કુબેરનગરમાં હેવી ટ્રીમિંગના બહાને આખું ઝાડ કાપી બે ગેરકાયદે દુકાનો ઊભી કરી દેવાતાં વિવાદ

📅 Published: September 2, 2026 | 📂 Category: Ahmedabad

કુબેરનગરમાં હેવી ટ્રીમિંગના બહાને આખું ઝાડ કાપી બે ગેરકાયદે દુકાનો ઊભી કરી દેવાતાં વિવાદ સર્જાયો છે. બંગલો તોડી કોમર્શિયલ દુકાનો બનાવનારા તત્વોને લાભ પહોંચાડવા વર્ષો જૂના ઘટાટોપ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ગાર્ડન વિભાગની મિલીભગત અને ‘આંખ આડા કાન’ તેમજ ભયજનક ઝાડ’ના પાંગળા બચાવ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શહેરના ઉત્તર ઝોનમાં આવેલા કુબેરનગર વોર્ડમાં રાજાવીર સર્કલ નજીક (સુપર ટેલર પાસે) એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘મિશન મિલિયન ટ્રીઝ’ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન ખાતાની લાલિયાવાડી અને સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ હેવી ટ્રીમિંગની મંજૂરી મેળવીને આખેઆખું ઘટાટોપ વૃક્ષ કાપી નાખવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આશરે છ મહિના પહેલાં આ સ્થળે એક બંગલો હતો. બે વર્ષ પહેલાં કોમર્શિયલ ટેક્સ આકારણી કરાવીને ત્યાં રેસિડેન્શિયલની મંજૂરી મેળવી ગેરકાયદેસર રીતે બે દુકાનો બનાવી દેવાઈ હતી. આ દુકાનોને આગળથી ખુલ્લી કરવા અને માલિકોને આર્થિક લાભ ખટાવવા ઉત્તર ઝોન બગીચા ખાતાના અધિકારીઓની મિલીભગતથી ટ્રીમિંગના બહાને વૃક્ષ જ ગાયબ કરી દેવાયું હોવાનું મનાય છે.

ઘટના બહાર આવતાં જ ગાર્ડન વિભાગના અધિકારી એ. સી. પટેલે ઝાડ ‘ભયજનક’ હોવાનો પાંગળો બચાવ કર્યો છે. જોકે, સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો ઝાડ ખરેખર ભયજનક હતું, તો ગાર્ડન વિભાગે પોતે તેને નિયમાનુસાર કેમ ન કાપ્યું? અધિકારીઓ માત્ર ચેકિંગ કરીને રિપોર્ટ કરવાની વાતો કરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું કાપેલું વૃક્ષ ફરીઊગી નીકળશે? સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા દરમિયાન ચેરમેન, મેયર, ડે.મેયર કે પક્ષના નેતા કોઈએ ખુલાસો પણ પૂછયો નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મંજૂરી આપ્યા બાદ કોઈ જ સ્થળ તપાસ કરતા નથી અને સ્થાનિક કોર્પોરેટરો કે રાજકારણીઓની છત્રછાયા હેઠળ વૃક્ષોનું નિકંદન કાઢનારા તત્વો સામે માત્ર નજીવો દંડ કરીને આંખ આડા કાન કરે છે. આ સમગ્ર ઘટનાએ એસ્ટેટ, ટેક્સ અને ગાર્ડન વિભાગની શંકાસ્પદ કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *