‘કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત અલગ’:CM ભૂપેન્દ્ર પટેલે SIR મુદ્દે રાહુલ ગાંધી સહિત વિપક્ષના આક્ષેપો પર નિશાન સાધ્યું

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચની સ્વાયત્તતા અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પાયાવિહોણા આક્ષેપો સામે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને દેશમાં પારદર્શક તથા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચને બંધારણીય રીતે સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી પંચ તટસ્થતાથી ચૂંટણીઓનું સંચાલન કરી રહ્યું છે, ત્યારે પોતાના ભૂતકાળના શાસનકાળમાં ચૂંટણી પંચની સ્વાયત્તતા છીનવી લેનારા લોકો જ આજે તેના પર આક્ષેપો કરવાની હિંમત કરી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને તેમની મંડળી દ્વારા ચૂંટણી પંચ સામે કરવામાં આવતા પ્રહારોની આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે અને વિપક્ષે એ પણ મનોમંથન કરવું જોઈએ કે તેઓ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 40 વર્ષથી સત્તાથી કેમ દૂર રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં કોઈ મતાધિકારથી વંચિત નહીં રહે
મુખ્યમંત્રીએ મતદાર યાદીના સુધારા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6 અનિવાર્ય અને મહત્વનું સાધન છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6ની પ્રક્રિયાને કાયદેસર અને યોગ્ય ગણાવી છે. ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશના વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં SIR (Special Intensive Revision) ની સઘન ઝુંબેશ ચાલી રહી છે, જેથી કોઈ પણ યોગ્ય નાગરિક પોતાના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહી જાય. તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચના તમામ નીતિવિષયક નિર્ણયો સંપૂર્ણપણે સર્વાનુમતે લેવાયેલા છે. પાયાવિહોણા આરોપો જનતા ક્યારેય સ્વીકારશે નહીં
મુખ્યમંત્રીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે, આજે ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં ‘વિશ્વ મિત્ર’ તરીકે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ખાતર ચૂંટણી પંચ જેવી પ્રતિષ્ઠિત અને સ્વાયત્ત સંસ્થાઓ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ સહિતની બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર વારંવાર શંકા વ્યક્ત કરવી લોકશાહી માટે યોગ્ય નથી. બંધારણીય સંસ્થાઓ સામે ખોટા આક્ષેપો કરવાને બદલે પ્રજાહિતમાં તેમના પર વિશ્વાસ રાખવો જરૂરી છે. વિપક્ષ પોતાના સ્વાર્થી મનસૂબા જનતા પર ગમે તેટલા થોપવાનો પ્રયાસ કરે, પરંતુ દેશના જાગૃત નાગરિકો તેમના આવા મનસૂબાઓને ક્યારેય સફળ થવા દેશે નહીં.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *