વસુદેવ-દેવકી – ઉગ્રસેનના ભાઈ દેવકને ચાર પુત્રો અને સાત પુત્રીઓ હતી. આ સાત પુત્રીઓમાં દેવકી સૌથી સુંદર હતી. વસુદેવ યદુવંશી રાજા શૂરસેન અને મારીષાના પુત્ર હતા. વસુદેવનાં લગ્ન આમ તો દેવક અથવા આહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં. દેવકી આ સાત કન્યાઓ પૈકીની એક અને પ્રમુખ હતી. એવી પણ કથા છે કે દેવકી કંસની બહેન (કાકાની દીકરી) હતી. કંસને દેવકી ખૂબ જ પ્યારી હતી અને વસુદેવને મિત્ર સમાન માનતો અને પસંદ કરતો. બંને રાજકુળો વચ્ચેના ઝઘડાઓના ઉકેલ તેમજ રાજનીતિના ભાગરૂપે દેવકીનાં લગ્ન વસુદેવ સાથે કરવાનું નક્કી થયું. જ્યારે ઉગ્રસેને દેવકીના વિવાહ વસુદેવ સાથે નક્કી કર્યા ત્યારે સૌથી વધુ ખુશ કંસ થયો હતો. વસુદેવ અને દેવકીનાં લગ્ન સંપન્ન થયાં અને ઘરે જવા રથમાં સવાર થયા ત્યારે કંસે પોતાની બહેન દેવકી અને મિત્ર વસુદેવને વિદાય આપવા સ્વયં પોતે રથ હાંકવાનું કાર્ય સંભાળ્યું, પરંતુ નિયતિની નીતિ સામાન્ય માનવીથી અલગ હોય છે. છેવટે તો દેવકી-વસુદેવ પણ હતાં તો માનવ જ ને. રથ થોડો આગળ વધ્યો ને આકાશવાણી થઇ, `હે કંસ, તું મૂર્ખ છે. જે દેવકીને તું ઘરે પહોંચાડવા ખુશી ખુશી જાય છે, તેનો જ આઠમો ગર્ભ (આઠમું સંતાન) તારા મૃત્યુનું કારણ બનશે. તે તને મારશે.’
વસુદેવ અને દેવકી કૃષ્ણના જન્મદાતા. આઠમા બાળક તરીકે કૃષ્ણ જેલમાં દેવકીના ગર્ભમાંથી જન્મ્યા હતા. પુત્ર વિયોગનું દર્દ દેવકીથી વધુ ભાગ્યે જ કોઈના ભાગ્યમાં લખાયું હશે. આઠ આઠ સંતાનો જન્મ સાથે જ ગુમાવી દીધા. તેમાંય છની તેની નજર સામે ઘાતકી, નિર્દયી હત્યા. સાતમો ગર્ભ પરિવર્તન અને આઠમું સંતાન જન્મતાં સાથે જ મથુરાથી ગોકુળ. કૃષ્ણ જન્મની ખુશી કરતા વિયોગની વ્યથા જ વસુદેવ અને દેવકીને સતાવતી રહી.
નંદ-યશોદા – કૃષ્ણને જન્મ આપનાર માતા-પિતા દેવકી અને વસુદેવ હતાં, તો તેના પાલનહાર માતા-પિતા યશોદા અને નંદ હતાં. યશોદા અને કૃષ્ણના અદ્ભુત વાત્સલ્ય પ્રેમની ગાથાઓ રચાય છે. બાળકૃષ્ણે પહેલીવાર પોતાની મેળે પડખું બદલ્યું તે દિવસે યશોદાજીએ ઉત્સવની ઉજવણી કરી હતી. કૃષ્ણનું અત્યંત મોહક શ્યામસુંદર શરીર, પ્રેમભર્યો મલકાટ, નિરાળી મુખકમળની શોભા, કાન કુંડળથી સુશોભિત, ચુંબકીય આકર્ષણ ધરાવતું વ્યક્તિત્વ યશોદા મૈયાને અતિ પ્રિય હતું. યશોદાએ જ કૃષ્ણનું પાલન કર્યું છે, પોષણ કર્યું છે. કૃષ્ણમાં સંસ્કારનું સિંચન અને કુમળી વયમાં જે લાડ લડાવ્યા તેનો જોટો જડવો મુશ્કેલ છે. એક પાલક માતા સગી માતા કરતાંયે અધિક પ્રેમ આપી પુત્રનું પાલન કરે તે ઘટના યશોદાના પાત્રને અમર બનાવે છે. જ્યારે જ્યારે બાળકૃષ્ણની વાતો થાય છે, લીલાઓ વર્ણવાય છે ત્યારે અગ્ર સ્થાને માત્ર ને માત્ર યશોદા જ રહે છે.
કૃષ્ણ યશોદા અને નંદના પુત્ર તરીકેની ભૂમિકા આજીવન નિભાવતા રહ્યા. તેઓ વૃંદાવનના લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવતા રહ્યા. જેને આપણે લીલા કહીએ છીએ તે બાળસહજ તોફાન, મસ્તી કૃષ્ણે યશોદા માતા સાથે ઘણી કરી છે. યશોદા ગુસ્સે થઈને દોરડે બાંધી દેતાં, તો ક્યારેક યશોદા માતાને બ્રહ્માંડનાં દર્શન કરાવી દેતા. કોઈના પણ ઘરમાં ઘૂસી ગોવાળો સંગ મટકીફોડી માખણ ચોરી ખાઈ જતા ત્યારે યશોદાને નવનેજાં પાણી ઊતરી જતાં.
ભીષ્મ – મહાભારતનું આ પાત્ર ભીષ્મ અત્યંત પવિત્ર છે. કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં તે શસ્ત્ર હાથમાં નહીં લે. ભીષ્મને ખબર પડી ત્યારે કૃષ્ણને પડકાર આપતાં કહ્યું, `જો મૈં હરિ કો ચક્ર ન ધરાવું તો લાજે મોરી જનનિ ગંગા, મૈં શાંતનું સુત ના કહાઉં.’
હે પ્રભુ! હું તમને ચક્ર અથવા હથિયાર ઉપાડવા માટે મજબૂર કરીને જ રહીશ અને આમ હું ન કરી બતાવું તો હું શાંતનું અને ગંગાનો પુત્ર ન કહેવડાવું. ગીતામાં કૃષ્ણે ભક્તોને અભય વચન આપી રાખ્યું છે : `નમેભક્ત: પ્રણશ્યતિ.’ આવું અભય વચન કૃષ્ણે જ્ઞાનીઓને કે યોગીઓને પણ નથી આપ્યું. કૃષ્ણ અને ભીષ્મ વચ્ચેનો સંબંધ એકબીજાને પ્રણિપાત કરવા સમાન મહાન કક્ષાનો હતો. ભીષ્મ સાથે કૃષ્ણના અંગત પરસ્પરના સંબંધ ખૂબ જ આત્મીય કક્ષાના હતા. તેમ છતાં પાંડવોની જીત માટે યુદ્ધમાં અજેય એવા કૌરવોના પક્ષે લડતા ભીષ્મ સામે શિખંડીને ઊભો રાખી દેતા અચકાયા નહોતા.
ગાંધારી – મહાભારતની ખરી પરાકાષ્ઠા ગાંધારીનો શાપ છે. મહાભારતમાં સ્વયં કૃષ્ણ પણ દોષમુક્ત નથી. કૃષ્ણને પણ શાપ આપી શકે એવા સમર્થ પાત્ર એમાં છે. મહાભારત માણસનાં છળ, કપટ, કુટિલતા, મત્સર, તેજોદ્વેષ, રાજદ્વારિતા, પ્રતિશોધની કથા છે અને એ બધાંમાંથી ચળાઈને આવેલા કેટલાક સુવાંગ વ્યક્તિઓની કથા છે. ગાંધારી જગતની એકમાત્ર એવી સ્ત્રી હતી, જેણે સ્વેચ્છાએ પોતાના સો પુત્રોના ચહેરા નહોતા જોયા અને એ જ સો પુત્રોને મરતા જાણ્યા હતા. કૃષ્ણ ગાંધારીને ખૂબ જ આદરણીય સ્ત્રી તરીકે સ્વીકારે છે.
