાં 88.6 કિલો, સેન્ટ્રલમાં 71 કિલો, રાંદેરમાં 33 કિલો અને અઠવા ઝોનમાં 27.5 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ કરાઈ હતી. સેન્ટ્રલ ઝોનમાં ₹1.24 લાખ, કતારગામમાં ₹1.65 લાખ, ઉધનામાં ₹1.04 લાખ, અઠવામાં ₹84,900 અને રાંદેરમાં ₹80,000નો દંડ ફટકારી લાલ આંખ કરાઈ હતી. કિચનમાં CCTV લગાવી લાઇવ પ્રસારણ બતાવવું પડશે
મનપાના જાહેરનામા અનુસાર કિચનનું લાઇવ પ્રસારણ ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે બતાવવું ફરજિયાત છે. તપાસ દરમિયાન શહેરમાં 95 રેસ્ટોરન્ટમાં આ વ્યવસ્થા કાર્યરત જોવા મળી હતી. જોકે જે સંસ્થાઓએ હજુ સુધી કિચનમાં કેમેરા નથી લગાવ્યા, તેમને દિન-7માં ફરજિયાતપણે CCTV લગાવી ડાઇનિંગ એરિયામાં લાઇવ પ્રસારણ શરૂ કરવા આદેશ અપાયો છે. અગાઉ સંચાલકોએ આ માટે 2 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ કમિશનરે માત્ર 1 અઠવાડિયાની મુદત આપી છે. નિયત સમયમાં આ વ્યવસ્થા ઊભી નહીં કરાય તો રેસ્ટોરન્ટ સામે સીલિંગ સહિતની કાયદેસર કાર્યવાહી થશે. નવરાત્રિના ફૂડ સ્ટોલ માટે ગાઇડલાઇન
નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાર્ટી પ્લોટ, હોલ, મંદિર પરિસર કે મોટા ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાતા ફૂડ સ્ટોલ માટે પાલિકાએ કડક નિયમો જાહેર કર્યા છે. તમામ સ્ટોલધારકોએ ફૂડ સેફ્ટીનું હંગામી (ટેમ્પરરી) રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. સ્ટોલ પર કામ કરતા તમામ કારીગરોએ ફરજિયાત હેન્ડ ગ્લોવ્ઝ, એપ્રોન, ટોપી અને માસ્ક પહેરવા પડશે તેમજ ખેલૈયાઓને માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક જ પીરસવાનો રહેશે. નિયમોનો ભંગ કરનારા આયોજકો અને સ્ટોલધારકો સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કિચનમાં CCTV લગાવી લાઈવ પ્રસારણ બતાવવા 7 દિવસનું અલ્ટીમેટમ:720 એકમોની તપાસ, 294ને નોટિસ અને ₹10.30 લાખનો દંડ, 550 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ
📅 Published: October 10, 2026 |
📂 Category: gujarati-news
