કેશોદની જીવનદીપ હોસ્પિટલમાં મહિલાએ ત્રીજી ડિલિવરી બાદ મોત થતાં પરિવારે ડોક્ટરની ગેરહાજરી અને સિઝેરિયનની માગ છતાં નોર્મલ ડિલિવરી કરાવવાની બેદરકારીના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. મૃતકને અગાઉ બે દીકરીઓ હતી, જ્યારે ત્રીજા બાળક તરીકે દીકરો આવ્યો પરંતુ માતા તેનો ચહેરો જોઈ શકી નહીં. કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં રહેતા ભાવિષાબેન યોગેશભાઈ બાલસ નામના ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રસુતાને પીડા ઉપડતાં બેડ પર જ બાળકનો જન્મ થયો હતો અને ત્યારબાદ મહિલા બેભાન અવસ્થામાં જતા રહ્યા હતા. બાળકનો જન્મ, માતાનું મોત
પરિવારે ડોક્ટરને બોલાવતા તેમણે સી.પી.આર. તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકની માતાને બચાવી શકાયા ન હતા. મૃતક મહિલાને અગાઉ બે દીકરીઓ હતી અને ત્રીજા બાળક તરીકે દીકરાનો જન્મ થયો છે, પરંતુ તેઓ પોતાના પુત્રનું મોઢું જોઈ શક્યા ન હતા. ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ‘સિઝેરિયન ડિલિવરીની વિનંતી કરી છતાં નોર્મલ ડિલિવરી કરાવી’
મૃતક મહિલાના સગાએ ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેઓ સવારે દસ વાગ્યે હોસ્પિટલે આવ્યા હતા અને દર્દીને દાખલ કર્યા હતા. ડોક્ટરે સોનોગ્રાફી અને તપાસ કરીને છથી ચોવીસ કલાક સમય લાગશે તેમ કહ્યું હતું અને દર્દી નબળા હોવાથી પરિવારે દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. સારવાર દરમિયાન દવા અને ઇન્જેક્શન ચાલુ કર્યા બાદ બે વાર સ્ટ્રેચર પર અંદર લઈ ગયા અને ફરી ખાટલે લઈ આવ્યા હતા. પરિવારે આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર સાહેબ જતા રહ્યા હતા અને બે-ત્રણ વાર ફોન કર્યા બાદ આવ્યા હતા. મહિલાએ પોતાની હિંમત ખૂટી જતાં સિઝેરિયન કે ટાંકા મારીને ડિલિવરી કરવાની વિનંતી કરી હોવા છતાં ડોક્ટરે નોર્મલ ડિલિવરી જ કરાવી હતી. ડિલિવરી બાદ મહિલાએ થોડીવાર ઉધરસ ખાધા પછી આંખો ન ખોલતાં ડોક્ટરે હાથ ટેકવી દીધા હતા. પરિવારે આક્ષેપ કર્યો છે કે, નબળાઈ કે લોહી ઓછું હોવા અંગે પહેલેથી જાણ કરવી જોઈતી હતી અને હવે તેમને આ બાબતે યોગ્ય ન્યાય મળવો જોઈએ. ‘ડિલિવરી થતાં જ દર્દીનું હૃદય એકાએક બંધ થઈ ગયું’
બીજી તરફ આ મામલે જીવનદીપ હોસ્પિટલના ગાયનેક ડો.વિકાસ ગોહેલે જણાવ્યું હતું કે, દર્દીને ત્રીજી ડિલિવરી હતી અને અગાઉની બે ડિલિવરી પણ નોર્મલ થઈ હોવાથી નોર્મલ ડિલિવરી માટેની જ સલાહ આપીને સારવાર શરૂ કરાઈ હતી. હોસ્પિટલ દ્વારા સતત તપાસ અને સોનોગ્રાફી કરવામાં આવી રહી હતી. બપોરે અચાનક વધારે દુખાવો ઉપડ્યા બાદ ડિલિવરી થતાં જ દર્દીનું હૃદય એકાએક બંધ થઈ ગયું હતું. તેમણે તુરંત એમ.ડી. ડોક્ટરને બોલાવીને સી.પી.આર., કૃત્રિમ શ્વાસ અને હૃદયના ઇન્જેક્શન આપવા સહિતના તમામ તબીબી પ્રયાસો કર્યા હતા, પરંતુ દર્દીને બચાવી શકાયા ન હતા. ‘સ્ટાફ અને ડોક્ટર તુરંત પહોંચી ગયા હતા’
બેડ પર ડિલિવરી થવા અંગે ડોક્ટરે સ્પષ્ટતા કરી હતી કે અચાનક તીવ્ર દુખાવો ઉપડવાને કારણે દર્દીને લેબર રૂમ સુધી લઈ જવાનો સમય મળ્યો નહોતો અને તેમની સ્થિતિ ચાલીને જવાની ન હોવાથી સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડી હતી. આ ઉપરાંત ગેરહાજરીના આક્ષેપોને ફગાવતાં તેમણે જણાવ્યું હતું કે દુખાવો ઉપડતાં જ સ્ટાફ અને ડોક્ટર તુરંત પહોંચી ગયા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
કેશોદની જીવનદીપ હોસ્પિટલમાં ડિલિવરી બાદ મહિલાના મોતથી પરિવારનો હોબાળો:પુત્રનો જન્મ થયો પરંતુ માતા મોઢું ન જોઈ શકી, ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ; ન્યાયની માગ
📅 Published: September 20, 2026 |
📂 Category: gujarati-news
